H-1B વિઝા, જેમાં ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રીની જરૂર હોય છે, તે ઉચ્ચ-કુશળ નોકરીઓ માટે છે જે ટેક કંપનીઓને ભરવાનું મુશ્કેલ લાગે છે.
અમેરિકી સાંસદો અને સામુદાયિક નેતાઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા અરજીઓ પર $100,000 ફી લાદવાના નિર્ણયને ‘અવિવેકી’ અને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યો છે. આ સાથે જ, તેમણે ટ્રમ્પના આ પગલાથી આઇટી ઉદ્યોગ પર ‘ખૂબ જ નકારાત્મક’ અસર પડવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
- Advertisement -
ટ્રમ્પના નિર્ણયથી કુશળ કામદારો અમેરિકાથી દૂર થશે
સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે H-1B વિઝા પર $100,000 ફી લાદવાનો ટ્રમ્પનો નિર્ણય ‘અત્યંત કુશળ કામદારોને અમેરિકાથી દૂર કરવાનો એક ભયાવહ પ્રયાસ છે. આ કામદારોએ લાંબા સમયથી અમેરિકાના કાર્યબળને મજબૂત કર્યું છે, નવીનતાને પ્રોત્સાહન આપ્યું છે અને લાખો અમેરિકનોને રોજગાર આપતા ઉદ્યોગોની સ્થાપનામાં મદદ કરી છે.’
કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, ‘ઘણા H-1B વિઝા ધારકો અંતે અમેરિકાના નાગરિક બને છે અને એવા વ્યવસાયો શરૂ કરે છે જેનાથી અમેરિકામાં સારી સેલરીવાળી નોકરીઓનું સર્જન થાય છે. તેમણે કહ્યું, ‘જ્યારે બીજા દેશો ગ્લોબલ ટેલેન્ટને આકર્ષવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, ત્યારે અમેરિકાએ પણ પોતાના કાર્યબળને મજબૂત કરવા સાથે ઇમિગ્રેશન સિસ્ટમને અપગ્રેડ કરવી જોઈએ. અમેરિકાએ એવા અવરોધો ઊભા ન કરવા જોઈએ જે આપણા અર્થતંત્ર અને સુરક્ષાને નબળા પાડે.’
- Advertisement -
અમેરિકન આઈટી સેક્ટર પર સંકટની ચેતવણી
બાઈડન સરકારમાં સલાહકાર રહી ચૂકેલા અને ઇમિગ્રેશન પોલિસી પર એશિયન-અમેરિકન સમુદાયના અગ્રણી નેતા અજય ભૂટોરિયાએ ચેતવણી આપી છે કે, ‘ટ્રમ્પની H-1B વિઝા ફી વધારવાની નવી યોજના અમેરિકી આઇટી સેક્ટરની સ્પર્ધાત્મકતા માટે જોખમી છે. ભૂટોરિયાના મતે, H-1B પ્રોગ્રામ હાલમાં વિશ્વભરમાંથી $2,000 થી $5,000ની ફી લઈને ઉચ્ચ કુશળ પ્રતિભાઓને આકર્ષે છે. આ ફીમાં થનારો મોટો વધારો આ કાર્યક્રમ પર અભૂતપૂર્વ સંકટ ઊભું કરશે, જેનાથી પ્રતિભાશાળી કામદારો પર નિર્ભર નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને મોટો ફટકો પડશે.
ભૂટોરિયાએ કહ્યું કે, ‘આ નિર્ણયથી સિલિકોન વેલીને શક્તિ આપનારા અને અમેરિકાના અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપનારા કુશળ પ્રોફેશનલ્સ અમેરિકાથી દૂર થઈ જશે. તેમણે ઉમેર્યું કે આ પગલું ઊલટું પરિણામ લાવી શકે છે, કેમ કે પ્રતિભાશાળી કામદારો કેનેડા કે યુરોપ જેવા હરીફ દેશોમાં જવાનું વિચારી શકે છે.’ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ના ખંડેરાવ કાંદે પણ આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, ‘H-1B વિઝા પર $100,000 ફી લાદવાથી ખાસ કરીને સોફ્ટવેર અને આઇટી સેક્ટરના વ્યવસાયો પર ખૂબ જ નકારાત્મક અસર પડશે.’