મનપાનાં 17 શાખા અધિકારી ઈન્ચાર્જ: 54 બેઠક આપનાર પ્રજા વિકાસથી વંચિત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને વર્ષો થયા છે પરંતુ જૂનાગઢનો વિકાસ હજુ જોઈએ તેવો થયો નથી. રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે. શહેરમાં આયોજન અને સંકલનનાં અભાવે પ્રજાને સારા રસ્તા મળતા નથી. રસ્તા બન્યાના એક વર્ષ કરતાં ઓછા સમયમાં ફરી તોડી નાખવામાં આવે છે. જૂનાગઢ શહેરની સ્થિતિ કથળી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ મહાનગરપાલિકામાં ઈન્ચાર્જનાં ભરોસે ચાલતી કામગીરી છે. જૂનાગઢ મનપા કચેરીમાં નવા અધિકારીઓની નિમણુંક થતી નથી જેના કારણે દરેક શાખા અધિકારી ઈન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે, જેના કારણે પરિણામલક્ષી કામગીરી થઈ રહી નથી. જૂનાગઢ મનપાની 17 શાખા અધિકારી ઈન્ચાર્જ છે તેમાંથી કેટલાક પાસે જેને શાખા માટે જરૂરી લાયકાત પણ નથી છતાં ઈન્ચાર્જનો ચાર્જ આપવામાં આવ્યો છે. મનપાના મુખ્ય ગણાતા આસિ. કમિશનર, દબાણ શાખા, સિનિયર ટાઉન પ્લાનર, હાઉસટેક્સ સુપ્રિ., રેવન્યુ ટેક્સ શાખામાં ઈન્ચાર્જ અધિકારીઓ છે જેના કારણે શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.
ટેક્સ, ટાઉન પ્લાનિંગ, દબાણ જેવી મુખ્ય શાખા ઈન્ચાર્જથી ચાલી રહી છે
- Advertisement -
મનપાની આ શાખામાં ઈન્ચાર્જ
(1) આસિ. કમિશનર, (2) સિનિયર ટાઉન પ્લાનર, (3) વાહન વ્યવહાર, (4) સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ, (5) ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, (6) હાઉસ ટેક્સ, (7) મહેકમ અધિકારી, (8) ચીફ સર્વેયર, (9) સ્ટોર કીપર, (10) રેવન્યુ ટેક્સ, (11) કાર્યપાલક ઈજનેર, (12) વ્યવસાય વેરા, (13) ફાયર ઓફિસર, (14) લીગલ ઓફિસર (15) લેબર ઓફિસર, (16) દબાણ અધિકારી, (17) બગીચા વિભાગ.
ભાજપ પાસે 54 બેઠક પણ શું કામની?
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 60 બેઠકમાંથી હાલ ભાજપ પાસે 54 બેઠક છે. ટૂંકમાં સર્વત્ર ભાજપ છે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં કાયમી અધિકારીઓની ભરતી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે એટલું જ નહીં ભાજપનાં વિજય બાદ પૂર્વ સી.એમ. વિજય રૂપાણીએ વિકાસ કરવાની વાતો કરી હતી. જૂનાગઢના પદાધિકારીઓમાં તાકાત નથી કે મનપામાં કાયમી અધિકારીઓની નિમણુંક કરાવી શકે.
નેતાનાં ભલામણવાળા ઈન્ચાર્જ?
જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારે અધિકારીઓને મહાનગરપાલિકાની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. પાલિકાનાં સમયમાં નેતાઓની ભલામણવાળા અધિકારીઓ હાલ મહાનગરપાલિકામાં પણ કામ કરી રહ્યા છે. જેમાં કેટલાક ઈન્ચાર્જ છે. શું આ ભલામણવાળા હોવાના કારણે કાયમી અધિકારીની નિમણુંક થતી નથી? તેવા સવાલ ઉઠ્યા છે.
- Advertisement -
ઈન્ચાર્જનાં કારણે શું અસર પડે?
ઈન્ચાર્જ અધિકારીના કારણે મનપાનાં કામમાં અસર પડી રહી છે. જૂનાગઢમાં ઠેર-ઠેર દબાણ થયા છે. પૂરતો ટેક્સ ઉઘરાવી શકાતો નથી. ટાઉન પ્લાનીંગની કામગીરી યોગ્ય રીતે થતી નથી. ઈન્ચાર્જ અધિકારીઓ અને ઓછા કર્મચારીઓના કારણે શહેરનાં વિકાસમાં અવરોધ આવી રહ્યો છે.
ઈન્ચાર્જની જગ્યાએ કાયમી નિમણૂંક કરો
સાગર નિર્મળ, પ્રશાંત ઉનડકટ, જીગ્નેશ પંડ્યાએ મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી જૂનાગઢ મહાનગરપાલિકામાં કાયમી અધિકારીની નિમણુંક કરવાની માંગ કરી છે જેથી જૂનાગઢનાં વિકાસમાં ગતિ આવે અને પ્રજાની હાલાકી દૂર થાય.