મનપા દ્વારા 30 બસ રૂટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે ખાનગી એજન્સીની મદદથી શરૂ કરાયેલી સીટી બસ સેવાને શહેરજનોએ વિશાળ પ્રમાણમાં આવકારી હતી. જો કે બાદમાં એજન્સીને પેમેન્ટ અટકી જતા બસની સંખ્યા ઘટી અને સેવા પૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. બાદમાં પાલિકાએ બે બસ દોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તંત્ર સફળ થઈ શક્યું નહોતું. હવે ફરી એકવાર મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સીટી બસ સેવા શરુ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ શહેરના વિસ્તરતા વિસ્તારોને આવરી લેતા 30 બસ રૂટ શરૂ કરાશે. આ માટે 78 બસ સ્ટોપ અને 38 રીક્વેસ્ટ સ્ટોપ પણ નક્કી કરવામાં આવ્યા છે. ટેન્ડર મુજબ સીટી બસ સેવા માટે 7 વર્ષનો કરાર કરવામાં આવશે. હવે કેટલી એજન્સીઓ આ સેવા માટે રસ દાખવે છે અને કઈ એજન્સી અંતે પસંદ થાય છે તે આગામી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સામે આવશે. ભૂતકાળના અનુભવોને જોતા, આ વખતની સીટી બસ સેવા ક્યારે અને કેવી રીતે સફળતાપૂર્વક શરૂ થશે તે જોવાનું રહ્યું.