લોકસભા 2024 અને કોંગ્રેસ-ભાજપના જમા-ઉધાર પાસાઓ
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ યુપીના કન્નૌજમાં એકસાથે રેલી કરી. આ રેલીમાં રાહુલ ગાંધીએ વાત કરતાં બાંયધરી આપી દીધી કે “અમારે જે કામ કરવાનું હતું તે અમે કરી લીધું છે. તમે લેખિતમાં ગેરંટી લો… નરેન્દ્ર મોદી (PM નરેન્દ્ર મોદી) ભારતના વડાપ્રધાન નહીં બને
- Advertisement -
ગઇકાલે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ યુપીના કન્નૌજમાં એકસાથે રેલી કરી. આ રેલીમાં રાહુલ ગાંધીએ વાત કરતાં બાંયધરી આપી દીધી કે “અમારે જે કામ કરવાનું હતું તે અમે કરી લીધું છે. તમે લેખિતમાં ગેરંટી લો… નરેન્દ્ર મોદી (ઙખ નરેન્દ્ર મોદી) ભારતના વડાપ્રધાન નહીં બને.”રાહુલ ગાંધી પહેલા ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓએ પીએમ મોદીને લઈને આવા નિવેદનો આપી ચુક્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું હાલમાં રાહુલ ગાંધી અને તેમના ભારતીય સહયોગી સાથી પક્ષોમાં ખરેખર પીએમ મોદીને ચૂંટણીમાં હરાવવાની શક્તિ છે?
રાહુલ ગાંધી વારંવાર યુપીએ સરકારની ઉપલબ્ધી અને પોતાના કામોને ગણાવતાં રહે છે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાની વાત કરતાં રાહુલ કહે છે કે, “છેલ્લા બે વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ…ભારત જોડો યાત્રા, નફરત કે બજાર મેં મોહબ્બત કી દુકાન, ન્યાય યાત્રા અને ભારત ગઠબંધન બેઠક. અમે જે કામ કરવાનું હતું તે બધું કરી લીધું છે! અલબત્ત, લોકશાહીમાં જીતવા માટે તમારે જનમત ઉભો કરવો પડે, લોકો વચ્ચે જવું પડે, ઓળખાણ અને સહાનુભૂતિનો એક તંતુ ઉભો કરવો જ પડે. નેતા પાસે ખુદના આગવા મંતવ્યો -દ્રષ્ટિ હોવી જોઈએ. અને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા, નફરતના બજારમાં પ્રેમની દુકાન અને ન્યાય યાત્રા દ્વારા ઘણા પ્રયાસો કર્યા. પરંતુ શું તેમના આ કાર્યો કોંગ્રેસને કેન્દ્રમાં પાછા લાવવા માટે પૂરતા છે? કદાચ નહિ…
ઉપર ઉપરથી ફોર્મમાં હોવાનો દેખાવ કરતી કોંગ્રેસનું ઉદાસીન વલણ ઉડીને આંખે વળગે છે. મોદીના વિજયરથને રોકી શકાય તેમ નથી આ તેમના માટે કડવું સત્ય છે તો બીજીબાજુ, ‘કોંગ્રેસમુક્ત ભારત’ની બદલે જાણે ‘કોંગ્રેસયુક્ત ભાજપ’નો એજન્ડા હોય તેમ કોંગ્રેસના અનેક દીગજ્જ નેતાઓ પાછલાં વર્ષોમાં ભાજપમાં જોડાતા રહ્યાં છે, જેના કારણે પાર્ટીનું મનોબળ તૂટવું સ્વાભાવિક છે. એ તો સર્વવિદિત વ્યવહાર છે કે, જનતા સાથે રેપો કે ટ્યુનિંગ ઉભું કરવા જનતા વચ્ચે જઈને સભાઓ-રેલીઓ કરવી પડે. ચૂંટણી પ્રચારની આ બહુ બેઝિક બાબત છે છતાં આંકડા તપાસીએ તો, લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી 8 મે સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 103 રેલીઓ કરી છે. તેની સરખામણીમાં રાહુલ ગાંધીએ માત્ર 39 રેલીઓમાં ભાગ લીધો હતો. અને જ્યાં જ્યાં રેલી કરે છે ત્યાં પણ મોદીના મુકાબલે ધારી અસર ઉપજાવી નથી શકતા. એક તો વાતાવરણ એવું છે કે ભાજપ કે મોદી વિરુદ્ધ સાંભળવું બહુ ઓછા લોકોને ગમે છે. જ્યારે રાહુલ પાસે બીજેપીની ટીકા સિવાય, કોંગ્રેસ કે ખુદ પોતે શુ કરી શકશે એ કહેવા માટેના ખાસ મુદ્દાઓ નથી છતાં ઘણા મુદ્દે જનતા વચ્ચે ગેરેન્ટી આપી દેવાનું કામ કરે છે પરંતુ તેઓ આ માટે જોઈએ તેટલા પ્રયત્નો કરી શકતા નથી ત્યારે, આશ્વાસન પૂરું કરવા માટેની તેમની તૈયારીઓ પર લોકોને સવાલ ઉભા થાય એ સ્વાભાવિક છે.
