એક પૌરાણિક દૃષ્ટાંત કથા છે. બે રાજાઓનાં સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એક સૈન્યનો સેનાપતિ યુદ્ધભૂમિની પાસે આવેલી એક ઊંચી ટેકરી પર ઊભો રહીને યુદ્ધ નિહાળતો હતો. એના સૈન્યને દોરવાની જવાબદારી તેણે પોતાના યુવાન પુત્રને સોંપી હતી. બપોર સુધી તુમુલ યુદ્ધ કર્યાં પછી સેનાપતિના પુત્રને થયું કે તેનું સૈન્ય મુશ્કેલીમાં છે. તેણે એક સૈનિકને સૂચના આપી, ’તું મારતે ઘોડે પેલી ટેકરી પર જા અને ત્યાં ઊભેલા મારા પિતાશ્રીને વિનંતી કર કે તેઓ યુદ્ધભૂમિમાં પધારે અને આપણને માર્ગદર્શન આપીને મુશ્કેલીમાંથી બહાર કાઢે.’ તે સૈનિક જવા માટે રવાના થાય તે પહેલાં જ પાછળથી અવાજ આવ્યો. તે અવાજ મુખ્ય સેનાપતિનો હતો. તેમણે પુત્રને કહ્યું, ’બેટા, હું આવી ગયો છું. હું ટેકરી પરથી જોતો હતો કે તું તારા તમામ પ્રયત્નો વડે યુદ્ધ લડતો હતો, ત્યારે મને અહીં આવવાની જરૂર લાગી ન હતી. જ્યારે પિતા પોતાના પુત્રને આફતમાં આવી પડેલો જુએ અને પુત્ર જ્યારે પિતા પાસે મદદ માટે પોકાર પાડે ત્યારે કયો પિતા ઊંચી ટેકરી પર ઊભો રહી શકે?’ આ દૃષ્ટાંત કથામાં આપણી ભૂમિકા પેલા યુવાન પુત્રની છે. સેનાપતિ એટલે ઇશ્વર. આપણે નિષ્ઠાપૂર્વક જિંદગીનું યુદ્ધ લડતા રહેવાનું છે. ઇશ્વર બધું જોઇ રહ્યો છે. જો આપણા પ્રયત્નો સાચા હશે, જો આપણી ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા પૂર્ણ હશે તો આપણા દરેક કપરા સમયમાં ઇશ્વર સહાય કરવા માટે અચૂક પધારશે જ.
આપણે નિષ્ઠાપૂર્વક જિંદગીનું યુદ્ધ લડતા રહેવાનું છે, ઇશ્વર બધું જોઇ રહ્યો છે
Follow US
Find US on Social Medias