ન્યુઝના સંતરા, વ્યુઝની મોસંબી અને હાઈપરડા હિન્દુઓ…
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે 7 લેખોની સિરીઝ
- Advertisement -
લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિમિત્તે લખાનારી 7 હપ્તાની સિરીઝ માટેનો આ પ્રસ્તાવના લેખ ગણવો. આ લેખમાં મીડિયાને લગતાં જે મુદ્દાઓ આવરી લેવાશે તે હવે પછીના સાતેય લેખોને વાંચતી વખતે બરાબર ધ્યાનમાં રાખવા. દર વખતે આ અતિઅગત્યના મુદ્દાઓનું પુનરાવર્તન કરીને નાહકનું લંબાણ નહીં થાય.
- Advertisement -
મુદ્દો નં. 1: તમે જે વિસ્તારમાં રહો છો તે વિધાનસભા બેઠક પર ચૂંટણીનો માહોલ કેવો છે, એની જાણ તમને કોણ કરે છે? કોઈ કહેશે કે ભાજપ, કોંગ્રેસ કે આપના ઉમેદવારની સૌથી નજીક એવા કાર્યકર્તા પાસેથી જાણવા મળ્યું, કોઈ કહેશે કે મેં સગી આંખે આ માહોલ જોયો. કોઈ સોશિયલ મીડિયાનો હવાલો આપશે, તો કોઈ કહેશે કે ફલાણા વર્તમાનપત્રના ફ્રન્ટ પેજ પર આંધળાને પણ દેખાય એવી આઠ કોલમની હેડલાઈન હતી. તો કોઈ કહેશે કે ટી.વી., યુ-ટયૂબ પર ફૂટી નીકળેલી તકવાદી ન્યુઝ ચેનલો પર પેલી ચિબાવલી કે પેલા જોકરે આ વાત કહી.
સરસ.
શું તમને ખબર છે કે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાએ ત્યાંના પત્રકારો માટે શું ફતવો બહાર પાડ્યો હતો? ‘જે કોઈ પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયામાં કામ કરતાં પત્રકારો હોય એમણે પોતે કરેલા રિપોર્ટીંગમાંની દરેક માહિતીને પુરાવા સાથે પેશ કરવી. એક મહિનામાં જો પુરાવો પેશ નહીં કરી શકે તો એમને સજા થશે, દંડ થશે અને વિદેશી પત્રકાર હશે તો એણે તત્કાળ રશિયા છોડી દેવું પડશે.’
રાષ્ટ્રવિરોધી મીડિયામાં ત્રણ પ્રકારનાં લોકો છે: બદમાશ, બેવકૂફ અને બેદરકાર
બદમાશ મીડિયાકર્મીઓ રોજ સવારે ન્યુઝરૂમની મીટિંગોમાં પોતાનો એજન્ડા નક્કી કરે છે: ‘આજે ભાષણમાંથી કોઈ એવી વાત લઈ આવો જેને આપણે ‘ન્યુઝ’ બનાવી શકીએ.’
અગાઉનું મીડિયા પોતાના વાચકોની અને દર્શકોની બે આંખની શરમ રાખતું, આજે મીડિયા બે સ્પષ્ટ હિસ્સામાં વહેંચાઈ ગયું છે: એક છે રાષ્ટ્રવાદી મીડિયા અને બીજું છે રાષ્ટ્રવિરોધી મીડિયા
સાહેબો, આ ફતવો બહાર પડ્યાના ચોવીસ કલાકની અંદર બીબીસી, અલ જઝિરા, ન્યુયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, ટાઈમ વગેરે જેવાં આદરણીય ગણાતાં મીડિયા હાઉસીસ, જે વાસ્તવમાં ગામના ઉતાર જેવા છે, પત્રકારો બેગબિસ્તરાં બાંધીને રશિયામાંથી ઉચાળા ભરી ગયા. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આ બદમાશોએ રશિયા વિરૂદ્ધ રિર્પોટીંગ કરીને સ્થાનિક પ્રજાની અને દુનિયા આખીની આંખમાં ધૂળ નાખવાનો એજન્ડા બનાવી રાખેલો. રશિયાએ એ મનસૂબા પર પાણી ફેરવી દીધું. હવનમાં હાડકાં નાખનારા રાક્ષસોને ચપટીમાં રોળી નાખ્યા.
