મોરબી ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો, તેમાં 134થી વધુ બાળકો/મહિલાઓ/પુરુષોનો ભોગ લેવાયો. આ પુલનું રીનોવેશન કરી તેને ફરી ખૂલ્લો મૂકનાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હતા. રીનોવેશનના પાંચમાં દિવસે જ પુલ તૂટી ગયો, તેથી જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસે મેં-માથા વગરની ઋઈંછ દાખલ કરી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે જયસુખ પટેલ ઉપર સત્તાના ચાર હાથ છે ! આમ તો જયસુખ પટેલે લખેલ પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’ વાંચીએ તો ખ્યાલ આવે કે ગાંધીજી અને સરદાર પટેલ કરતા પણ બે મજબૂત વ્યક્તિના શક્તિશાળી ચાર હાથની કૃપા તેમની ઉપર છે !
‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક 18 મે 2019ના રોજ પ્રસિદ્ધ કર્યું હતું. પ્રસ્તાવનામાં જયસુખ પટેલ લખે છે : માણસની કહેણી અને કરણીમાં બહુ મોટું અંતર હોય છે, તો માણસોથી બનતાં દેશ/રાષ્ટ્રમાં પણ આ વાત લાગુ પડતી હોય છે. મેં મારા છેલ્લા 30 વરસના અનુભવ અને સેંકડો વિદેશ પ્રવાસ દરમિયાન જોયું, અનુભવ્યું છે. સામાન્ય લોકો હોય કે શાસકો, જરુરી બાબતો, મુદ્દાઓ, પરિસ્થિતિઓ અને નિર્ણયો કરતાં બીજી જ નિરર્થક પ્રવૃત્તિઓમાં અકારણ-સકારણ ગૂંચવાયેલાં રહેતાં હોય છે. આ બધું જોઈને પીડા એ થતી હતી કે-તેનો ભોગ રાષ્ટ્ર બનતું રહે છે. (પેજ-3) આ પુસ્તકમાં 21 જુદી જુદી સમસ્યાઓ અને તેના સમાધાનની ચર્ચા કરવામાં આવી છે. ‘ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાંથી ભારત ક્યારે મુક્ત થશે?’ નામના પ્રકરણમાં જયસુખ પટેલને ભ્રષ્ટાચારનો ઉકેલ સરમુખત્યારશાહીમાં દેખાય છે ! તેઓ લખે છે : આજે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. દેશને કેન્સરની જેમ કોરી રહ્યો છે. એ માટે આપણી સિસ્ટમ જવાબદાર છે. આજે સરકારી અધિકારીઓ/કર્મચારીઓ પર અંકુશ કે લગામ નથી, કોઈ જ પ્રકારની એકાઉન્ટીબિલિટી નથી. તેઓ કામ ન કરે તો કોઈ સજા/પનિશમેન્ટ/સસ્પેન્શન જેવી કાર્યવાહી થતી નથી. તેમને લોકોને હેરાન કરવાનો બિન્દાસ હક મળી ગયો છે. બે વર્ષ પહેલાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નોટબંધી કરી હતી, પરંતુ આજે વધારે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર કરતી કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક જેલમાં નાખવી જોઈએ. દેશને ભ્રષ્ટાચારના ભોરિંગમાંથી સરમુખત્યાર જ મુક્ત કરી શકે, આપણા દેશમાં આવી ખાસ જરુર છે. (પેજ-47/ 48) ‘વિકાસ એટલે શું? સાચો વિકાસ ક્યારે દેખાશે?’ નામના પ્રકરણમાં લખે છે : આપણે બધા એટલી બધી નીચી કક્ષાએ જતાં રહ્યાં છીએ કે દેશનું/સમાજનું/ પરિવારનું/ગામનું કંઈપણ થાય આપણને વ્યક્તિગત કશું થવું ન જોઈએ. આપણા 1 રુપિયા માટે દેશને 100 રૂપિયાનું નુકશાન થવા દઈએ છીએ. કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તેની પ્રજા પોતાના દેશને ખરેખરો પ્રેમ કરતી હોય. મને લાગે છે કે આપણો દેશ એવી વ્યક્તિ પાસે હોવો જોઈએ કે જે દંડાના જોરે રાજ કરે અને દંડાના ડરથી આપણને ઈમાનદાર દેશપ્રેમી બનાવે તેમજ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ બજાવવાની ફરજ પાડીને કાન આમળે ! (પેજ-73) કાશ્મીર સમસ્યાનો ઉકેલ તેમની પાસ છે : આતંકવાદીઓને પકડીને જેલ કે પોલીસ સ્ટેશને મોકલવાને બદલે એન્કાઉન્ટર કરી સીધા જ યમરાજના દરબારમાં મોકલી દેવા જોઈએ. (પેજ-133)
- Advertisement -
‘આપણે ભારતીયો ગુલામી માનસ અને સ્વાર્થી માનસિકતા ક્યારે ત્યજીશું?’ નામના પ્રકરણમાં તેઓ લખે છે : આપણે ભારતીયો ફક્ત અને ફક્ત સ્વાર્થવૃતિ/ ગુલામીમાનસ/ બીજાએ જ બધું કરવાનું/ વગર મહેનતે મફતમાં મેળવવું/વધારે લાભ લેવો/ અનૈતિકતા/હલકાહીન વિચારો/ જરપોકપણું/ મોટી મોટી વાતો કરીએ છીએ. આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણી ફક્ત બોલવા માટે છે, આચરણ માટે નથી. જેના કારણે આપણો દેશ ક્યારેય પણ દુનિયામાં આગવું સ્થાન ધરાવી શકશે નહીં. (પેજ- 158) ‘દેશને બરબાદ કરતું અનામતનું દૂષણ ક્યારે ખતમ થશે?’ નામના પ્રકરણના મથાળે પાટીદાર અનામત આંદોલનની અમદાવાદ ૠખઉઈ ગ્રાઉન્ડની લાખોની મેદનીવાળી સભાનો ફોટો મૂક્યો છે. ‘સામાજિક ન્યાય’ની નીતિનો કચ્ચરઘાણ કરતા તેઓ લખે છે : અનામત પ્રથાએ દલિતો અને સવર્ણલોકો વચ્ચે વૈમનસ્ય/વેરભાવ વધાર્યું છે. અનામત દેશના વિકાસમાં ઘણી જ રુકાવટ કરે છે. અનામતના કારણે બિનઆવડતવાળા આગળ આવે છે. તેથી દેશમાં લો-ઓર્ડર/ વિકાસના કામો/ સાચા નિર્ણયો/ બરાબર અમલીકરણ કરવામાં પાછળ રહી જઈએ છીએ. કેમકે બિનઆવડત/નોલેજ/એજ્યુકેશન વગરના લોકો હોદ્દા પર આવે છે. તેમની પાસે લાયકાત/ હેસિયત /જ્ઞાન/ આવડત હોતી નથી. જેથી વિકાસમાં બાધા આવે છે. અનામતના કારણે લાયકાત ન હોવા છતાં પ્રમોશન મળી જાય છે. અનામત પ્રથા બંધ કરવાનો હાર્ડ ડિસિઝન લેવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી હાર્ડ/બોલ્ડ નિર્ણયો લેવા માટે સક્ષમ છે. 70 વરસ પછી દેશને એવા નેતા મળ્યા છે જે દેશ માટે કંઈક કરવાની ઈચ્છાથી આગળ આવેલ છે, અને દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયા છે. અનામત પ્રથાનો સંપૂર્ણપણે નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય લે તો આવનારી પેઢીનું કલ્યાણ થાય. આ બન્ને નેતાઓને ગાંધીજી, સરદાર પટેલની જેમ લોકો યાદ કરશે. (પેજ-156 /157)
‘સમસ્યા અને સમાધાન’માં લેખકે; સમસ્યાઓ/સમાધાન સમજવાને બદલે વડાપ્રધાન/ગૃહમંત્રીને; ગાંધીજી/સરદાર પટેલની ભૂમિકાએ મૂકવાની ભક્તિ વધુ દેખાડી છે ! જયસુખ પટેલ અતિ રાષ્ટ્રવાદી બનીને ઉપદેશ આપે છે, તેનું પાલન પોતે કર્યું હોત તો 134થી વધુ લોકો આજે જીવતા હોત !તિ