બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે, સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
પોતાનું સમગ્ર જીવન જેણે દેશની રક્ષા કરવા પાછળ ન્યોછાવર કરી દીધું હોય એવો સૈનિક, મૃત્યુ પછી પણ પોતાની ફરજ નિભાવી શકે ખરો? આ સવાલ વિચિત્ર લાગી શકે છે, પણ સિક્કિમના લોકો અને ત્યાં તૈનાત સૈનિકોને જો તમે પૂછશો, તો એ કહેશે કે આવું છેલ્લા પાંચ દાયકાથી સતત થઇ રહ્યું છે. એમનું માનવું છે કે પંજાબ લશ્કરી છાવણીના જવાન હરભજન સિંહની આત્મા પાછલા પચાસેક વર્ષોથી સરહદની રક્ષા કરે છે. હરભજન સિંહની આત્મા, ચીન તરફથી પેદા થનારા ખતરા વિશે એમને પહેલેથી જાણ કરે છે. જો ભારતીય સૈનિકોને ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો ચીનના સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને હળી-મળીને વાતચીતથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે આપણે આના પર ભરોસો કરીએ કે ન કરીએ પણ, ખુદ ચીની સૈનિક પણ હરભજન સિંહના અસ્તિત્વ પર વિશ્વાસ કરે છે. એટલે જ, ભારત અને ચીનની વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં હરભજન સિંહના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તે મીટિંગ અટેન્ડ કરી શકે. હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ, 1946નાં રોજ ગુજરાવાલા જીલ્લાના સદરાના ગામમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે.
- Advertisement -
મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે, રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે, એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે.
હરભજન સિંહ વર્ષ 1966માં ભારતીય સેનામાં ભરતી થયા અને એ ચોવીસમી પંજાબ રેજીમેન્ટના જવાન હતા. માત્ર બે વર્ષની નોકરી બાદ, 4 ઓક્ટોબર 1968 માં સિક્કિમની એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. ઘટના એ બની કે, એક દિવસ જયારે તેઓ ખચ્ચરનો કાફલો લઈને જતાં હતાં, ત્યારે નાથુલા નજીક એમનો પગ લપસ્યો અને સંતુલન ન જાળવી શકાયું હોવાથી તેમનું ખીણમાં પડવાથી મૃત્યુ થયું. એ જ્યાં પડ્યા, ત્યાં પાણીનો વહેણ વધારે હતો, આથી એમનું મૃત શરીર પાણીમાં વહીને ઘણું આગળ નીકળી ગયું. બે દિવસની તપાસ પછી પણ જ્યારે એમનું મૃત શરીર ન મળ્યું, ત્યારે તે પોતે એક સાથી સૈનિકના સપનામાં આવ્યા અને પોતાનું મૃત શરીર ક્યાં છે એ જગ્યા વિશે જાણ કરી. સવારે સૈનિકોએ એમણે કહેલી જગ્યા પર તપાસ કરી, તો ત્યાંથી હરભજન સિંહનું મૃત શરીર મળ્યું અને ત્યારબાદ સૈનિકોએ એમના અંતિમ સંસ્કાર કર્યા. હરભજન સિંહના આ ચમત્કાર પછી એમના સાથી સૈનિકોની એમનામાં આસ્થા વધી ગઈ અને એમના બંકરને એક મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું. જોકે સમય જતાં એમના ચમત્કાર વધવા લાગ્યા અને એ વિશાળ જનસમુદાયની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયા. પરિણામસ્વરૂપ, એમના માટે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે ‘હરભજન સિંહ મંદિર’ના નામથી ઓળખાય છે. આ મંદિર સિક્કિમની રાજધાની ગંગટોકમાં જેલેપ્લા અને નાથુલા પાસની વચ્ચે, 13000 ફૂટની ઊંચાઇ ઉપર સ્થિત છે. બંકરવાળું જૂનું મંદિર, નવા મંદિરથી 1000 ફૂટ વધારે ઊંચાઈ ઉપર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને એમનો સામન રાખવામાં આવ્યો છે.
બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે. સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે. એટલું જ નહી, થોડા વર્ષો પહેલા સુધી એમને બે મહિનાની રજા ઉપર ઘરે પણ મોકલવામાં આવતા હતાં. ટ્રેનમાં સીટ રીઝર્વ રાખવામાં આવતી, ત્રણ સૈનિકોની સાથે એમનો બધો સામાન એમના ઘરે મોકલવામાં આવતો અને બે મહિના પૂરા થયા બાદ પાછો સિક્કિમ લાવવામાં આવતો હતો. જે બે મહિના બાબા રજા ઉપર રહેતા, એ દરમિયાન આખી બોર્ડર પર હાઈ-અલર્ટ રહેતું, કારણકે એ સમયે સૈનિકોને બાબાની મદદ નહોતી મળતી! પણ બાબાનું સિક્કિમથી જવાનું અને પાછું આવાનું, એક ધાર્મિક આયોજનનું સ્વરૂપ લઈ રહ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા માંડ્યા હતા. થોડા લોકો આ આયોજનને અંધવિશ્વાસમાં વધારો કરનારું માની રહ્યા હતા. આથી એમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કારણકે સેનામાં કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસની મનાઈ હોય છે, તેથી સેનાએ બાબાને રજા ઉપર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા વર્ષના બાર મહિના ડ્યુટી ઉપર હોય છે. મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે. રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે. એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. બાબા હરભજન સિંહનું મંદિર સૈનિકો અને લોકો બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં આવનાર દરેક નવો સૈનિક પહેલા બાબાના દર્શન કરી નમન કરે છે. અહીંયાના સ્થાનિક લોકોની એક વિચિત્ર માન્યતા છે કે જો આ મંદિરમાં એક બોટલની અંદર પાણી ભરીને એને ત્રણ દિવસ માટે ગર્ભગૃહમાં રાખવામાં આવે તો એ પાણીમાં ચમત્કારી ઔષધિના ગુણ આવી જાય છે. આ પાણી પીવાથી લોકોના રોગો મટી જાય છે. આ માન્યતાને લીધે, મંદિરમાં નામ લખેલી બોટલોનો ઢગલો થતો રહે છે. ઔષધિયુક્ત પાણી 21 દિવસની અંદર ઉપયોગમાં લેવાય છે અને આ સમય દરમિયાન માંસાહાર અને દારુનું સેવન નિષેધ હોય છે.
- Advertisement -
હરભજન સિંહ બાબાનું બંકર, જે નવા મંદિરથી 1000 ફૂટ ઉચાઇ ઉપર આવેલું છે, એ લાલ અને પીળા રંગોથી સજાવીને રાખવામાં આવેલું છે. તેનાં પગથિયા લાલ અને પિલ્લર પીળા રંગના છે. પગથિયાની બંને બાજુ રેલિંગ છે અને રેલિંગ પર નીચેથી ઉપર સુધી ઘંટડી બાંધેલી છે. બાબાના બંકર ઉપર ચિઠ્ઠી રાખેલી છે. એ ચિઠ્ઠીઓમાં લોકો પોતાની ઈચ્છાઓ લખે છે. એવું માનવામાં આવે છે કે એ ચિઠ્ઠીઓમાં લખેલી ઈચ્છા પૂરી થાય છે! એવી જ રીતે બંકરમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં લોકો સિક્કા ફેકે છે અને જો એમને એ સિક્કો પાછો મળે તો એ ભાગ્યશાળી માનવામાં આવે છે. પછી એ સિક્કાને હંમેશા માટે શ્રદ્ધાળુઓ પોતાનાં પર્સ કે તિજોરીમાં રાખે છે. બંને જગ્યાનું સંચાલન ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવે છે.