પશ્ર્ચિમનાં કોઈ વિદ્વાને કહ્યું છે કે, ‘જર્નાલિઝમ એટલે એ ખબરનું પ્રકાશન- જે દબાવવા કોઈ પ્રયાસ કરી રહ્યું છે. બાકીનું બધું પબ્લિક રીલેશન વર્ક છે!’
પત્રકારત્વ એ લક્ષ્મણરેખા છે જે ક્રુર શાસનથી પ્રજાને બચાવે છે, અમે આ જ સુરક્ષારેખા બનવા નિત્ય પ્રયત્નો કરીએ છીએ…
- Advertisement -
એક ડિજિટલ અખબારનો પ્રભાવ કેટલો હોઈ શકે? તેની ઈમ્પેક્ટ વધુમાં વધુ કેટલી હોય? શું તેની નોંધ લેવાતી હોય? તેમાં કોઈ સમાચાર આવે તો કોઈને કશો ફરક પડે? આ બધાં પ્રશ્ર્નોનાં સજ્જડ જવાબ અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપી દીધાં છે. આજે વાચકો એટલે જ બપોરે ચાર વાગ્યા આસપાસ ‘ખાસ-ખબર’ની રાહ જોતાં હોય છે અને ક્યારેક કોઈ મહત્ત્વનાં સમાચારને કારણે પ્રકાશન વીસ-ત્રીસ મિનિટ મોડું હોય તો વાચકો ફોન કરીને કે મેસેજથી પૃચ્છા કરે છે.
પત્રકારત્વ એ પત્રકારત્વ છે. શું પ્રિન્ટ કે શું ડિજિટલ. અમારી પાસે એક પ્રિન્ટ મીડિયા જેટલી જ મજબૂત અને વિશાળ ટીમ છે, ફૂલ ફ્લેજ્ડ સ્ટાફ છે, આધુનિક, મોકળી-પહોળી ઑફિસ છે અને સુવિધાસભર સ્ટુડિયો છે. આ બધાં ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત: અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે. ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે. કેટલાંક દુષ્ટોને અમારૂં અખબાર કાળઝાળ અગ્નિ જેવું લાગે છે, તો સજ્જનોને હિમાલયની ટાઢક આપતું.
અમારો આ જ મિજાજ છે, આ જ તાસીર છે, સ્વભાવ છે. પાછલું વર્ષ પણ અમારા માટે આવી જ ઈવેન્ટ્સથી સભર રહ્યું. સ્વામિનારાયણનાં વિકૃત સાધુઓને અમે દિલથી ઉઘાડાં કર્યાં. પછી એ ફરેણી ગુરુકુળમાં ચાલતી કામલીલા હોય કે સંપ્રદાયનું સનાતન વિરોધી વિકૃત સાહિત્ય- કોઈનો ડર રાખ્યા વગર અમે સ્ટેન્ડ લઈને બધું ઉઘાડું કર્યું. આટકોટનાં ક્ધયા છાત્રાલયમાં ચાલતાં સેક્સ રૅકેટનો પર્દાફાશ સૌપ્રથમ અમે જ કર્યો. ‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ જ એ કેઈસમાં ફરિયાદ નોંધાઈ, આગળ કાર્યવાહી પણ થઈ. રાજકોટનાં તત્કાલીન જિલ્લા પોલીસ વડાએ પીડિતાનું નામ જાહેર ન કર્યું હોત તો હજુ અનેક કાંડ બહાર આવે તેમ હતું. કૌભાંડો ઉઘાડાં કરવા એ અમારૂં મુખ્ય કામ છે. પશ્ર્ચિમનાં કોઈ વિદ્વાને કહ્યું છે કે, ‘જર્નાલિઝમ એટલે એ ખબરનું પ્રકાશન- જે દબાવવા કોઈ પ્રયાસ કરી રહ્યું છે. બાકીનું બધું પબ્લિક રીલેશન વર્ક છે!’ કોઈએ એવું પણ કહ્યું છે કે, પત્રકારત્વ એ લક્ષ્મણરેખા છે જે ક્રુર શાસનથી પ્રજાને બચાવે છે. અમે આ જ સુરક્ષારેખા બનવા નિત્ય પ્રયત્નો કરીએ છીએ.
રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અત્યંત ગંભીર કૌભાંડો હોય કે પછી પવનચક્કી કંપનીઓનાં પાપે રાષ્ટ્રીય પક્ષી મોરનાં મોત હોય- અમે અમારો ધર્મ એટલી દૃઢતાથી નિભાવ્યો છે કે, ભલભલાં કૌભાંડીયાઓની ફેં ફાટે છે.
અમારૂં મિશન બહુ નિરાળું અને નવતર છે. અમારો ટાર્ગેટ એવો હોય છે કે, દરરોજ કમ સે કમ એક કૌભાંડિયાની કે દુષ્ટજનની ઉંઘ બગાડવી. એમની ઉંઘ બગડે તો જ અમે શાંતિથી સૂઈ શકીએ છીએ. આ તો થઈ હાર્ડહિટિંગ જર્નાલિઝમની વાત. હવે થોડી વાત અમારા માહિતીપ્રદ અને વિચારપ્રેરક પત્રકારત્વ અંગે.
અમારો દરેક વાચક એ વાતથી વાકેફ છે કે, ‘ખાસ-ખબર’માં સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સમાચારો કવર કરે છે. અને એ તમામ સમાચારો રસપ્રદ હોય તેવી કાળજી રાખીએ છીએ. આજે અમારા જન્મદિવસ નિમિત્તે પણ અમે આ જ સિદ્ધાંત અનુસાર વાંચન સામગ્રી પીરસી રહ્યાં છીએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આજે ઘર-ઘર ચર્ચાતો વિષય છે. આજે એ જ સબ્જેક્ટ પર અમે રસાળ સામગ્રી પ્રકાશિત કરી રહ્યાં છીએ.
હેપ્પી રીડિંગ!