- Advertisement -
એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે જ્યાં જીતની કોઈ શક્યતા નથી એવા સ્થળોએ રાહુલ ગાંધી ચૂંટણી સભાઓ શા માટે કરી રહ્યા છે? બીજીબાજુ, મોદી લોકોના દિલ સુધી પહોંચવાના રસ્તા શોધી લે છે.રેલીઓ દરમિયાન વડાપ્રધાન મોદી દિલથી બોલે છે, ભોળા કે રાજનીતિ ઓછું સમજતા લોકો મોદીથી પ્રભાવિત ન થાય એવું બને નહીં. ઉદાહરણ તરીકે, પીએમ મોદીએ 23 એપ્રિલની એક રેલીમાં ભીડમાં એક છોકરી પીએમ મોદીનો સ્કેચ પકડીને ઊભી હતી. પીએમએ સ્ટેજ પરથી જોયું અને છોકરીને પ્રેમથી બોલાવીને કહ્યું “તમે બેસો. તમે થાકી ગયા હશો. સ્કેચની પાછળ તમારું નામ અને સરનામું લખો. હું તમને પત્ર લખીશ.” પીએમ મોદીએ આ વાત તો છોકરીને કહી પરંતુ વાત ત્યાં બધાના દિલ સુધી પહોંચી ગઈ.
સીટની દ્રષ્ટિએ પણ આ વખતે કોંગ્રેસ બેકફૂટ પર જતી દેખાય છે
ચૂંટણી રેલીઓ અને રોડ શો સિવાય જ્યારે પણ વડાપ્રધાનને તક મળે ત્યારે પોતાની આગવી શૈલીમાં જનતાને મંત્રમુગ્ધ કરી દે છે. 7 મેના રોજ, ગુજરાતના અમદાવાદમાં મતદાનના દિવસે પીએમ મોદી એક બાળકને ખોળામાં લઈને તેને સ્નેહ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ એક જવાબદાર વડાની જેમ તેમણે લોકોને મતદાન દરમિયાન આકરી ગરમીથી બચવા માટેની ટિપ્સ પણ આપી હતી. પોતાના બ્રાનિ્ંડગ અને માર્કેટ ગિમિકમાં મોદીની એક્સપર્ટી છે જેનો કોંગ્રેસમાં સદંતર અભાવ છે. એક સભામાં કહ્યું કે અમારી સરકાર કરોડો લોકોને કરોડપતિ બનાવવાનું કામ કરશે. દરેક મહિલાના ખાતામાં દર મહિને 8 હજાર રૂપિયા મોકલવામાં આવશે. દર મહિને મહિલાઓના ખાતામાં પૈસા જશે. જ્યાં સુધી આ પરિવારો ગરીબી રેખાથી ઉપર નહીં આવે ત્યાં સુધી આ નાણાં મળવાનું ચાલુ રહેશે. અમે લોકોને લખપતી બનાવીશું… રાહુલના આ ભાષણ પછી તેણે મજાકને પાત્ર બનવું પડ્યું. લોકોએ સવાલ કર્યા કે આખરે પૈસા લાવશો ક્યાંથી?
