પંડિત-પરમારના ઈશારે સદાદિયાએ શિક્ષક સંઘના કાર્યક્રમમાંથી અણમાનિતા ધારાસભ્ય, સાંસદની બાદબાકી કરી નાંખી
જનરલ બોર્ડના નિયમોનો ઉલાળીયો કરીને શાળામાં જમણવાર યોજાશે, વિસ્તારના જ ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા અને સાંસદ રામભાઈ મોકરિયાને નિમંત્રણ નહીં, આમંત્રણ પત્રિકામાંથી ભાનુબેન બાબરિયા અને ઉદયભાઈ કાનગડનું નામ ગાયબ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારના ઈશારે રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદિયાએ સેવા નિવૃત શિક્ષક સન્માન સમારોહના કાર્યક્રમમાંથી કેટલાક અદીઠા ધારાસભ્યો અને સાંસદસભ્યની બાદબાકી કરી નાખી છે. રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર આજે સરકારી શાળા નં.69માં અંબાજી કડવા પ્લોટ ખાતે શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ સેવા નિવૃત શિક્ષક સન્માન સમારોહ યોજ્યો છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા અને સાંસદ રામભાઈ મોકરિયા સહિત કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડનું પણ નામ ગાયબ છે. જો સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય દર્શીતાબેન શાહને આ કાર્યક્રમમાં નિમંત્રણ અપાયું છે તો અન્ય સાંસદ અને ધારાસભ્યને નિમંત્રણ કેમ અપાયું નથી? એવું કહેવાય રહ્યું છે કે, રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર સહિત શિક્ષક સંઘના પ્રમુખ સદાદિયા દ્વારા તેમના ભ્રષ્ટાચારને છાવનારાઓને આવકારો અપાય રહ્યો છે અને તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવનારને જાકારો આપવામાં આવી રહ્યો છે. દિનેશ સદાદિયાએ શિક્ષક મંડળના યોજેલા આ કાર્યક્રમમાં જાણીજોઈને સ્થાનિક ભાજપ આગેવાવોની બાદબાકી કરી દેવામાં આવી છે તેવી ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં જનરલ બોર્ડના શાળામાં જમણવાર ન યોજવાના ઠરાવનો પણ ઉલાળીયો કરવામાં આવનાર છે છતાં ભાજપ આગેવાનો મૌન છે અને કેટલાક ભાજપ આગેવાનો આ કાર્યક્રમમાં અધ્યક્ષ અને ઉદ્દઘાટક તરીકે હાજરી આપવાના છે જે ચોંકાવનારી બાબત છે.
અતુલ પંડિતની સરકારી શાળામાં જમણવાર યોજવા ભાજપ આગેવાનોને મનાઈ, દિનેશ સદાદિયાને હા
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત પાસે ભાજપ આગેવાનોને ઘણીવાર જમણવાર યોજવા પરવાનગી માંગી છે પરંતુ અતુલ પંડિત દ્વારા જનરલ બોર્ડના ઠરાવને આગળ કરીને સરકારી શાળામાં જમણવાર યોજવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવે છે. જ્યારે આ જ અતુલ પંડિત શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને સરકારી શાળામાં જમણવાર યોજવા પરવાનગી આપે છે. વળી, જનરલ બોર્ડના નિયમોનો ઉલાળીયો કરતા દિનેશ સદાદિયાના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ હાજરી આપનારા છે!