ગુજરાતમાં ધારો કે આવો કોઈ ફતવો લાવવામાં આવે તો કોની-કોની દુકાનોને તાળાં લાગી જાય અને તમારા સુધી માહિતી પહોંચાડનારાઓમાંથી કોણ-કોણ ઊભી પૂંછડીએ ભાગીને ભૂગર્ભમાં ઘુસી જાય એની યાદી તમે બનાવો. મેં તો બનાવેલી જ છે. તમે બનાવો.
મુદ્દો નં. 2: અગાઉનું મીડિયા પોતાના વાચકોની અને દર્શકોની બે આંખની શરમ રાખતું. આજે મીડિયા બે સ્પષ્ટ હિસ્સામાં વહેંચાઈ ગયું છે. એક છે રાષ્ટ્રવાદી મીડિયા અને બીજું છે રાષ્ટ્રવિરોધી મીડિયા. આ એન્ટીનેશનલ મીડિયા બેશરમ બનીને પોતાના વાચકો/દર્શકો સાથે દરરોજ, હર ઘડી બેવફાઈ કરતું રહે છે.
રાષ્ટ્રવિરોધી મીડિયામાં ત્રણ પ્રકારના લોકો છે: બદમાશ, બેવકૂફ અને બેદરકાર. બદમાશ મીડિયાકર્મીઓ રોજ સવારે ન્યુઝરૂમની મીટિંગોમાં પોતાનો એજન્ડા નક્કી કરે છે: ‘આજે ભાષણમાંથી કોઈ એવી વાત લઈ આવો જેને આપણે ‘ન્યુઝ’ બનાવી શકીએ.’ (એનડીટીવીએ 2002નાં રમખાણો વિશેના અમિત શાહના સ્ટેટમેન્ટ માટે આ જ કર્યું છે જેનો ‘વીયર’ વગેરે જેવા અન્ય બદમાશ મીડિયાહાઉસ ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો.) એ વિશે થોડી વિગતે વાત આ જ લેખના અંતે થશે.
બદમાશ મીડિયાવાળાઓની જે કંઈ રોજે-રોજની બદમાશીઓ હોય તેને કંઈ પણ સમજ્યા-ર્ક્યા વિના બેવકૂફ મીડિયાવાળાઓ દોહરાવતા રહે છે જેને કારણે વધુ વાચકો/દર્શકો ઉલ્લુ બનતાં રહે છે.
બદમાશ અને બેવકૂફ મીડિયાવાળાઓ પરથી પ્રેરણા પામતા બેદરકાર મીડિયાવાળાઓ તથાકથિત મોટાં નામોથી અંજાઈને સાચું શું છે, જૂઠું શું છે? તેની સ્વતંત્ર તપાસ કરવાની દરકાર રાખ્યા વિના જાણે-અજાણે પોતાના વાચકો/દર્શકોનું અહિત કરી નાખતા હોય છે.
રાષ્ટ્રવિરોધી મીડિયામાંના આ ત્રણેય પ્રકારના લોકોની બદમાશી, બેવકૂફી તથા બેદરકારીથી છેવટે તો એક સામાન્ય વાચકનું, એક કોમન દર્શકનું અહિત થાય છે- સમગ્ર રાષ્ટ્રનું અહિત થાય છે.
