દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા છે. દિલ્હી ભાજપનો અગ્રણી ચહેરો એવા પ્રવેશ વર્માએ મંત્રી પદના શપથ લીધા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના શક્તિપ્રદર્શન સાથે દિલ્હી મુખ્યમંત્રી મંડળની શપથ વિધિ યોજાઈ હતી. જેમાં રેખા ગુપ્તા સહિત 6 મંત્રીઓએ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓની હાજરીમાં શપથ લીધા છે. ભાજપે પ્રવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. પ્રવેશવર્માએ પણ રેખા ગુપ્તા બાદ શપથ લીધા હતા. જેમનું અગાઉ મુખ્યમંત્રી તરીકે નામ ચર્ચાતું હતું.
જણાવી દઈએ કે, નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવીને મોટો ઉલટફેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. પ્રવેશ વર્માએ નવી દિલ્હી-40 વિધાનસભા બેઠક પર આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને 3181 મતોના મોટા માર્જિનથી હરાવીને જીત મેળવી. પ્રવેશ વર્મા કે જેમને દિલ્હીના નવા મુખ્યમંત્રી પદના દાવેદાર કહેવામાં આવી રહ્યા છે, તેમની શિક્ષણથી લઈને રાજકારણ સુધીની સફર વિશે જાણીએ.
- Advertisement -
પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર
પ્રવેશ વર્માનો જન્મ ૭ નવેમ્બર ૧૯૭૭ના રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ બીજેપીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સાહિબસિંહ વર્માના પુત્ર છે. તેમની માતાનું નામ રામપ્યારી વર્મા છે. પ્રવેશ વર્માના લગ્ન સ્વાતિ સિંહ સાથે થયા છે, અને તેઓ એક પુત્ર અને બે પુત્રીઓ છે.
પ્રવેશ વર્મા પાસે ઘણી બધી ડિગ્રીઓ
પ્રવેશ વર્માએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે.પૂરમથી મેળવ્યું હતું. ત્યારબાદ કિરોડીમલ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ઉચ્ચ શિક્ષણ માટે ઈન્ટરનેશનલ બિઝનેસમાં MBA કર્યું, જેનાથી તેમને વ્યાપાર અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં કુશળતા મળી.
પ્રવેશ વર્માની રાજકીય સફર
પ્રવેશ વર્માએ 2013માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરતાં ભાજપની ટિકિટ પર મહેરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને હરાવ્યા હતા. આ પછી, 2014ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહાબલ મિશ્રાને 5,78,486 મતોના માર્જિનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો.
- Advertisement -
૨૦૨૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા, જ્યાં તેમનો મુકાબલો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે હતો. નવી દિલ્હી બેઠકને મુખ્યમંત્રીની બેઠક માનવામાં આવે છે, કારણ કે અહીંથી જીતનારાઓ મોટેભાગે મુખ્યમંત્રી પદ સુધી પહોંચે છે. તેમણે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે.
પ્રવેશ વર્માની સંપત્તિ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારી નોંધાવતી વખતે પ્રવેશ વર્માએ પોતાની સંપત્તિ વિશે આપેલી માહિતી મુજબ તેમની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયા છે. રૂ. 77.89 કરોડની ચલ સંપત્તિ છે અને 11.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. જ્યારે તેમની પત્નીના નામે રૂ. 17.53 કરોડની ચલ સંપત્તિ અને 6.91 કરોડની સ્થાવર મિલકત છે. આ સાથે 62 કરોડ 60 લાખ રૂપિયાનું દેવાનો પણ એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભાઈ સિદ્ધાર્થ સાહિબ સિંહ પાસેથી લેવામાં આવેલી 22 કરોડ 59 લાખ રૂપિયાની વ્યક્તિગત લોનનો પણ સમાવેશ થાય છે. તેમની પત્ની પર ૧૧ કરોડ ૪૫ લાખ રૂપિયાનું દેવું બાકી છે.
પ્રવેશ વર્મા તેમના ધારદાર નિવેદનો માટે જાણીતા છે. 2019 માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓ વિરુદ્ધ સખત ટિપ્પણીઓ કરી હતી. 2022માં એક ચોક્કસ સમુદાયના વ્યવસાયનો બહિષ્કાર કરવાની અપીલ કરી, જેના લીધે વિવાદ થયો. 2023માં છઠ પૂજા પહેલા એક સરકારી અધિકારી સાથેના તેમના ઝઘડાનો વીડિયો વાયરલ થયો હતો.
પ્રવેશ વર્મા રાજકીય જીવનમાં જેટલા સક્રિય છે, તેટલા જ તેઓ પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત છે. તેમના પિતા સાહિબ સિંહ વર્માના આદર્શોને અનુસરીને, તેઓ રાજકારણમાં સક્રિય છે અને દિલ્હીના લોકોમાં પોતાની ઓળખ બનાવી છે. પ્રવેશ વર્માની રાજકીય સફર તેમને દિલ્હીના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે. તેમના નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતાએ તેમને ભાજપના અગ્રણી નેતાઓમાંના એક બનાવ્યા છે.