જમીનનો સસ્તો સોદો કે નાણાકીય નુકસાન? – દુલીપ મેદાનના લીઝ વિવાદ પર શહેરભરમાં ચર્ચા
શહેરની અમૂલ્ય ધરોહર પર કોનો હકક? – ઐતિહાસિક દુલીપ મેદાનની લીઝ મામલે શહેરીજનો અને તંત્ર વચ્ચેના સવાલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.18
પોરબંદરના ઐતિહાસિક દુલીપ ક્રિકેટ મેદાનને લઈને હાલ અનેક સવાલો અને વિવાદો ઊભા થઇ રહ્યા છે. નગરપાલિકાના દાવા અને રાજ્ય સરકારના નિર્ણય વચ્ચે આ મેદાનની માલિકી પર ચર્ચાનો આગો તેજ થઇ રહ્યો છે. રાજાશાહી દરમિયાન આ મેદાનની માલિકી એક ટ્રસ્ટ અથવા સંસ્થાને હોવાનું માનવામાં આવતું હતું. જોકે, 1952ના આસપાસ આવેલી પરિસ્થિતિને કારણે, આ મેદાન ‘શ્રી સરકાર’ એટલે કે રાજ્યની માલિકીમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, નગરપાલિકાને માત્ર સારસંભાળ રાખવાનો હુકમ થયો હતો કે ખરેખર માલિકી હકક પણ નગરપાલિકાને સોંપાયો હતો? તે અંગે હવે મોટા સવાલો ઉભા થયા છે.
હાલમાં, આ મેદાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને 30 વર્ષના લીઝ કરારમાં આપ્યું છે, જેની લીઝ માત્ર 0.01% દરે, એટલે કે લગભગ 90 લાખના રોકડના ભાવે થઇ છે. વિવાદ એટલો છે કે આ જેટલી ઊંચી કિંમતની જમીન,બજારકિંમત અથવા જંત્રી મુજબના પ્રમાણમાં ઘણા ઓછા ભાવે કેમ લીઝ પર આપવામાં આવી? કાયદેસર અને નૈતિક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ ઐતિહાસિક મેદાનની માલિકી હજી પણ રાજ પરિવારે જ રાખવી જોઈતી હતી? અથવા નગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા આ જમીનને ખોટા દસ્તાવેજો પર લીઝ પર આપી, જાહેર નાણાંખાતાને નુકસાન કરવામાં આવ્યું છે? મકાન અને જમીનના બદલાયેલા રેવન્યુ નિયમો પ્રમાણે, આવા ઉચ્ચ કિંમતના મેદાનોને લીઝ પર આપવામાં બજાર દરમાંથી 1%ના દરે વાર્ષિક લીઝ થઈ હોવી જોઈએ, જે કરોડોની મૂલ્યની સામે મહામૂલી રીતે ગણાય છે. આ વિવાદ પોરબંદરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને આ મેદાનના મૂળ હકદાર કોણ છે, તે અંગે પણ તીવ્ર ચર્ચા શરૂ થઈ છે.