માવઠા બાદ ખેતરોમાં પાણી ભરાયા: જીરું, અજમો, ઘઉં, વરિયાળીના પાકને નુકસાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં કમોસમી વરસાદે મુશ્કેલી વેરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના 45 ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે. ગઈકાલે કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જીરું, અજમો, ઘઉં, વરિયાળીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. અનેક ખેતરોમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીમાં શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં વરસાદ અને કરા પડવાથી મોટાપાયે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે.
માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. જિલ્લામાં સૌથી વધુ તાલાળા અને વેરાવળમાં વરસાદ વરસ્યો છે. રવિવારે વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે. તાલાળા, ઉના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં રાઇના પાકને નુકસાન થયું છે.
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. વરસાદના પગલે કપાસના પાકને માવઠાથી સૌથી વધુ નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદથી ખેતરોમાં કપાસનો પાક પલળી ગયો છે. જિલ્લાના તમામ 4 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકામાં પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ચણા, જીરું, વરિયાળીના પાકને પણ નુકસાન થયું છે.