કથામૃત:
એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો વારો આવ્યો. રાજા ઉંમરમાં મોટો હોય તેને નહીં, જે વિચારમાં અને આચારમાં મોટો હોય એને ગાદી સોંપવા માંગતા હતા. એક દિવસ રાજાએ આ બંને કુંવરને બોલાવ્યા અને કહ્યું, જો હું તમને એક કામ સોંપું છું. હું તમને બંનેને 1000 રૂપિયા આપીશ. તમારે એ 1000 રૂપિયામાંથી જે ખરીદવું હોય તે ખરીદવાની છૂટ. તમને બંનેને એક સરખા રૂમ આપીશ. એ રૂમ જે ખરીદો એનાથી પૂરેપૂરા ભરાઈ જવા જોઈએ. હું આવતા અઠવડિયે તમને મળીશ.
- Advertisement -
એક અઠવડિયા બાદ રાજાએ બંને કુંવરને ફરીથી બોલાવ્યા અને પૂછ્યું, મેં તમને અઠવડિયા પહેલા જે કામ સોંપ્યું હતું તે પૂરું થઈ ગયું ? બંનેએ હસતાં હસતાં કહ્યું, હા, પિતાજી. રાજાએ તુરંત જ પ્રધાનને આજ્ઞા કરી, પ્રધાનજી ચાલો આપણે આ બંને કુંવરોને સાથે લઈને એમણે જે વસ્તુઓથી રૂમ ભર્યા છે તે જોવા માટે જઈએ.
સૌથી પહેલા મોટા કુંવરને આપેલ રૂમ પાસે ગયા. રૂમની બહાર ઊભા રહીને રાજાએ મોટા કુંવરને પૂછ્યું, બેટા, રૂમ આખે આખો ભરેલો છે ને ? કુંવરે ખુમારી સાથે હા પાડી એટલે રૂમને ઉઘાડવામાં આવ્યો. આખો રૂમ કચરાથી ભરેલો હતો અને ખૂબ જ દુર્ગંધ આવતી હતી. રાજા અને બીજા તમામ તુરંત જ ત્યાંથી રવાના થઈ ગયા અને રાજાએ ખિજાઈને પૂછ્યું, આવા ગંદા કચરાથી રૂમ ભરાય ? તો સામે કુંવરે પણ જડબાતોડ જવાબ આપતા કહ્યું, 1000 રૂપિયામાં આખો રૂમ ભરી આપવાનો કહો તો પછી આવી જ વસ્તું આવે ને ! રાજા નાના કુંવરના રૂમ પાસે ગયા અને રૂમ ઉઘાડતા પહેલા રાજાએ પૂછ્યું, બેટા, તેં પણ રૂમ આખે આખો ભર્યો છે ને ? કુંવરે હા પાડી એટલે રાજાએ કહ્યું, બેટા, મોટાભાઈ જેવું તો નથી કર્યું ને ? નાના કુંવરે જવાબ આપતા કહ્યું, પિતાજી, મેં મારાથી બનતા તમામ પ્રયાસ કર્યા છે. મને આશા છે, આપને ચોક્કસ ગમશે.
રૂમ ખોલવામાં આવ્યો તો રૂમમાં સુંદર નાના દીવાઓ કરેલા હતા અને અગરબત્તી પ્રગટાવેલી હતી. અગરબત્તીની સુગંધથી અને દિપકના પ્રકાશથી આખો રૂમ ભરાયેલો હતો. રાજા નાના કુંવરને ભેટી જ પડ્યો અને પોતાનો વારસ બનાવ્યો.
- Advertisement -
બોધામૃત:
પરમાત્માએ આપણને પણ આયુષ્યરૂપી 1000 રૂપિયા આપીને આ જીવતરના ઓરડાને પૂરેપૂરો ભરવા માટે મોકલ્યા છે. હવે ઓરડાને નાશ પામે એવા રૂપિયા-પૈસાથી ભરવો છે કે ક્યારેય નાશ ન પામે એવી સેવાની સુવાસથી ભરવો છે, એ આપણે જ નક્કી કરવાનું છે.
અનુભવામૃત:
આપણા જીવનનો સૌથી મહત્ત્વનો હેતુ માત્ર એક જ છે, બીજાને મદદ કરવી. – દલાઈ લામા