ખાદ્ય-પુરવઠા મંત્રી પિયુષ ગોયલનો નિર્દેશ
ખાસ-ખબર સંવાદદાતા
વેપાર ઉદ્યોગમાં સરળી કરણના નામે કેન્દ્ર સરકાર એક મહત્વનું કદમ ઉઠાવવા જઇ રહી છે તે અંતર્ગત તોલ માપમાં થતી ગરબડને ફોજદારી ગુનાની શ્રેણીમાંથી બાકાત કરી દેવામાં આવશે. કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા મંત્રી પિયુષ ગોયલે આ બાબતનો નિર્દેશ આપીને જણાવ્યું કે તોલ માપ કાયદા ર009ના ઉલ્લંઘનને ફોજદારી ગુનામાંથી બાકાત કરીને સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવાની આવશ્યકતા છે.વેપારને સરળ બનાવવા માટે તોલમાપમાં ગોટાળા અને ગરબડ સંબંધી નિયમોને ફોજદારી કૃત્યની શ્રેણીમાંથી બહાર કાઢવા પડશે જેના આધારે પ્રમાણીક વ્યવસ્થા ઉભી થઇ શકે. તોલમાપ સંબંધી એક રાષ્ટ્રીય કાર્યશાળામાં સંબોધન કરતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન યુગની આ જરૂરીયાત છે, તોલમાપમાં ગરબડને અપરાધીક શ્રેણીમાંથી બાકાત કરવા માટે તમામ રાજયો વચ્ચે સર્વાનુમતી સાધવી પડે તેમ છે તેઓએ છેલ્લા ચાર વર્ષના તોલમાપના ગરબડમાં આંકડોઓનો પણ ઉલ્લેખ
કર્યો છે.
કાર્યશાળામાં અનેક રાજયોના પ્રધાનો હાજર રહ્યા ન હતા તે વિશે નારાજગી દર્શાવતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, રાજયોએ તોલમાપના વિષયને ગંભીર ગણવો જોઇએ. કાર્યક્રમમાં 30થી વધુ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ હાજર હતા પરંતુ પ્રધાનોની સંખ્યા બહુ જુજ હતી તેના પર નારાજગી બતાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ ચર્ચામાં પ્રધાનો પણ સામેલ થયા હોત તો આનંદ થાત.
વેપારને સરળ બનાવવાની દલીલ સાથે કેન્દ્રની હિલચાલ છટકબારી ! તોલ-માપમાં ગરબડ હવે ફોજદારી ગુનો નહીં ગણાય !
