અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાતી ફિલ્મો જ ગુજરાતી ફિલ્મોને પતાવી રહી છે?
- Advertisement -
હાલ સફળતાપૂર્વક ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ ઝમકુડીએ આ લખાય છે ત્યાં સુધીમાં અંદાજિત કરોડનો બિઝનેસ કરી લીધો છે
2024નો જૂન મહિનો પૂરો થયો. અત્યાર સુધી મારી પાસે માહિતી છે તે મુજબ 25 ફિલ્મો રિલિઝ થઈ ચૂકી છે અને જુલાઇ મહિનામાં હજી બીજી 2થી 3 ફિલ્મો રિલિઝ થવા જઈ રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા-નવા વિષયો સાથે ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે પણ સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાતી ફિલ્મો જ ગુજરાતી ફિલ્મોને પતાવી રહી છે? જવાબ છે, હા. બાવન અઠવાડિયાનું વર્ષ, સામાન્ય રીતે એક ફિલ્મને એકથી બે અઠવાડિયા સારી રીતે બીઝનેસ કરવા માટે જોઈએ તો એ મુજબ છવ્વીસ અથવા વધીને બાવન ફિલ્મોથી વધુ ફિલ્મો એક વર્ષમાં રિલિઝ થાય તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક છે. માની લઈએ કે બધી જ ફિલ્મો સારી ના પણ હોય, પરંતુ આવી ફિલ્મો એક અઠવાડિયા માટે પણ સિનેમાના અમુક સ્ક્રીન તો રોકી જ લેતી હોય છે, જે સારી ફિલ્મોને સીધી અસર કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે સારી ફિલ્મ હોવા છતાં તેની પાસે ફિલ્મને યોગ્ય રીતે રિલિઝ કરવા માટેનું કે તેના પ્રચાર પ્રસાર માટેનું બજેટ સાવ ઓછું હોય છે. બીજી તરફ નબળી ફિલ્મો પાસે સક્ષમ નિર્માતા હોવાને કારણે તે લાખો રૂપિયા ખર્ચીને ફિલ્મનો યોગ્ય પ્રચાર પ્રસાર કરીને રિલિઝ કરતાં હોય છે. આમાં અંતે તો પ્રેક્ષક જ ગેરમાર્ગે દોરાતો હોય છે.
આ વર્ષે પ્રથમ દૃષ્ટી એ જોઈએ તો 100 ફિલ્મોનો આંકડો પાર થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે. (જો કે આમાં બધી જ સારી જ ફિલ્મો હશે તેવો મારો કોઈ દાવો નથી જ, આમાં માત્ર સબસિડી લેવા માટે બનેલી અમુક ચોક્કસ ફિલ્મો પણ ખરી જ કે જેનો કોઈ પ્રચાર પ્રસાર જોવા નહીં મળે) પણ જે રીતે હાલ સફળતાપૂર્વક ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ ઝમકુડીએ આ લખાય છે ત્યાં સુધીમાં અંદાજિત કરોડનો બિઝનેસ કરી લીધો છે, જે સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે ગૌરવ લેવા જેવી વાત છે. પણ આ કારણે ચૂપ જેવી સારી ફિલ્મને જોઈતા સિનેમા ના મળ્યા તેનું દુ:ખ પણ છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ બન્યાના દાખલા છે.
- Advertisement -
મારી દ્રષ્ટિએ આમાં સૌથી મોટો દોષ ગુજરાત સરકાર દ્વારા અમલી ‘ફિલ્મ પ્રોત્સાહક નીતિ’નો છે. તેમાં અમુક કડક સુધારાઓ કરવાની તાતી જરૂર છે. ગુજરાત સરકારનો ઇરાદો નેક હોવા છતાં આ નીતિમાં એટલા બધા છીંડા રહી ગયા છે કે અમુક લોકો માત્ર તેનો દુરુઉપયોગ કરીને જ ફિલ્મો બનાવે છે. તાત્કાલિક ધોરણે જે લોકો ખરેખર તજજ્ઞની કેટેગરીમાં આવતા હોય, જે તે વર્ષની એક પણ ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ના હોય અને તેને પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ વફાદારી હોય તેવા ચોક્કસ લોકોને જ ફિલ્મ પ્રોત્સાહક નીતિની કમિટીમાં લઈને તેના નિયમો બનાવવા ખૂબ જરૂરી છે. આના નામ નક્કી કરવા માટે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, કે વરિષ્ઠ લેખકો, કવિઓ, નિર્માતાઓ કે દિગ્દર્શકોનો અભિપ્રાય લઈ જ શકાય.