મુદ્દો નં. 3: દાયકાઓથી ગાઈ-બજાવીને કહું છું કે ન્યુઝ એટલે કે સમાચાર/ખબર તટસ્થ હોવા જોઈએ પણ વ્યુઝ એટલે કે મંતવ્ય/ વિશ્ર્લેષણ/ અર્થઘટનમાં તો જે તમને સાચું લાગે અને સમાજ માટે- દેશ માટે તમને જે સારું લાગે તેનો હિંમતભેર પક્ષ લેવાનો હોય. એમાં તટસ્થ થઈને બાયલાપણું દેખાડવાનું ન હોય. ન્યુઝ એનેલિસિસમાં તટસ્થ રહેનારા લોકો તટ પર ઊભાં ઊભાં તમાશો જોનારા હોય છે. આવા બાયલા, નિર્વીય અને તકવાદીઓને મધદરિયાનાં તોફાનોની ગ્રાઉન્ડ રિયાલિટી વિશે કકકોય ખબર નથી હોતી, છતાં તેઓ ત્રાજવું લઈને બધાને તોળ્યા કરતાં હોય છે અને પોતાને માથે તટસ્થ હોવાનો તાજ પહેરીને બધા આગળ ફાંકો મારતા રહે છે.
અમિત શાહ જાહેરસભામાં એકઝેટલી શું બોલ્યા તેનું તટસ્થપણે અક્ષરશ: રિપોર્ટીંગ કરવું, આગળ-પાછળના સંદર્ભો યોગ્ય રીતે ટાંકીને અહેવાલ આપવો એ દરેક રિપોર્ટરની ફરજ છે. અહીં એણે તટસ્થ રહેવાનું છે, નિરપેક્ષ રહેવાનું છે. પોતે કોંગ્રેસ પાસેથી ચા-પાણી લીધાં હોય કે આપ પાસેથી છાંટો-પાણી મેળવ્યાં હોય તો પણ એણે તટસ્થ રહેવાનું છે.
મંતવ્ય આપતી વખતે, વિશ્ર્લેષણ કે એનાલિસિસ કરતી વખતે તમારે જે બોલવું/ લખવું હોય તે લખો-બોલો, છૂટ છે તમને, ‘ભાજપ આ દુનિયાનો સૌથી મોટો કમીનો રાજકીય પક્ષ છે. ગુજરાતની 182માંથી 1 પણ બેઠક પર જો ભાજપનો ઉમેદવાર જીત્યો છે તો ગુજરાતનું ધનોતપનોત નીકળી જશે… કેજરીવાલ જેવા પ્રામાણિક, ભ્રષ્ટાચારમુક્ત, ગરીબોનો મસીહા અને ગંગા જેવો પવિત્ર માણસ દીવો લઈને શોધવા જશો તો ય તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે… રાહુલ ગાંધીને ભારતના જ નહીં આખા વિશ્ર્વના વડાપ્રધાન બનાવી દેવા જોઈએ જેથી આ વિશ્ર્વનું કલ્યાણ થાય…’ જે બોલવું હોય તે બોલો, જે લખવું હોય તે લખો પણ ન્યુઝ અને વ્યુઝ વચ્ચેની ભેદરેખાને સ્પષ્ટ જાળવો. ન્યુઝના સંતરાને વ્યુઝની મોસંબી સાથે ભેગાં કરીને નિર્દોષ વાચકો/દર્શકોને ગંગા-જમના કહીને પીવડાવતા મીડિયાવાળાઓ, નમ્રતાપૂર્વક કહીએ તો, ચારસો વીસ છે.
મુદ્દો નં. 4: રાહુલ ગાંધીનો ઓમકારેશ્ર્વર તટ પર નર્મદા મૈયાની પૂજા કરતા ફોટો જોયા તમે? ‘શત મૂષક સ્વાહા’ કહીને હાથમાં જપમાળા લઈને મક્કા જઈ રહેલી વાઘની માસી આવી જ લાગે. આ એ જ ઠગ છે જેણે અને જેના બાપદાદા/ દાદીઓએ અને જેની કોંગ્રેસ પાર્ટીએ આ દેશને પછાત રાખીને પોતાની તિજોરીએ ભરી છે, હિન્દુત્વને બદનામ કરવાની કોશિશ કરીને સનાતન પરંપરાને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે.
