સ્થાનિક વિભાગના બે કર્મચારીઓ દ્વારા ખનિજ માફિયાઓને છૂટો દોર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ખનિજ ચોરી થઈ રહી છે જેમાં બહુમુલ્ય કોલસો, સફેદ માટી, રેતી, પથ્થર, બ્લેક ટ્રેપ સહિતનું ખનિજ દરરોજ લૂંટાય રહ્યું છે અને આ પંચાળની ધરતીને લૂંટતા ખનિજ માફિયાઓને કાયદાનો ડર કે અધિકારીઓની જરાય બીક ન હોય તેમ ખુલ્લેઆમ દિન દહાડે ખનિજ ચોરી કરી રહ્યા છે. મૂળી પંથકમાં સૌથી વધુ સફેદ માટી અને કોલસાની ખનિજ ચોરી થઈ રહી છે. અને આ ખનિજ ચોરી કરવામાં સ્થાનિક તંત્ર ખનિજ માફિયાઓને પરમિશન આપી હોવાનું ચર્ચાય રહ્યું છે. મૂળી તાલુકાના દુધઈ, સરલા, અસુંદરાળી, ખંપાળીયા, ધોળિયા, ભેટ, સરા, ગઢડા સહિતના ગામોમાં થતી ખનિજ ચોરીને સ્થાનિક વિભાગના બે કર્મચારી વહીવટ કરતા હોવાનું જાણવા મળે છે. સફેદ માટીનું ખનન કરતા એક શખ્સ દ્વારા પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે “મૂળી પંથકમાં સફેદ માટીનું ખનન થાય છે આ સફેદ માટી સીપરા તરીકે ઓળખાય છે, મોટાભાગે ગેરકાયદેસર રીતે જ જમીનમાં ખોદકામ કરો સફેદ માટી કાઢવામાં આવે છે અને વાહનોમાં ભરીને મોરબી ખાતે ટાઇલ્સ બનાવવાના કારખાનામાં મોકલવામાં આવે છે. જ્યારે તંત્રની વાત કરતા આ શખ્સે સ્થાનિક તંત્રના જ બે કર્મચારીઓ એક હિટાચી દીઠ મહિને પાંચ હજારનો હપ્તો હોવાનું ખુલાસો કર્યો હતો જોકે આ વાતની પુષ્ટિ કે પુરાવા નથી જેથી અહીં તંત્રના આ વિભાગ અને કર્મચારીઓના નામ જાહેર કરાયા નથી. ત્યારે જો ખરેખર આ પ્રકારની વાત સત્ય હોય તો મૂળી પંથકના લગભગ આઠથી દસ ગામોના સીમ વિસ્તારમાં સફેદ માટીનું ખનન ચાલી રહ્યું છે એટલે કે દર મહિને લાખો રૂપિયાનો હપ્તો સફેદ માટીના કારોબારમાં તંત્રના વિભાગને જતો હોવાનું સામે આવ્યું છે. જેથી સ્પષ્ટ રીતે ખનિજ માફિયાઓના “પરાક્રમે” સફેદ માટીના ખનનમાં દર મહિને બે કર્મચારીઓ લાખોના હપ્તાનો ખેલ અહીં રચતા હોય તેવા પણ સંકેતો નજરે પડે છે.