25 મે 2024નો દિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે કાળો દિવસ બનીને રહી ગયો છે. ટીઆરપી જેમ ઝોનમાં સર્જાયેલી આગની કરુણ ઘટનામાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ. પાષાણ હૃદયના માનવીનું હૈયું પણ પીગળી જાય એવી કમનસીબ ઘટના હતી. પરંતુ આ ઘટના કરતાં પણ વધુ કમનસીબ કહી શકાય એવું વર્તન હાલ ગુજરાત સરકારનું છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તેનો રિપોર્ટ સબમિટ કરી દીધાને 21 દિવસ વિતી જવા છતાં સરકારે તેના આધારે કોઈ પગલાં લીધા નથી. ત્યારે નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે કે શું મુખ્યમંત્રીને પોતાને SIT પર ભરોસો નથી કે તેના રિપોર્ટ પર ભરોસો નથી? કે પછી મોટા માથાને બચાવવા રણનીતિ ઘડાઈ રહી છે?
રાજકોટમાં 25મી મે ના રોજ સર્જાયેલા અગ્નિકાંડમાં દોષિતોને શોધી કાઢવા માટે એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. જેમાં આઇએએસ અધિકારીઓ સહિતના સભ્યો હતા. આમ તો 72 કલાકમાં આ રિપોર્ટ આપવાનો હતો પરંતુ 672 કલાક પછી એટલે કે 21 મી જૂને સીટ દ્વારા આ રિપોર્ટ સરકારને સબમિટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર જેવા મોટા અધિકારીઓની માત્ર બદલી કરીને સરકારે સંતોષ માની લીધો છે. તેનાથી વિપરીત સીટના રિપોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગની સ્પષ્ટ બેદરકારી હોવાનું જણાવાયું હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.
- Advertisement -
રાજકોટના લોકોમાં આ ઘટનાને લઈને સરકાર સામે ભારોભાર આક્રોશ છે. ત્યારે સરકાર સીટના રિપોર્ટને 21 દિવસ થવા છતાં પગલાં કેમ નથી લેતી એ કોઈને સમજાતું નથી. વડોદરાના હરણી બોટ કાંડમાં ચાર દિવસ પહેલા હાઇકોર્ટે સરકારને બરાબરની ઠમઠોરીને કહ્યું કે, બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ અને વિનોદ રાવ જવાબદાર છે તેની સામે પગલાં લો. ત્યારે સરકાર હવે તે બંનેની સામે પગલાં લેવા માટે વિચારી રહી છે. ત્યારે સરકાર શું આવી જ રીતે રાહ જોઈ રહી છે કે હાઇકોર્ટ આદેશ કરે ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે જવાબદાર મોટા અધિકારીઓ સામે પગલાં લેવા?
કારણ કે નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે કે સરકારે અત્યાર સુધી ગુજરાતની કોઈ મોટી દુર્ઘટનામાં જવાબદાર મોટા અધિકારીઓ સામે પગલાં લીધા નથી. જેના સ્પષ્ટ ઉદાહરણ રૂપે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ હોય, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, મોરબીનો પુલ કાંડ હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ હોય. આ ચાર મોટી ઘટનામાં સરકારે માત્ર નાની માછલીઓ પર તવાઈ ઉતારીને સંતોષ માન્યો છે. હરકોઈ સમજે છે કે નાના કર્મચારી કે નાના અધિકારીઓની મોટા પ્રોજેકટો મંજૂર કરવાની કે મોત કોન્ટ્રાક્ટ આપવાની કે મહત્વની કોઈ મંજૂરી આપવાની કોઈ હેસિયત નથી હોતી. આમ છતાં દુર્ઘટના વખતે સાઇનિંગ ઓથોરિટી સામે પગલાં લેવાના બદલે નાના કર્મચારી સામે પગલાં ભરીને કુલડીમાં ગોળ ભંગાતો આવ્યો છે. જો સરકાર ગંભીર હોત તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સીટે 21 જૂને રિપોર્ટ સબમિટ કર્યાના ગણતરીના કલાકોમાં એક્શન લેવાવાનું શરૂ થઈ ગયું હોત. પરંતુ હજુ કોઈ સળવળાટ સુદ્ધાં નથી.