વિચારવાની વાત એ છે કે, આનાથી ક્યાંય મોટું, પંદર લાખ દરેકના ખાતામાં જમા કરવાનું વચન મોદીએ આપ્યું હતું, એ પ્રોમિસ દસ વર્ષેય પૂરું નથી થયું છતાં આવા અવ્યવહારુ અમલ ન થઈ શકે એવા વચન પર કોઈએ મોદીનો હુરિયો નથી બોલાવ્યો, બસ આ જ ફેમ છે જેના કારણે મોદી એ મોદી છે, મોદીએ કરેલ મોટા કામ પાછળ ભાજપની નાની મોટી નિષ્ફળતા છુપાવી દે તેવા નરેટીવ્સ સેટ કરવામાં ટિમ બીજેપી અને પ્રો બીજેપી મીડિયા સફળ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ આ ફેમ આ વિશ્વાસ ઉભી નથી કરી શકતી. વળી, કોંગ્રેસે જે રીતે યુપીની બે હાઈ-પ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી, તેનાથી પાર્ટીની રણનીતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં, કોંગ્રેસની નાદાનીને લઈને જે પક્ષોએ ભારત ગઠબંધનનો પાયો નાખવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા, તેમણે ચૂંટણી પહેલા જ છેડો ફાડી નાંખવા જેવું કરી નાંખ્યું. આનાથી ગઠબંધનની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ર્નાર્થચિન્હ લાગી ગયો છે.
આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો માત્ર સંખ્યામાં જ નહીં પરંતુ આયોજનમાં પણ પાછળ રહી ગયા છે. જનતાને વિશ્વાસ અને શ્રદ્ધા બેસે એવા મજબૂત ચહેરાના અભાવ વચ્ચે લડાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની ઉદાસીનતા સ્વાભાવિક છે. જ્યારે ભાજપ, ખાસ કરીને જ્યારે વડાપ્રધાન મોદી પરિણામો બાદ રોડમેપ પહેલેથી જ જણાવી રહ્યા છે. 4 જૂને પરિણામ આવ્યા બાદ તરત જ બીજેપીના મેનિફેસ્ટો (રિઝોલ્યુશન પેપર) પર કામ શરૂ થઇ જશે. સરકારે અત્યારથી જ 100 દિવસની યોજના પર કામ શરૂ કરી દીધું છે. અલબત્ત, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ઘણી ભૂલો કરી છે.
હું કોંગ્રેસનો હોવા છતાં આ કહી રહ્યો છું. જો કે તેમણે ભૂલો અંગે સ્પષ્ટતા કરી નહોતી. ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ’રાષ્ટ્રીય બંધારણ પરિષદ’ને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય એ છે કે કોંગ્રેસ પાર્ટીએ આવનારા સમયમાં તેની રાજનીતિ બદલવી પડશે. સીટની દ્રષ્ટિએ પણ આ વખતે કોંગ્રેસ બેકફૂટ પર જતી દેખાય છે.કોંગ્રેસે 1996માં સૌથી વધુ 529 બેઠકો પર ચૂંટણી લડી હતી. 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 417 બેઠકો પર ચૂંટણી લડી હતી પણ તેને માત્ર 145 બેઠકો મળી હતી. કોંગ્રેસે 2014ની ચૂંટણીમાં 464 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં તેણે 421 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વર્ષ 2019માં તેને 421માંથી માત્ર 52 બેઠકો મળી હતી.કોંગ્રેસ પાર્ટીએ લ 2024માં માત્ર 328 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પ્રથમ વખત બનશે જ્યારે દેશની આ સૌથી જૂની પાર્ટી 400થી ઓછી બેઠકો પર સામાન્ય ચૂંટણી લડી રહી છે.
- કોંગ્રેસે 1996માં સૌથી વધુ 529 બેઠકો પર ચૂંટણી લડી હતી, 2004ની 417 બેઠકો પર ચૂંટણી લડી હતી પણ તેને માત્ર 145 બેઠકો મળી હતી, 2014ની ચૂંટણીમાં 464 ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
- 2019ની ચૂંટણીમાં તેણે 421 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, વર્ષ 2019માં તેને 421માંથી માત્ર 52 બેઠકો મળી હતી, 2024માં માત્ર 328 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.