ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ (Israel And Hamas War) કંઈ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું અને આ યુદ્ધને કારણે બંને દેશના અનેક નિર્દોષ લોકો બેઘર થઈ ગયા છે. કેટલાય લોકોએ પોતાનો પરિવાર ખોયો છે તો કોઈએ પોતાના નજીકના લોકોને ખોયા છે. હવે ઈઝરાયલે ફરી એક વખત ગાઝા શહેર પર હુમલો કર્યો છે જેમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અચાનકથી જ #All Eyes On Rafah ટ્રેન્ડ કરવા લાગ્યો છે. સેલેબ્સ અને નેટિઝન્સ આ હેશટેગ યુઝ કરીને પોસ્ટ કરી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે આખરે શું છે આ #All Eyes On Rafah…
રાફા એ ગાઝાનું એક શહેર છે, જેના પર ઈઝરાયલે રવિવારે હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો તો કેટલાય લોકોને ઈજા પહોંચી છે. રાફામાં હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ તબાહી જ તબાહી જોવા મળી રહી છે. ગાઝાના રાફામાં બોમ્બમારો કરવા બદ્દલ અનેક બોલીવૂડ સેલેબ્સ, ટીવી સ્ટાર્સ ઈઝરાયલની ટીકા કરી રહ્યા છે અને ફિલિસ્તાન (Palestine)ના સપોર્ટમાં આવીને પોસ્ટ કરી રહ્યા છે.
- Advertisement -
All Eyes On Rafah નામથી ચાલી રહેલા આ કેમ્પેઈનને મોટા ભાગે યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં યુદ્ધને લઈને જાગરૂક્તા ફેલાવવા માટે એક્ટિવિસ્ટ અને માનવ સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનને સામાન્ય નાગરિકોનું પણ સમર્થન મળી રહ્યું છે.
આ સ્લોગનનો ઉપયોગ સૌથી પહેલી વખત ફેબ્રુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડિરેક્ટર રિક પીપરકોર્ને કર્યો હતો. તેમની આ ટિપ્પણી ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેત્યાહુ દ્વારા શહેર ખાલી કરાવવાની યોજનાની જાહેરાત બાદ આવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય જૂથોને જણાવ્યું હકું કે ગાઝામાં જે કંઈ થયું છે એના પર નજર રાખવામાં આવે. આ સ્લોગની લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ફિલિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓથી મોઢું ફેરવી લેવાની જરૂર નથી. યુદ્ધથી ડરીને ભાગેલા આશરે 14 લાખ ગાઝાવાસીઓએ હાલમાં રાફામાં શરણ લીધું છે અને તેમ છતાં ઈઝરાયલ ત્યાં હુમલા કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર #All Eyes On Rafah ઝડપથી ટ્રેન્ડ કરવા લાગ્યું છે અને બોલીવૂડ સેલેબ્સ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપ્રા, કરિના કપૂર, વરુણ ધવન, રશ્મિકા મંદાના, સોનાક્ષી સિન્હા, સામંથા રૂથ પ્રભુ, તૃપ્તિ ડિમરી, દિયા મિર્ઝા, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, ગૌહર ખાન સહિત અનેલ લોકોએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાઈરલ સ્લોગનને શેર કરીને ફિલિસ્તાનીઓને સમર્થન આપ્યું છે.