અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી – ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની સરખામણીએ..
- Advertisement -
સંગીત નાટક અકાદમી અંતર્ગત અમલી યોજનાઓમાંથી અંદાજિત 70%થી વધુ યોજનાઓ નિષ્ક્રિય હાલતમાં
છેલ્લા ઘણા વર્ષોથી સંગીત નાટક અકાદમીનું માળખું અસ્ત વ્યસ્ત છે, આ અકાદમીમાં નથી કોઈ અધ્યક્ષ, નથી કોઈ કાયમી સભ્ય સચિવ કે નથી કોઈ ડિરેક્ટર
કલાકાર કલ્યાણ નિધિ યોજના ચાલુ છે કે નહીં ?
- Advertisement -
ગુજરાત સરકાર કલા અને કલા સંલગ્ન પ્રવૃત્તિઓ માટે સતત કાર્યશીલ છે. ગુજરાત રાજ્ય ના યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ત્રણ ત્રણ અકાદમીઓ જેવી કે સાહિત્ય અકાદમી, લલિતકલા અકાદમી અને સંગીત નાટક અકાદમી કાર્યરત છે.
વર્ષોથી અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં લલિતકલા એકેડમીનું છ માળનું એક અલાયદું સંકુલ પણ રવિશંકર રાવલ કલાભવનના નામથી કાર્યરત છે. સાહિત્ય અકાદમીનું પણ પોતાનું એક અલગ બિલ્ડિંગ તાજેતર માં શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ખૂબ ખેદ સાથે કહેવું પડે છે જે અકાદમી અંતર્ગત ગુજરાત માં સૌથી વધુ જેની સંખ્યા છે તેવા સંગીત (લોક સંગીત, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત) અને નાટક (શેરી નાટકો, સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત આવતા નાટકો, ભવાઇ, તૂરી બારોટ, ખાડાના નાટકો, એકાંકી નાટકો)ના કલાકારો આવતા હોવા છતાં આજ સુધી સંગીત નાટક અકાદમીનું પોતાનું એક પણ બિલ્ડિંગ નથી. વાત અહીથી અટકતી નથી આ સંગીત નાટક અકાદમી અંતર્ગત અમલી યોજનાઓમાંથી અંદાજિત 70%થી વધુ યોજનાઓ નિષ્ક્રિય હાલતમાં છે અને તેનું સૌથી મોટું કારણ છે છેલ્લા ઘણા વર્ષોથી સંગીત નાટક અકાદમીનું માળખું અસ્ત વ્યસ્ત છે. આ અકાદમીમાં નથી કોઈ અધ્યક્ષ, નથી કોઈ કાયમી સભ્ય સચિવ કે નથી કોઈ ડિરેક્ટર. માત્ર સ્ટાફના આધારે આ અકાદમી ભગવાન ભરોસે ચાલી રહી છે. સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના જેવી અઢળક યોજનાઓ માટે સમાચારપત્રોમાં જાહેરાત તો આવે છે, અરજીઓ પણ મંગાવવામાં આવે છે, પરંતુ ખેદ સાથે કહેવું પડે છે કે તેનું યોગ્ય અમલીકરણ નથી થતું. એટલું જ નહીં વર્ષોથી નક્કી કરાયેલા અલગ અલગ દરો પણ આજ સુધી વધારવામાં નથી આવ્યા. (આ ટકોર મેં મારા ગત લેખમાં કરેલી)
જે તે વખતે અધ્યક્ષ તરીકે લોકસાહિત્યકાર યોગેશ ગઢવી અને સભ્ય સચિવ તરીકે બીપીન તલાટી હતા ત્યારે સંગીત નાટક અકાદમી ને દોડતી જોયેલી. પરંતુ તેમના કાર્યકાળ બાદ આજે સાવ આ અકાદમી સુષુપ્ત અવસ્થામાં છે. આ લોકોના કાર્યકાળમાં સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત ગૃહ વિભાગની સુરક્ષા સેતુ યોજનાના નોંધનીય સહકારથી તખ્તાના તોખાર શીર્ષક હેઠળ ગુજરાત રાજ્યના 12 મહત્વના સેન્ટર પર સતત એક અઠવાડિયા સુધી 70 નાટકોના સથવારે એક ભવ્ય નાટ્ય મહોત્સવનું આયોજન થયેલું અને જેને ખુબ બહોળો પ્રતિસાદ પણ મળેલો જે આજે પણ ગુજરાતના નાટ્ય જગત સાથે જોડાયેલા કલાકારો/ કસબીઓ ભૂલી શકે તેમ નથી.
અઢળક કલાકારોનું એવું પણ સ્પષ્ટ માનવું છે કે જે યોજનાઓ વર્ષોથી નિષ્ક્રિય હાલતમાં છે તેને બદલીને ખરેખર કલાકારોને સાચા અર્થમાં ટેકો કરી શકે તેવી નવી યોજનાઓ અમલી બનાવવાની તાતી જરૂરિયાત છે. આશા છે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારશે અને આ સૂચનોનો અમલ કરશે.