થોડું અતિતમાં ડોકિયું કરી તો ગત શુક્રવારે રિલિઝ થયેલી કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ત્રિસા ઓન ધ રોક્સની વાર્તા ખૂબ પક્કડ વાળી, નવી હોવા છતાં ફિલ્મની લંબાઈ માટે અનેક ચર્ચાઓ ચાલી છતાં છેલ્લા સમાચાર મુજબ ફિલ્મ સરસ રીતે સિનેમાઘરોમાં ચાલી રહી છે.
સિડનીમાં આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ
દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે કરવામાં આવ્યું છે. ગઇકાલે સિડનીના ઓપેરા હાઉસ ખાતે ભવ્ય રેડ કાર્પેટ સાથે શરૂ થયેલા આ ભવ્ય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન અને એવોર્ડ સેરેમની આવતી કાલે બોલીવુડને શરમાવે તેવી રીતે સ્ટારશીપ ક્રુઝ ખાતે યોજાશે. આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં બચુભાઈ, બિલ્ડર બોય, ફાટી ને, હું અને તું, ઇટ્ટા કિટ્ટા, જમકુડી, કસુંબો, લોચા લાપસી, સમંદર, વાર તહેવાર અને વેનીલા આઇસ્ક્રીમ જેવી ફિલ્મોનું મંચન સિડનીના રાઇડિંગ સિનેમા ખાતે થશે. આ ફેસ્ટિવલને તાજેતરમાં નવી શરૂ થયેલી ઘઝઝ કંપની ઉંઘઉંઘ દ્વારા પ્રયોજિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત આજે સુરત ખાતે છેલ્લા પાંચ વર્ષથી હિંમત લાડુમોર અને વૈશાલી જાની દ્વારા ભવ્ય રીતે યોજાતો કલાકારોનો મેળાવડો અવસર પણ યોજાઇ રહ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી સંગીત સાથે સંકળાયેલા અનેક કલાકારો અને કસબીઓ ઉપસ્થિત છે તેવી માહિતી મળેલ છે. આ કાર્યક્રમમાં અનેક નામી-અનામી કલાકારો અને કસબીઓનું ખાસ સન્માન થશે અને નવોદિત કલાકારો અને કસબીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ખાસ તજજ્ઞો દ્વારા પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ત્રિસા ઓન ધ રોક્સ’ની વાર્તા ખૂબ પક્કડ વાળી છે, આ ફિલ્મ સરસ રીતે સિનેમાઘરોમાં ચાલી રહી છે
આગામી રિલિઝ…તારીખ 5 જુલાઇ
ચાણક્ય પટેલ દિગ્દર્શિત અને રોનક કામદાર, એષા કંસારા અભિનીત ફિલ્મ ‘બિલ્ડર બોય’
તારીખ 19 જુલાઇ
કેતન રાવલ નિર્મિત, વિશાલ વડાવાલા દિગ્દર્શિત અને માનસી રાચ્છ, ધૈર્ય ઠક્કર અભિનીત ફિલ્મ ‘રામ ભરોસે’
નાટકની દુનિયા…
ગત તારીખ 23 જૂન, રવિવારના રોજ મુંબઈની રંગભૂમિના જાણીતા અને સફળ નાટકોના નિર્માતા ભરત નારાયણદાસ ઠક્કરના નવા નાટક એકલવ્યનો શુભારંભ મુંબઈ ના તેજપાલ ઓડિટોરિયમથી થયો. જાણીતા દિગ્દર્શક વિપુલ મહેતા દિગ્દર્શિત આ નાટકમાં જાણીતા અભિનેતા મેહુલ બુચ, કૃતિકા દેસાઇ અને સ્મિત ગણાત્રા અભિનય કરી રહ્યા છે. જ્યારે નાટકના પ્રસ્તુતકર્તા છે વિશાલ ગોરડિઆ.
ગુજરાતી ફિલ્મ જગતની અપેક્ષા…
ગુજરાતી ચલચિત્ર જગત જ્યારે વર્ષે 80થી 100 ફિલ્મ આપી રહ્યું હોય ત્યારે એવી અપેક્ષા સૌ નિર્માતાઓની છે કે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક બ્રાન્ચ ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે જેથી ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ફિલ્મ નિર્માતાઓની વધુ સરળતા રહે. આ માટે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ તરફથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.