કોરોનાના ઝટકામાંથી બહાર આવી ચુકેલા પ્રોપર્ટી રોકાણકારો ધીમે ધીમે નાના શહેરો પર દાવ લગાવી રહ્યા છે. આ શહેરોમાં પ્રોપર્ટીના વેચાણનું પ્રમાણ ટિયર-1 બજારો કરતાં ઘણું ઓછું છે, પરંતુ અહીં વિકાસની ગતિ નોંધપાત્ર રીતે વધી છે.
દેશભરના ટિયર-2 શહેરોમાં પ્રોપર્ટી માર્કેટમાં વેચાણ અને ભાવ વૃદ્ધિ લાંબા સમયથી ધીમી રહી છે, પરંતુ ગયા વર્ષમાં ઘરોના વેચાણ અને ભાવ બંનેમાં નોંધપાત્ર ફેરબદલ જોવા મળ્યો છે. જો કે આ શહેરોમાં પ્રોપર્ટીના વેચાણનું પ્રમાણ ટિયર-1 બજારો કરતા ઘણું ઓછું છે, પરંતુ અહીં વિકાસની ગતિ નોંધપાત્ર રીતે વધી ચુકી છે.
- Advertisement -
નાના પ્રોપર્ટી બજારોનું પ્રદર્શન વધુ સારું
નાણાકીય વર્ષ 2024માં વધુ સારી ગુણવત્તાવાળા ઘરોની માંગને કારણે ટિયર-2 શહેરોમાં રહેણાંક મિલકતના વેચાણમાં વધુ વૃદ્ધિ જોવા મળી. કન્સલ્ટન્સી ફર્મ લિયાસેસ ફોરાસ અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 52 નાના શહેરોમાં વેચાણ 26% વધ્યું છે, જ્યારે ટોચના આઠ શહેરોમાં 21% વૃદ્ધિ થઈ.
આ બજારોમાં મિલકતની કિંમતો પણ સામાન્ય રીતે ઓછી હોય છે. વેચાણમાં વધારો થતાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. ઘણા ટિયર-2 શહેરોમાં ભાવ પણ ડબલ ડિજિટમાં વધ્યા છે. તુલનાત્મક રીતે, મહાનગરોમાં માત્ર નેશનલ કેપિટલ રિજનમાં જ બે આંકડામાં ભાવ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે નાના શહેરોમાં ન વેચાયેલા હાઉસિંગ સ્ટોકમાં પણ 20%નો ઘટાડો થયો છે.
- Advertisement -
વધારા પાછળનું ખાસ કારણ
એમ તો ઘરોની માંગમાં વધારાએ મહાનગરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ આનાથી નાના રિયલ એસ્ટેટ બજારોને પણ મદદ મળી છે. મુખ્ય પરિબળોમાં પોસાય તેવા આવાસ, એરપોર્ટ અને મેટ્રો રેલ સહિત બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, રિટેલ રોકાણની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતો સરકારી ખર્ચ પણ સામેલ છે. કોરોનાના આંચકામાંથી બહાર આવી ચુકેલા પ્રોપર્ટી રોકાણકારો હવે ધીમે ધીમે નાના શહેરો પર દાવ લગાવી રહ્યા છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓના વધતા રોકાણને કારણે ગોવામાં ભાડાથી થતી આવકમાં વૃદ્ધિ અન્ય ટોચના શહેરો કરતાં વધુ છે.
ક્યાં અને કેમ વધી રહ્યા છે ભાવ
બિન-નિવાસી ભારતીયો (NRI) અને ઉચ્ચ નેટવર્થ ધરાવતા રોકાણકારો બંનેના રસને કારણે લુધિયાણામાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. આ બંને રોકાણકારો ઉત્તર ભારતીય બજારોમાં પરત ફરી રહ્યા છે. કાનપુર, લખનૌ, દેહરાદૂન અને જયપુરમાં કિંમતોમાં વધારો માંગ અને પ્રમાણમાં ઓછા હાઉસિંગ સપ્લાયને કારણે છે. આ શહેરોમાં પ્લોટેડ પ્રોજેક્ટ ધરાવતા કેટલાક ટિયર-1 બિલ્ડરોના પ્રવેશથી પણ આ ક્ષેત્રોને મદદ મળી છે.
આ શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો ઘટી શકે છે
લિયાસેસ ફોરાસના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2024ની સરખામણીએ નાણાકીય વર્ષ 2025માં નાના શહેરો અને નગરોમાં ઘરનું વેચાણ 25% વધવાની ધારણા છે. આ બજારોમાં વેચાણ વૃદ્ધિ પણ ટિયર-1 બજારો કરતાં વધુ ઝડપી હશે, કારણ કે અહીં વૃદ્ધિ નાના પાયા પર રહેશે. જેમ જેમ પ્રોજેક્ટ લોન્ચ થશે તેમ, ટિયર-2 માર્કેટમાં એકંદર હાઉસિંગ સ્ટોક પણ વિસ્તરશે. પરિણામે આ શહેરોમાં પ્રોપર્ટીના ભાવ ઘટી શકે છે. સરકાર આ બજારોને શું પ્રોત્સાહન આપે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે.
કેન્દ્રીય ખર્ચ વિકાસને વેગ આપશે
‘હાઉઝિંગ ફોર ઓલ’ મિશન હેઠળ, ત્રણ કરોડ નવા મકાનોના વચન સાથે, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ને વિસ્તારવામાં આવશે એ નક્કી છે. આનાથી હાઉસિંગ સપ્લાય વધારવામાં મદદ મળશે અને તેથી વધુ, ટિયર-2 કેટેગરીના શહેરોમાં પોસાય તેવા હાઉસિંગ માર્કેટને પુનર્જીવિત કરવામાં મદદ મળશે. રિયલ એસ્ટેટ વિશ્લેષકો કહે છે કે મહાનગરોની બહાર પ્રોપર્ટી માર્કેટને વિસ્તારવા અને હાઉસિંગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવા વધુ પ્રોત્સાહનોની જરૂર છે. નવી યોજનાઓ પણ સ્થાપિત ડેવલોપર્સને આ બજારોમાં દાવ લગાવવા માટે પ્રેરિત કરી શકે છે.