આવો જ બીજો એક ઠગસમ્રાટ માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો વિરોધ કરનારા આ માણસે હવા પલટાઈ કે તરત પોતાની જાહેરસભામાં હનુમાનચાલીસા ગાવાનું શરૂ કર્યું.
રાહુલ-કેજરીવાલ જેવા કાચીંડાઓ કમનસીબે આપણે ત્યાં પણ ઘુસી ગયા છે. 2014 પહેલાં જાહેરમાં તો શું અંગત વાતચીતમાં પણ જેમને મોંઢે હિન્દુત્વનો પક્ષ લેતાં લોચા વળતાં, જેઓ હિન્દુત્વનો ‘હ’ બોલતાં પણ પરસેવે રેબઝેબ થઈ જતાં તે સત્ર 2014 પછી પોતાની માએ સવા ક્વિન્ટલ સૂંઠ ખાધી હોય એમ સનાતની બજારમાં નીકળી પડ્યા છે. પોતે જ સૌથી મોટા હિન્દુવાદી છે એવું બીજાઓને મનાવવા તેઓ કહેતા-લખતા ફરે છે કે, ‘ભાજપ તો શું ચીજ છે, એનામાં ક્યાં હવે હિન્દુત્વ જેવું રહ્યું જ છે? મોદી તો મૌલાના મોદી છે. આર.એસ.એસ. હવે સેક્યુલર બની ગયો છે. સાચું હિન્દુત્વ શું છે તે અમને પૂછો.’
આવા હાઈપરડા હિન્દુઓની જમાત 2014 પછી ઊભી થઈ છે. કાલ ઉઠીને ન કરે નારાયણ ને મોદીને બદલે કોઈ કોંગ્રેસીયો બદમાશ દેશનો વડાપ્રધાન બને તો આ જ હાઈપરડાઓ ‘ઈશ્ર્વર-અલ્લા તેરો નામ’ના રાગડા તાણીને સુપર સેક્યુલર બની જશે.
‘હું હિન્દુવાદી છું છતાં મારામાં મોદીની, અમિત શાહની, ભાજપની ટીકા કરવાની ‘તટસ્થતા’ છે’ એવું કહેનારા હાઈપરડાઓમાંના કેટલાક એવા છે જેમને ભાજપ તરફથી કંઈક જોઈતું હતું અને મળ્યું નથી. કેટલાક વિદેશી વિદ્વાનો, કેટલાક જયપુરિયા બાબુઓને અપેક્ષા હતી કે મોદી પોતાને ભાવ આપશે, વહાલ કરશે અને સરકારમાં કોઈ ને કોઈ ઉચ્ચપદે બેસાડશે અથવા પોતાને પૂછીને દેશની નીતિઓ ઘડશે. પણ આવું કંઈ થયું નહીં- એ લોકોને પોતાના હિન્દુત્વ બદલ કશું વળતર મળ્યું નહીં, એટલે હવે તેઓ હાલતા-ચાલતા મોદી, ભાજપને ટપલાં મારીને પોતાની ‘તટસ્થતા’ પુરવાર કરવાની હોડમાં લાગ્યા છે. સામાન્ય પ્રજાને એવું લાગે કે પાકો સનાતની હોવા છતાં જે માણસ મોદી-ભાજપ-સંઘની ટીકા કરતો હોય તો તેની ટીકામાં જરૂર વજૂદ હોવાનું. આવા હાઈપરડાઓ પણ છેવટે તો પ્રજાની આંખમાં ધૂળ જ નાખે છે. તેઓને માત્ર પોતાને પદ-પ્રતિષ્ઠા-લાભ મળે એવી જ અભિલાષા હોય છે. હિન્દુત્વની રક્ષા કરવાનો દેખાડો કરી રહેલા આવા અનેક વિદેશી વિદ્વાનો તથા જયપુરિયાઓની ટોળકી છેવટે તો સુબ્રહ્મણ્મન સ્વામીની ગેંગનો એક હિસ્સો બની જતી હોય છે.
