માંગરોળના શેરીયાજ વાડી વિસ્તારમાં મોડી રાત્રે યુવક પર સિંહનો હુમલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
માંગરોળ તાલુકા શેરીયાજ ગામે ગત મોડી રાત્રે એક યુવક પોતાની વાડીએ ગરમીના લીધે પાણીના ટાંકા પર આરામ કરવા જતા સમયે નીંદર આવી જતા અચાનક સિંહ આવી ચડયો હતો અને યુવક પર હુમલો કરી દેતા યુવકને માથા અને મોઢાના ભાગે ઇજા થતા તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શેરીયાજ ગામે ખેતરમાં રહેતા નારણ ચનાભાઈ ડાકી નામના યુવક પર મોડી રાત્રે સિંહ આવી ચડતા સિંહે યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે જયારે ઇજા પામેલ યુવકને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે આ સિંહ હુમલાની ઘટના બાબતે તેના પિતા ચનાભાઈ ગોવિંદભાઈ ડાકીએ જણાવ્યું હતું કે, હું અને મારો પુત્ર શેરીયાજ ગામના વાડી વિસ્તારમાં રહીયે છે.
ત્યારે ગઈકાલ ગરમીના લીધે મારો દીકરો વાડીમાં આવેલ પાણીના ટાંકા ઉપર આરામ કરવા ગયો હતો અને તેને નીંદરનું જોકું આવી જતા એ સમયે સિંહ આવી ચડ્યો હતો અને અચાનક મારા દીકરા પર હુમલો કરતા હું પણ જાગી ગયો હતો અને હાકલ પડકાર કરતા સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને મારા પુત્રને ઇજા થતા તેને માંગરોળ પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ત્યારે સિંહ હુમલાની ઘટના બનતા વન વિભાગ દોડતું થયું છે અને બનાવ સ્થળ તપાસ સાથે હુમલામાં ઘાયલ થયેલ યુવકનું નિવેદન લઈને સમગ્ર બનાવ મામલે વધુ કાર્યવાહી હાથધરી છે.ત્યારે વન્ય પ્રાણીના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.એક દિવસ પેહલા વિસાવદરના મોટાકોટડા ગામે વન્ય પ્રાણીના હુમલાની આશંકા સાથે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે.ત્યારે વધુ એક બનાવ સામે આવતા વન વિભાગ સામે રોષ જોવા મળી રહયો છે.