જાગ્રત અવસ્થામાં આપણો સ્થૂળ દેહ જે જુએ છે, જે સ્પર્શે છે, જે શ્વાસે છે અથવા જે આરોગે છે તેની અનુભૂતિ માણે છે, સ્વપ્ન અવસ્થામાં આપણી કલ્પનાને છૂટો દોર મળે છે
ઇન્દ્રિયાદિત અનુભૂતિ કેવી હોઈ શકે? આપણે જે કંઈ અનુભવ કરીએ છીએ તે આપણી પંચેન્દ્રિયો દ્વારા કરીએ છીએ. આ ઇન્દ્રિયોને પેલે પાર જઈને જે અનુભૂતિ થાય તે કેવી હોઈ શકે? એક સર્વ સામાન્ય વિધાન એવું કરી શકાય કે આપણી તમામ અનુભૂતિઓ આપણા મનની સ્થિતિ ઉપર અવલંબિત હોય છે. જાગ્રત અવસ્થામાં આપણો સ્થૂળ દેહ જે જુએ છે, જે સ્પર્શે છે, જે શ્વાસે છે અથવા જે આરોગે છે તેની અનુભૂતિ માણે છે. સ્વપ્ન અવસ્થામાં આપણી કલ્પનાને છૂટો દોર મળે છે. આથી સ્વપ્ન અવસ્થામાં આપણે ફૂટપાથ ઉપર સૂતા હોઈએ તો પણ રાજા હોવાનું સુખ અનુભવી શકીએ. સુષુપ્ત અવસ્થામાં આપણું મન ઊંઘતું હોય છે. ચેતન મન નિષ્ક્રિય હોવાને કારણે આપણી અનુભૂતિઓ શમી જાય છે. તુરીય અવસ્થામાં આપણું મન બ્રહ્મમય બની જાય છે. ત્યારે આપણને દેહભાન રહેતું નથી. આપણે માત્ર આત્માનુભૂતિ જ કરી શકીએ છીએ. ધ્યાનસાધના અને મંત્રજાપનું અંતિમ સરનામું તુરીયાવસ્થા જ છે. જ્યારે મનુષ્યની જ્ઞાનની આંખ ખુલી જાય છે. ત્યારે કહી શકાય કે તેનું ત્રીજું નેત્ર ખુલી ગયું છે. હવે તે બ્રહ્મમય બની જાય છે. જીવથી શિવ સુધીની આ યાત્રા છે.