માટે જ મોદી-ભાજપ-સંઘને ગાળો આપીને ભગવો ધ્વજ લહેરાવતા, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરતા અને રામનામ જપતા હાઈપરડા બૌદ્ધિકોથી સાવધાન, સાવધાન, સાવધાન.
મુદ્દો નં. 5: તમને સમાચાર આપતા, તમારા માટે રાજકીય વિશ્ર્લેષણ કરનારા મીડિયા પર જો ભરોસો ન રાખી શકાય તો પછી ભરોસો રાખવો કોના પર?
સારો સવાલ છે.
બે શબ્દમાં એનો જવાબ છે: મોદી પર.
2014 પછી આ દેશની પ્રગતિ તમે જોઈ છે? અનુભવી છે? રાષ્ટ્રવિરોધી મીડિયા તમને જે કંઈ ભરમાવવાની કોશિશ કરે- પેટ્રોલના ભાવ વિશે, નોટબંધી વિશે, જીએસટી વિશે, મોંઘવારી વિશે- તમને ખબર છે કે હકીકત શું છે? કારણ કે તમે રોજેરોજ તમારા પરિવાર સાથે કમાવા માટે મહેનત કરી રહ્યા છો, સાથે મળીને ખર્ચા કરી રહ્યા છો, બચત કરી રહ્યા છો, સંતાનોને ભણાવી રહ્યા છો.
2014 પહેલાંના અને 2014 પછીના ભારતમાં આવેલા બદલાવના તમે સાક્ષી છો. વિદેશમાં ભારતની વધેલી પ્રતિષ્ઠાના પણ તમે સાક્ષી છો. દેશની આંતરિક સુરક્ષામાં ધરખમ વધારો થયો છે અને ભારતને છાશવારે ટપલાં મારતાં ટચુકડા પાડોશી દેશો હવે અદબ-પલાંઠીવાળીને સખણાં બેસી રહે છે. એ લોકોના અદકપાંસળી સ્વભાવવાળા નેતાઓને ભારતે સીધાદોર કરી નાખ્યા- એર સ્ટ્રાઈક કરીને.
મીડિયા નહીં, તમારો અંતરાત્મા શું કહે છે તે સાંભળો અને પહેલી ડીસેમ્બરે કે પાંચમી એ વોટ આપવા જાઓ ત્યારે મીડિયાના ઘોંઘાટમાં ખોવાઈ જવાને બદલે અંતરાત્માના એ અવાજને સાંભળો, ધ્યાનથી સાંભળો, પછી બટન દબાવજો અને ખાતરી રાખજો કે ઈટાલિયા- ઈસુદાનવાળી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ પર એમના જ પક્ષનું પ્રતીક ફરી વળશે ત્યારે આ જ લોકો તમે જેનું બટન દબાવી આવ્યા તે મશીનનો વાંક કાઢવાના જ છે.
ભલે.
અમિત શાહવાળી વાત કરીને મીડિયાની બદમાશીનો એક ઓર પુરાવો તમારી સમક્ષ રજૂ કરી આજની વાતને વિરામ આપીએ.
આજના (શનિવારના, 26 નવેમ્બરના) છાપાઓમાં તમે ફ્રન્ટ પેજ પર આ કકળાટની હેડલાઈનો વાંચી હશે જેનો અર્થ કંઈક આ મતલબનો થાય કે અમિત શાહે કબૂલ કર્યું કે અમે 2002માં મુસ્લિમોને એવો પાઠ ભણાવ્યો કે સાઽ* રમખાણો કરવાનું નામ ભૂલી ગયા અને ત્યારથી આજ સુધી ગુજરાતમાં શાંતિ છે.
