ચરરર…ચરરર………મારૂં ચકડોળ ચાલે: રાજકોટના લોકમેળાનું કાઉન્ટ ડાઉન શરૂ
તા. 14 ઓગસ્ટે લોકમેળો ખુલ્લો મુકાશે: 15 લાખથી વધુ લોકોની જનમેદની ઉમટી પડશે
- Advertisement -
ફજેત ફાળકા, ચકડોળ, ખાણી પીણીના સ્ટોલ અને રમકડાના સ્ટોલ ઈન્સ્ટોલ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રેમી અને મેળા પ્રેમી છે. ગુજરાતીઓ દરવર્ષે લોકમેળા હર્ષભેર ઉજવે છે. દરેક જિલ્લામાં અલગ અલગ વાર તહેવારે લોકમેળા ભરાય છે અને ગુજરાતીઓ મનભરીને મેળામાં મોજ કરે છે. જયાં લોકો મેળેમેળે આવે અને મેળેમળે જાય એનું નામ મેળો. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળામાં યાંત્રિક રાઇડ્સને લઇ પહેલેથી જ વિવાદ ચાલતો હતો અને વિવાદોનો અંત આવતા સરકારે જઘઙમાં નિયમોમાં ફેરફાર કરી દેતા હવે મેળામાં રાઇડ્સ ઈન્સ્ટોલેશન માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સમાં ફજેત ફાળકા, ચકડોળ, ખાણી પીણીના સ્ટોલ, રમકડા, અને મનોરંજનની અન્ય પ્રવૃત્તિઓ માટેના સ્ટોલ નક્કી કરવામાં આવ્યા છે. દર વર્ષે રાંધણ છઠ્ઠથી શરૂ થતાં પાંચ દિવસના લોકમેળામાં દસ બાર લાખથી વધુ જનમેદની ઉમટી પડે છે. જિલ્લા વહીવટી તંત્ર આયોજીત લોકમેળામાં આ વર્ષે ગેમઝોન, અગ્નિકાંડ અને વડોદરાની પુલ દુર્ઘટનાનાં પગલે નાની-મોટી રાઈડ્સ સહિતના ધંધાર્થીઓ માટે આકરા નિયમો લાદવામાં આવતાં પ્રથમથી લોકમેળો વિવાદનાં વમળમાં ફસાઈ ગયો હતો. જો કે, સરકારની સૂચનાથી વહીવટી તંત્રએ થોડી બાંધછોડ કરતા લોકમેળાની તૈયારી ચાલુ
થઈ છે.
લોકમેળામાં પાંચ દિવસ સુધી જામશે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત
- Advertisement -
15 ઓગસ્ટ: બપોરે 3.45થી સાંજે 7 દરમિયાન વિવેક ઉપાધ્યાય તથા માલવ મારૂ દ્વારા ગુજરાતી ગીતોની કોન્સર્ટ, મધુરમ મ્યુઝિક ગૃપ દ્વારા તબલા-હાર્મોનિયમ, નટવરી ગૃપ દ્વારા ગણેશ વંદના, હર્ષાબેન ઠક્કર દ્વારા સેમિ ક્લાસિકલ, અરવિંદ રાવલ તથા પંકજ પ્રજાપતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જીતેન વિઠલાણી ગૃપ દ્વારા ગરબો રજૂ કરવામાં આવશે. સાંજે 7.30થી અલ્પાબેન પટેલનો મુખ્ય કાર્યક્રમ રજૂ થશે.
16 ઓગસ્ટ: બપોરે 3.45થી 7 દરમિયાન રેખાબેન પરમાર ગૃપ દ્વારા ગુજરાતી ગીતો, રમેશભાઈ વ્યાસ દ્વારા ડાયરો, તુષાર મારુ દ્વારા પિયાનો, શીતલબેન અજાગિયા દ્વારા કીબોર્ડ, તીર્થ અજાગિયા દ્વારા ભજન, તાંડવ નૃત્ય એેકેડમી દ્વારા શિવ સ્તુતિ, જીજ્ઞેશ સુરાણી દ્વારા મિશ્ર રાસ, માલાબેન રાઠોડ ગૃપ દ્વારા સેમિ ક્લાસિકલ તથા પ્રજાપતિ ગૃપ દ્વારા સોલો ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે સાંજે અમદાવાદનું રૂજુ જાદવ ગૃપ રંગત જમાવશે.
17 ઓગસ્ટ: બપોરથી સાંજ સુધી મૌલિક વ્યાસ દ્વારા મેઘાણીનાં ગીતો, શ્યામ મકવાણા તથા અરવિંદ બગથરિયા દ્વારા દેશભક્તિ ગીતો, ક્રિષ્નાબેન સુરાણી દ્વારા નાગદમન, નામ બ્રહ્મ ગૃપ દ્વારા માખણચોરી, નીખીલભાઈ એન્ડ ગૃપ દ્વારા કૃષ્ણ લીલા, સ્પંદન ગૃપ દ્વારા રાજસ્થાની નૃત્ય તથા અરવિંદ રાવલ દ્વારા સોલો ડાન્સ રજૂ કરવામાં આવશે. સાંજે રાજદાન ગઢવી વિવિધ પ્રસ્તુતિઓ થકી રમઝટ બોલાવશે.
18 ઓગસ્ટ : બપોર પછી સિનિયર સિટિઝન ગૃપ દ્વારા જૂના ગીતો, ભરતદાન ગઢવી દ્વારા ડાયરો, સ્વર સંગીત એકેડમી દ્વારા શિવસ્તુતિ, શંખનાદ એકેડમી દ્વારા સેમિ ક્લાસિકલ, વિરંચી બુચ ગૃપ દ્વારા અર્વાચીન ગરબો તથા શ્રી વૃંદ ગૃપ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાશે. જ્યારે સાંજે કચ્છના અનિરુદ્ધ આહીરનો મુખ્ય
કાર્યક્રમ યોજાશે.
દાંડિયા રાસ, ટિપ્પણી, લોકનૃત્ય મંડળ દ્વારા રાસ
લોકમેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14મી ઓગસ્ટે રાજુભાઈ ગઢવીનો ડાયરો, ભારતીય હુડો રાસ મંડળ દ્વારા હુડો રાસ, નવધા ટ્રસ્ટ દ્વારા લોકનૃત્ય, બજરંગ યુવા મંડળ દ્વારા ડાંડિયા રાસ, ટિપ્પણી લોકનૃત્ય મંડળ દ્વારા ટિપ્પણી રાસ રજૂ થશે. સાંજે 7.30થી 10 દરમિયાન અઘોરી ગ્રૂપ દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવશે.