કિન્નર આચાર્યની તડાફડી
સમયની એક મજા એ છે કે, એ સતત બદલાય છે. સમય બદલાતાં વાર લાગતી નથી. એ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. ક્ષણભરમાં. દુનિયાભરનાં ઉદાહરણો આપવાની જરૂર નથી- આપણી આસપાસ જ આવા અનેક કિસ્સાઓ જોવા મળશે.
- Advertisement -
સમયની ફિતરત જ બદલવાની છે- બદલાવની છે. આજે વાત તો બોલિવૂડનાં એક ઍકટરની કરવાની છે પરંતુ એની વાત આપણાં સૌ માટે પ્રેરણારૂપ છે અને તેમાંથી ઘણું શીખવા જેવું છે. આખા કિસ્સામાંથી શીખ લેવા જેવું શું છે- એ વાત છેલ્લે. અત્યારે તો મૂળ વાત: બોબી દેઓલ. નામ તો સૂના હીં હોગા.
બોબી દેઓલની કરિઅર સાવ ખતમ થઈ ગઈ હતી. એક જાણીતા પોડકાસ્ટર સાથેનાં પોડકાસ્ટમાં બોબી દેઓલ ખૂલીને વાત કરે છે: 2000ની સાલ આસપાસ તેની ફિલ્મો ચાલવાનું બંધ થઈ ગયું. એ બધું ગુમાવી ચૂક્યો હતો. ફિલ્મો ચાલતી જ ન હતી. કામ મળવાનું બંધ થઈ ગયું હતું. જે રોલ તેને મળતાં એ પણ અન્ય એકટરો છીનવી લેતાં હતાં. એની પર આર્થિક જવાબદારીઓ હતી. બેશક, એ કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ નથી પરંતુ આવકની સરવાણી સદંતર બંધ જ રહે અને કૂઓ અવિરત ઉલેચાતો રહે તો એક દિવસ તો તળિયું દેખાય જ. એ રીતસર આલ્કોહોલિક બની ગયો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું છે કે, ઑલમોસ્ટ આખો દિવસ એ શરાબમાં ડૂબેલો રહેતો.
આવી સ્થિતિમાં તેને ‘કલાસ ઑફ-83’ ફિલ્મ અને ‘આશ્રમ’ વૅબ સીરિઝ મળી અને તેનો સમય બદલાઈ ગયો. આશ્રમ એવડી બ્લૉક બસ્ટર સાબિત થઈ કે આખા ભારતમાં ‘જપનામ જપનામ’ સૂત્ર પ્રખ્યાત બની ગયું. સાઉથની ફિલ્મોમાં વિલનનાં રોલ મળ્યા, ‘ઍનિમલ’માં તેનાં નેગેટિવ રોલની અને તેનાં અભિનયની ભરપૂર પ્રશંસા થઈ. બીજી તરફ ‘આશ્રમ’ની એક પછી એક એમ ત્રણ સીઝન આવી. બધી જ સીઝન બ્લૉક બસ્ટર રહી. શાહરૂખના દીકરા આર્યન ખાનની સીરિઝ ‘બૅડ્સ ઑફ બોલિવૂડ’માં પણ તેનો તગડો રોલ છે. હજુ તેની ફિલ્મ ‘આલ્ફા’, ‘જન નાયગન’, ‘વેલકમ ટુ જંગલ’ આવી રહી હોવાનાં વાવડ છે. અન્ય વૅબ સીરિઝ માટે પણ તેની પાસે ઓફર છે.
સમય બદલાયો, બધું બદલાઈ ગયું. આપણામાંથી મોટા ભાગનાં લોકોને આ રીયલ સ્ટોરી સાથે નિસબત છે. ઉતાર-ચઢાવ આપણાં જીવનમાં પણ આવતાં રહે છે. બોબી જેવું આપણી સાથે પણ બને છે. આ સમય જ જાતને સંભાળવાનો હોય છે. બસ, સમય કાઢી જવાનો હોય છે. તમે ટેસ્ટમેચ જોતાં જ હશો. ઢળતી સાંજે ક્યારેક માત્ર ઓવર્સ પસાર કરવાની હોય છે. આગ ઝરતી ડિલિવરીઝ લેફ્ટ કરવાની હોય છે. ક્યારેક કોઈ બોલરનો સ્પેલ (અહીં ઈશ્ર્વરનો સ્પેલ ગણવો) એટલો ખતરનાક હોય છે કે, ક્રીઝ પર ઉભા રહેવું પણ દૂષ્કર હોય. આવી સ્થિતિમાં રન ફટકારવા કે ચોક્કા-છગ્ગા મારવાનું મહત્ત્વ નથી. હતાશ થઈને વિકેટ ફેંકી દેવાનું પણ યોગ્ય નથી. મહત્ત્વ માત્ર ટકવાનું છે.
બોબી દેઓલ બેશક ટટ્ટાર ન રહી શક્યો. તેમ છતાં સમયએ તેનો સમય બદલી નાંખ્યો. જીવનમાં ફૈઝ અહમદ ફૈઝનો એક શેર યાદ રાખવા જેવો છે:
દિલ નાઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ,
લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