ગૃહમંત્રી અમિત શાહના જાહેરસભામાં થયેલા પ્રવચનમાંના શબ્દોને મારી-મચડીને ન્યુઝ બનાવવાનું પાપ કરવાની બદમાશી એન.ડી. ટી.વી.એ કરી (કેટલાક લોકો એન.ડી. ટી.વી.ની આગળ આર. લગાડીને આ પ્રેસવાળાઓમાંના કેટલાક ‘પ્રેસ્ટિટયુટ’ છે એવો ઈશારો આપે છે જે સાચી વાત છે) એન.ડી.ટી.વી.ની આ બદમાશીને બીજા ઘણા બેવકૂફ તેમજ બેદરકાર મીડિયા હાઉસવાળાઓએ દોહરાવીને વાતનું વતેસર કર્યું.
2014 પહેલાંના અને 2014 પછીનાં ભારતમાં આવેલા બદલાવના તમે સાક્ષી છો, વિદેશમાં ભારતની વધેલી પ્રતિષ્ઠાના પણ તમે સાક્ષી છો, દેશની આંતરિક સુરક્ષામાં ધરખમ વધારો થયો છે અને ભારતને છાશવારે ટપલાં મારતાં ટચુકડાં પાડોશી દેશો હવે અદબ-પલાંઠીવાળીને સખણાં બેસી રહે છે
ગુજરાતમાં કોમી સંવાદિતા સ્થપાઈ છે
કડક કાનુની પગલાંને કારણે જ ગુજરાત આજે કોમી રમખાણોથી મુક્ત બન્યું છે, કોંગ્રેસિયાઓની ઉશ્કેરણી હવે કામ કરતી નથી…
હકીકત શું છે? આ હકીકત જાણ્યા પછી પણ કેટલાક લોકો તો કહેવાના જ કે ધુમાડો હોય ત્યાં આગ હોવાની જ અને ગામ આખું જે કહે તે ખોટું અને એક તમે જ જે કહો તો સાચું?
આનો જવાબ છે: જી-હા. ગામ આખું જે કહે તે ખોટું અને અમે જે કહીએ તે સાચું, સાચું, સાચું.
વાંચો.
ગુજરાતમાં આવેલી મૂડીરોકાણની વાત કરતાં કરતાં એનું કારણ ગુજરાતમાં શાંતિનો માહોલ છે એવું જતાવતાં ભારતના ગૃહપ્રધાન અમિત શાહે ખેડા જિલ્લામાં મહુધાની ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું: ‘…. અને ક્યાંય કરફ્યુ ના નાખવો પડે એવું કોઈ રાજ્ય બન્યું હોય તો તે મારું ને તમારું ગુજરાત બન્યું છે. આ 2002માં કોંગ્રેસિયાઓએ આદત પડી હતી એટલે રમખાણ થયાં હતાં. પણ 2002માં એવો પાઠ શીખવાડ્યો કે ખો ભૂલી ગયા કે 2002થી 2022 સુધી (રમખાણનું) નામ નથી (લઈ શક્યા) ગુજરાતની અંદર કોમી હુલ્લડો કરવાવાળાને કડક હાથે પગલાં ભરી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં અખંડ શાંતિની સ્થાપના કરી છે, મિત્રો. ગુજરાતની અંદર દરેક પ્રકારનો વિકાસ… સાચું કહેજો, નેવુમાં કોંગ્રેસની સરકાર હતી છેલ્લે, તે વખતે તમારા ગામમાં કેટલા સ્કૂટર હતા અને આજે કેટલા સ્કૂટર છે? વધ્યા છે કે નથી વધ્યા? હાચું કહેજો….’
અને પછી પ્રવચન આગળ ચાલે છે.
