ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુસ્નાતક ભવનના પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત, કારકિર્દી ઘડતર અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન, કોમ્પ્યુટર અને ઇન્સ્ટ્રુમેન્ટ લેબનું ઉદ્ઘાટન તેમજ આંતરરાષ્ટ્રીય પરિષદના બ્રોશરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડો. માનસિંહ એસ. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. ચૌહાણએ નવા વિદ્યાર્થીઓને આવકારતા કહ્યું કે, “વિદ્યા એવી સંપત્તિ છે જે વાપરવાથી વધે છે.” તેમણે રસાયણશાસ્ત્ર અને જૈવ વિજ્ઞાન વિભાગોને યુનિવર્સિટીના ગૌરવશાળી વિભાગો ગણાવ્યા.
ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ પ્રો. (ડો.) અનામિક શાહએ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો નક્કી કરવા અને યોગ્ય દિશામાં મહેનત કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે યુનિવર્સિટી જ વિદ્યાર્થીઓના સપનાઓને મંઝિલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. દક્ષાબેન ચૌહાણએ શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે, વિદ્યાર્થી જીવનમાં આવતા પડકારો કારકિર્દીની મંઝિલ સુધી પહોંચવાનો મહત્વનો વળાંક હોય છે. કાર્યક્રમમાં સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મુંબઈના એક્ઝિક્યુટિવ મેનેજર અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ડો. વિશ્વા આદેસરાએ રસાયણશાસ્ત્રના વિવિધ અભ્યાસક્રમોમાં રહેલી ઉજ્જવળ કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન આપ્યું.