જ્યાં સુધી આપણે નિમ્ન કક્ષાના વિચારોમાં આપણા મનને પરોવેલું રાખીશું ત્યાં સુધી એવા જ વિચારો આપણાં ચિત્તનો કબજો લઈ લેશે, પરંતુ જો આપણે આપણા વિચારોને આપણા સહસ્રાર ચક્રમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં પ્રવર્તમાન પ્રકાશના ઝળહળાટમાં ઈચ્છાઓનો, કામનાઓનો અને વાસનાઓનો તમામ અંધકાર નષ્ટ થઈ જશે
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
હું, તમે અને આપણામાંના મોટા ભાગના લોકો મોટા ભાગનો સમય આપણી ઈચ્છાઓ અને એ ઇચ્છાઓની પૂર્તિના વિચારોમાં પસાર કરતા રહીએ છીએ. એનું કારણ એ છે કે આપણે મૂલાધાર ચક્રના સ્તર પર જીવતા રહીએ છીએ. અસત્ય, હિંસા, લોભ, લાલચ, અભિમાન, ઇર્ષ્યા, ખટપટ, નિંદા, જાતીય આકર્ષણ, આ બધાં વિચારો મૂલાધાર ચક્રની વિશેષતા છે. જો સાચો સાધક મૂલાધાર ચક્રને બદલે મસ્તિષ્કમાં આવેલા સહસ્રાર ચક્રમાં જીવવાનું શરૂ કરે તો આ બધા દુર્વિચારોમાંથી બચી શકશે.
ઓશોએ સરસ કહ્યું છે કે સહસ્રાર ચક્રમાં જીવવાના પ્રયત્નને જ તપ કહેવાય. તપનો એક અર્થ થાય છે અગ્નિ. જેવી રીતે જળની કુદરતી ગતિ ઉપરથી નીચેની દિશા તરફ હોય છે એવી જ રીતે અગ્નિની કુદરતી ગતિ નીચેથી ઉપરની દિશા તરફ હોય છે. આપણાં શરીરની અંદર રહેલા ઉર્જાના અગ્નિને જો એની કુદરતી ગતિ તરફ વહેવા દેવામાં આવે તો તે હંમેશા સહસ્રાર ચક્ર તરફ જ ગતિ કરશે. આને જ આપણાં શાસ્ત્રોમાં ’ઉર્ધ્વરેતસ્’ કહે છે. જો આપણે આપણાં વિચારોને, આપણાં મનને, આપણી ઉર્જાને વારંવાર નીચેની દિશામાં લઈ જઈશું તો ક્યારેય મૂલાધાર ચક્રના સ્થાનમાંથી ઉઠી શકીશું નહિ. આપણી ઉર્જાને નીચેની તરફ વહાવવી એટલે જ ‘અધોરેતસ્’.
- Advertisement -
જ્યાં સુધી આપણે નિમ્ન કક્ષાના વિચારોમાં આપણા મનને પરોવેલું રાખીશું ત્યાં સુધી એવા જ વિચારો આપણાં ચિત્તનો કબજો લઈ લેશે. પરંતુ જો આપણે આપણા વિચારોને આપણા સહસ્રાર ચક્રમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં પ્રવર્તમાન પ્રકાશના ઝળહળાટમાં ઈચ્છાઓનો, કામનાઓનો અને વાસનાઓનો તમામ અંધકાર નષ્ટ થઈ જશે. આ તપના અંતે આપણે એક એવી સ્થિતિને પ્રાપ્ત કરીશું જ્યાં કોઈ દુર્વિચાર આપણને સ્પર્શે જ નહીં.