અગાઉ કાયદાનો દુરુપયોગ અટકાવવાની હિમાયત કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
અંગ્રેજોના સમયના રાજદ્રોહ સંબંધિત કાયદાનો બચાવ કરવા અને સુપ્રીમકોર્ટમાં તેને પડકારતી અરજીઓને ફગાવી દેવાનું કહ્યાના બે દિવસ બાદ સરકારે સોમવારે યુ-ટર્ન મારી લીધો. કેન્દ્ર વતી દાખલ નવા સોગંદનામામાં જણાવાયું કે તેણે કાયદાની જોગવાઈઓને ફરીથી તપાસવા અને તેના પર વિચાર કરવાનો નિર્ણય
કર્યો છે.
કેન્દ્રએ સાવચેત કર્યું કે ત્યાં સુધી આ મામલે સુનાવણી હાથ ન ધરવામાં આવે. સરકારે આઈપીસીની કલમ 124એની બંધારણીય કાયદેસતાને પડકારતી અરજીઓના સંબંધમાં નવું સોગંદનામુ દાખલ કર્યું છે. કલમ 124એ દેશદ્રોહને અપરાધ બનાવે છે.
સોગંદનામામાં કહ્યું છે કે સરકાર આઝાદીના અમૃત મહોત્સવના અવસરે અંગ્રેજોના સમયના આવા કાયદાને કેન્સલ કરવા માગે છે જેની કોઈ ઉપયોગિત રહી નથી.
2014-15થી અત્યાર સુધી 1500થી વધુ કાયદાને રદ કરાયા છે. ચીફ જસ્ટિસ એન.વી.રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચે 5 મેના રોજ કહ્યું હતું કે તે રાજદ્રોહથી સંબંધિત કાયદાને પડકારતી અરજીઓને મોટી બેન્ચ સમક્ષ મોકલવાના સંબંધમાં મંગળવારે(10 મે) ના રોજ
સુનાવણી કરશે.
અગાઉ કેન્દ્રે શનિવારે દાખલ સોગંદનામામાં રાજદ્રોહ કાયદા અને તેની કાયદેસરતાને યથાવત રાખવાના બંધારણીય બેન્ચના 1962ના એક નિર્ણયનો બચાવ કર્યો હતો.