અમિત શાહના જે ચાર વાક્યોને મારી-મચડીને એનડીટીવીએ જે ભડકાવનારું ટ્વિટ કર્યુ તે ટ્વિટ આ બદમાશોએ ડીલીટ કરવું પડ્યું. પણ આ તોફાની ટ્વિટ પરથી પ્રેરણા લઈને બીજા બદમાશો, બેવકૂફો, બેદરકારોએ સતત પોતપોતાની ચેનલ પર અને બીજે દિવસે છાપાઓમાં મોદીની, અમિત શાહની, ભાજપની અને ગુજરાતના હિન્દુઓની આબરૂને બટ્ટો લગાડવાની કોશિશ કરીને ફરી એકવાર પોતાની અસલી જાત ઉઘાડી પાડી, પોતે રાષ્ટ્રવિરોધી મીડિયા છે એવું પુરવાર કર્યું. ગુજરાતમાં શાંતિ જોખમાય- કોમી સંવાદિતા વેરવિખેર થઈ જાય એવી કોશિશ કરી.
અમિત શાહની સ્પીચમાં ક્યાંય આડકતરો પણ ઉલ્લેખ નહોતો કે 2002નાં રમખાણોમાં અમે હિન્દુઓએ મુસ્લિમોને સીધાદોર કરી નાખ્યા. એમણે તદ્દન ચોખ્ખી વાત કરી કે કોમી હુલ્લડો કરનારાઓ સામે સરકારે સખત પગલાં લઈને એવો દાખલો બેસાડ્યો કે ફરી ક્યારેય તેઓ આવું કરવાની હિંમત ન કરે. આ હકીકત છે. અદાલતે ગોધરાકાંડના ગુનેગારોને, એ પછી થયેલા રમખાણો કરનારાઓને કડકમાં કડક સજા આપી છે- ફાંસીથી લઈને આજીવન કેદ સુધીની.
અને આ કડક કાનુની પગલાંને કારણે જ ગુજરાત આજે કોમી રમખાણોથી મુક્ત બન્યું છે. કોંગ્રેસિયાઓની ઉશ્કેરણી હવે કામ કરતી નથી. ગુજરાતમાં કોમી સંવાદિતા સ્થપાઈ છે. છૂટાછવાયા અપવાદરૂપ કિસ્સાઓ (જેને રાષ્ટ્રવિરોધી મીડિયા, આવું તો રોજ બન્યા કરે છે એવી છાપ ઉભી કરવા ચગાવતું હોય છે) એ સ્થિતિ ગુજરાતમાં જે શાંતિ છે તેને કારણે જ દેશ આખામાંથી, દુનિયા આખીમાંથી ઉદ્યોગ ગૃહો અહીં મૂડી રોકાણ કરવા પડાપડી કરે છે.
મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવતો જશે તેમ તેમ રાહુલ- કેજરીવાલ- ઈટાલિયા- ઈસુદાનના મળતિયાઓ જેવા મીડિયામાંના લલ્લુ-પંજુ છગ્ગુઓની આવી બદમાશીઓ ચાલતી રહેશે.
એ લોકો એમનું કામ કરશે, આપણે આપણું કામ કરીશું- એમને નિર્વસ્ત્ર કરવાનું.
સાત હપ્તાની લેખ-શ્રેણીની પ્રસ્તાવના પૂરી. સોમવારે, 28મીએ સિરીઝનો પ્રથમ લેખ વાંચવાનું ચૂકશો નહીં. શનિ-રવિના આ વીકમાં ફુરસદ લઈને આ લેખ ફરી એકવાર વાંચી જવાની વિનંતી છે. બિટ્વીન ધ લાઈન્સ જે લખાયું છે તેના પર મનન કરજો અને પહેલીએ કે પાંચમીએ મતદાન કરવા જાઓ ત્યારે આ વાતો યાદ રાખજો.