થોરાળા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝણકાટની ટીમ દારૂ-જુગારની બદીને ડામવા સતત પેટ્રોલિંગમાં રહે છે જેનો ખાર રાખી લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈ ધમાલ મચાવી
ટોળાં દ્વારા પોલીસની ફરજમાં રૂકાવટ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ
- Advertisement -
PI ભાર્ગવ ઝણકાટની કામગીરીથી બૂટલેગરો અને અસામાજીક તત્વોમાં ફફડાટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રીના શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25થી 30 લોકોનું ટોળું ઘસી આવ્યું હતું. તેઓએ પોલીસ સ્ટેશન ખાતે ખોટી રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં જ ગાળો બોલી પોલીસની ફરજમાં રુકાવટ કરતા પોલીસે 25 લોકો સામે રાયોટિંગ, કાવતરું રચવું, અને પોલીસને ગાળો આપવી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 10 લોકોની અટકાયત કરી હતી. સાથે જ અન્ય ફરાર શખસોની શોધખોળ હાથ ધરી છે. થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝણકાટની ટીમ આ વિસ્તારમાં દારૂ અને જુગારની બદીને ડામવા માટે સતત પેટ્રોલિંગ કરે છે તેથી તેનો ખાર રાખી ટોળું પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યું હતું.
આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. એમ. ઝણકાટએ જણાવ્યું હતું કે, ગઇકાલે મોડી રાત્રીના 12 વાગ્યાના અરસામા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આશરે 25થી 30 જેટલા લોકો એક સાથે ઉગ્ર બોલાચાલી તથા ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી હાજર પોલીસ દ્વારા તેઓને સમજાવવામા આવ્યા કે, તમારા લોકોને જે કાઇ પણ રજૂઆત હોઇ તો અમને જણાવો. પરંતુ રજૂઆત કરવાને બદલે ટોળામાંથી અમુક લોકોએ ગાળો બોલી બીન જરૂરી રજૂઆતો કરવા લાગ્યા હતા કે, પોલીસ કેમ વારંવાર અમારા જ વિસ્તારમાં દારુ-જુગારના દરોડા કરે છે. અમારા વિસ્તારમાં જ પી. સી. આર વાન વધુ ફરે છે.
- Advertisement -
બિનજરૂરી દલીલો સામે પણ ટોળાને સમજાવવા પ્રયાસ કરતા ટોળા દ્વારા પોલીસની ફરજમાં રુકાવટ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એક ટોળુ રચી પોલીસ પર બીનજરુરી દબાણ ઉભુ કરવા અને પોલીસને ધમકી પણ આપવા લાગ્યા હતા. જેથી કાયદાનુ ભાન કરાવી ટોળામાંથી હાજર 10 લોકોને ડિટેઇન કરી તેમજ નાસીજનાર 15 શખ્સો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુબલીયાપરામાં દરોડા: પત્તા રમતા 6 ઝડપાયા
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુબલીયાપરાના મચ્છી ચોક ખાતે જાહેરમાં કુલ 6 શખ્સો જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ 14,200 તેમજ 4 મોબાઈલ મળી કુલ 73,240નો મુદ્દામાલ કબજે કરી ઇમરાન ઘાંચી, યોગેશ બથવાર, જીતેશ સોલંકી, રાજુ પરમાર, વિક્રમ ઉદેશી અને જગદીશ ઝાલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.