આ જ વિભાગ અંતર્ગત તબીબી સારવારનો મસમોટો ખર્ચ ના ઉઠાવી શકે તેવા કલાકારો માટે ચોક્કસ નિયમો સાથે કલાકાર કલ્યાણ નિધિ યોજના અમલી છે. આર્થિક રીતે સદ્ધર ના હોય અને સાચા અર્થ માં કલાકાર હોય તેવા લોકો જો કોઈ બીમારી નો ભોગ બને અને તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવે તો ચોક્કસ નિયમોને અનુસરીને આવા કલાકારો ‘કલાકાર કલ્યાણ નિધિ’ યોજનાનો લાભ લઈ શકે છે. પરંતુ ખૂબ ખેદ સાથે કહેવું પડે છે કે અનેક કલાકારોએ આ યોજના અંતર્ગત તમામ નિયમોને અનુસરીને પોતાની માંદગીમાં થયેલા ખરેખર ખર્ચ તમામ બિલ, વાઉચર અને જરૂરી પુરાવાઓ સાથે ચાર ચાર વર્ષથી મુકેલા હોવા છતાં આ કલાકારોને આ યોજનાઓ લાભ મળ્યો નથી. આધારભૂત માહિતી મુજબ આ યોજના માટે નવા તજજ્ઞોની કમિટી બનાવવાનું કામ કોઈ અગમ્ય કારણોસર ખોરંભે ચડેલું હોવાથી જ્યાં સુધી આ કમિટી ની રચના નહીં થાય ત્યાં સુધી કોઈપણ કલાકારોને આ યોજનાનો લાભ મળવો મુશ્કેલ છે. સત્તાવાળાઓને નમ્ર વિનંતી અનેક કલાકારોના હિતમાં આ નવી કમિટીની રચના ખૂબ જલ્દી કરવામાં આવે…
ઓડીટોરીયમ સમાચાર…
શિવમ મુંબઈનું સર્જન શિલા બુટાલા નિર્મીત રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત તથા ઇકબાલ મુન્શી લીખીત દિગ્દર્શિત મસ્ત મજાનું મુંબઇનું નાટક ‘ઈં કજ્ઞદય ઢઘઞ‘ અમદાવાદના પ્રવાસે છે. આ નાટકમાં પુર્વિ મહેતા, રિતેશ મોભ, માધવી પટેલ, અમીતા રાજડા અને ખુદ રાજેન્દ્ર બુટાલા અભિનય કરી રહ્યા છે. આ નાટકના પ્રયોગો આજે અને આવતીકાલે રાત્રે અમદાવાદના દિનેશહોલ ખાતે રજુ થશે. નાટકના ગુજરાતના આયોજકો છે નિરવ શાહ અને મનીષ પટેલ.
પ્રવિણ સોલંકી લિખીત, ફિરોઝ ભગત દિગ્દર્શિત, ચેતન ગાંધી – ઉમેશ શુક્લ નિર્મિત તથા કિરણ ભટ્ટ પ્રસ્તુત નવા નાટક ‘યુધ્ધ’ની જાહેરાત થઈ. આ નાટકમાં નિમેષ દિલીપરાય, શિલ્પા પટેલ, નેહા પકાઇ, અમીતા રાજડા, રમાકાંત ભગત, શૈલજા શુક્લ, યશ દત્તાણી તથા તપન ભટ્ટ અને દાનેશ ગાંધી અભિનય કરી રહ્યા છે. નાટકનો શુભારંભ આગામી તારીખ 11 ઓગષ્ટથી થશે. આગામી તારીખ 13 ઓગસ્ટ થી તારીખ 19 ઓગસ્ટ વચ્ચે અમદાવાદના ઠાકોરભાઇ દેસાઈ હોલ ખાતે વિવેક શાહ દ્વારા નાટ્યોત્સવની જાહેરાત કરવામાં આવી છે.
મલ્ટિપ્લેક્સના આંગણેથી….
ધૈર્ય ઠક્કર, રીવા રાચ્છ અભિનીત ગુજરાતી ફિલ્મ રામ ભરોસે નું ટ્રેલર રિલિઝ થયું. ટ્રેલર જોઈ ને ફિલ્મ જોવાની ઉત્કંઠા વધી. રઘુ સી.એન.જી., સૈયર મોરી રે અને સમંદર જેવી સુંદર ફિલ્મોના દિગ્દર્શક વિશાલ વડાવાળાની ફિલ્મ મેકિંગની સ્ટાઈલથી ગુજરાતનો પ્રેક્ષક સહેજ પણ અજાણ નથી. રઘુ સી.એન.જી હોય, સૈયર મોરી રે હોય, સમંદર હોય કે રામ ભરોસે.. રૂરલ બેકડ્રોપ સાથેના વિષય પર ફીલ્મ બનાવવાની વિશાલ વડાવાલાની સ્ટાઇલ કેબિલેદાદ છે. ‘રામ ભરોસે’ આગામી 19 જુલાઇના રોજ રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મ ની સફળતા માટે ખાસ ખબર તરફથી આખી ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છા.
ટુરીઝમ ફેસ્ટિવલ…
આગામી 28 જુલાઇથી એક મહીના માટે સાપુતારા ગીરી મથક ખાતે ગુજરાત ટુરીઝમ દ્વારા મોનસુન ફેસ્ટિવલ યોજાશે.
આ વર્ષે સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી ખેડા ખાતે કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે..
માહોલ અને મનગમતું…
વરસાદી માહોલ બની ચુક્યો છે. વાતાવરણ પણ આલ્હાદક બની ચુક્યું છે. આવા વાતાવરણમાં ગમતા નો ગુલાલ થાય તો કેવી મજા પડે ? હા, ગમતાનો ગુલાલ કરવા અમદાવાદીઓ માટે Travel, Art, Food Fashion (TAFF)ના નેજા હેઠળ આગામી તારીખ 19 જુલાઈએ એકમદમસ્ત કાર્યક્રમનું ‘મેઘા રે’ શિર્ષક તળે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પરના સ્વામિનારાયણ ગુરૂકુલના ઓડીટોરીયમમાં આ કાર્યક્રમ યોજાશે.