નાળા પર જવાના રસ્તે ભૂવો પડતાં લોકોના જીવ જોખમમાં
નાળાની અંદર ચારેબાજુ મસમોટી તિરાડ: તંત્રને જર્જરિત નાળું કેમ દેખાતું નથી?, તેવી લોકમુખે ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ ટીઆરપી ગેમઝોમ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. તંત્ર દ્વારા અનેક એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. આવાસ મકાનો ખાલી કરાવી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે પરંતુ શહેરના અનેક વર્ષો જૂના નાલા જર્જરિત હાલતમાં છે તે તંત્રને કેમ દેખાતું નથી કે પછી અંદાજે ત્રણ વર્ષ પહેલાં આજી ડેમ ચોકડી પાસે ઓવરબ્રિજની દીવાલ ધસી પડી હતી તેમ હજુ એકવખત કોઠારીયા ચોકડીના આ નાલાની દીવાલ ધસી પડે તેની રાહ જોવે છે? શહેરના કોઠારીયા ચોકડી પર આવેલું નાલુ કે જેની તમામ દીવાલો જર્જરિત હાલતમાં છે, એટલું જ નહીં પરંતુ નાલા પર જવાના રસ્તે કે જ્યાં અનેક વાહનો અવરજવર કરે છે ત્યાં મસમોટો ભૂવો પડ્યો છે. સાઈડમાં રાખવામાં આવેલ બેરિકેટ પણ ધસી પડવાની જ તૈયારીમાં છે.
- Advertisement -
નાલુ જર્જરિત હાલતમાં છે જેના કારણે વરસાદનું પાણી આ નાલાની અંદર તિરાડમાં ઉતરતા દીવાલ વધુ ને વધુ જર્જરિત અને નબળી પડી ગઈ છે. તંત્રને આવા જર્જરિત નાલા કેમ દેખાતા નથી? જ્યાં દરરોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે આ જર્જરિત નાલુ ધરાશાયી થાય અને લોકોના જીવ જાય અથવા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? તેવા અનેક પ્રશ્ર્નો લોકમુખે ઉઠી રહ્યા છે.