શહેરના અનેક મુખ્ય માર્ગો પર લારીઓ અને ગલ્લા ફરી મૂકાઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર પાલિકામાંથી મહાનગર પલિકા બન્યા બાદ સ્વચ્છતા, ટ્રાફિક અને દબાણો અંગે કડક કાર્યવાહી શરૂ કરાઈ હતી. પરંતુ શહેરના અનેક મુખ્ય માર્ગો પર લારીઓ અને ગલ્લા ફરી મૂકાઈ ગયા હોવાનું ધ્યાને આવતાં દબાણો કરનાર સામે કડક કાર્યવાહીની માગ ઊઠી છે. સુરેન્દ્રનગરમાં મનપાના અધિકારીઓની સત્તા આવ્યા બાદ તમામ મુખ્ય રસ્તાઓ પરથી લારી ગલ્લાઓના દબાણો દૂર કરાયા હતા. છેલ્લા 3 મહિનામાં મનપાની ટીમે 850થી વધુ લારી ગલ્લાઓ હટાવી લેતા રસ્તાઓ ખુલ્લા થયા હતા. રસ્તાઓ પહોળા થઈ જતા ટ્રાફિકની સમસ્યાઓ પણ હળવી થઈ હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં બસ સ્ટેશન સામેના ભાગે અને ટાવર રોડ તેમજ જોરાવરનગર અને રતનપર સહિત અનેક રસ્તાઓ પર લારી ગલ્લાઓના દબાણો ફરી ખડકાઈ ગયેલા જોવા મળ્યા હતા. આ અંગે નાગરિકોએ જણાવ્યું હતું કે લારી ધારકોએ મનપાએ નક્કી કરેલ જગ્યાએ જવું જોઈએ અથવા ફરી દબાણ કરે તેના પર મનપાએ કડક કાર્યવાહી કરવી જોઈએ.