ભારતની જેમ ચીનની દાદાગીરી સામે નહીં ઝુકવાનુ વલણ અપનાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સાઉથ ચાઈના સીમાં વિવાદિત વિસ્તારોમાં ચીન દ્વારા લગાવવામાં આવેલા બેરિયર ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ દ્વારા હટાવવામાં આવ્યા બાદ દેશના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યુ હતુ કે, અમે ચીન સાથે કોઈ જાતનો ઝઘડો કરવા નથી માંગતા પણ અમારી દરિયાઈ સીમાની અને અમારા માછીમારોના અધિકારીઓની રક્ષા કરવા માટે અમે મક્કમ છે. ચીન સામે ફિલિપાઈન્સે આ પ્રકારે જાહેરમાં વિરોધ કર્યો હતો તેવુ પહેલી વખત બન્યુ છે.
આ નિવેદનના મૂળમાં ચીનની એક ઉશ્ર્કેરણી જનક હરતક છે. ચીને સાઉથ ચાઈના સીમાં સ્કારબોરો શોલ નામના વિસ્તારની આગળ એક મોટુ બેરિયર ઉભુ કર્યુ હતુ અને માર્કોસના આદેશ બાદ તેને ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડે હટાવી દીધુ હતુ.
પત્રકારો સાથે વાતચીતમાં ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, વિવાદિત ગણાતા વિસ્તારમાં અમારા માછીમારો સો વર્ષ કરતા વધારે સમયથી માછલીઓ પકડી રહ્યા છે. ચીને લગાવેલા બેરિયર હટાવી દેવાયા બાદ ફિલિપાઈન્સની બોટ દ્વારા એક દિવસમાં 164 ટન માછલીઓ પકડવામાં આવ્યા હતી.
આ દરિયાઈ વિસ્તારમાં કોઈ જાતના અવરોધકો ચલાવી લેવામાં નહીં આવે. કારણકે આ વિસ્તાર ફિલિપાઈન્સની જળ સીમામાં આવે છે. ફિલિપાઈન્સે ચીન દ્વારા ફિલિપાઈન્સના માછીમારો સ્કારબોરો શોલ વિસ્તારમાં ના પ્રવેશી શકે તે માટે જે બેરિયર મુક્યા હતા તે પણ દર્શાવ્યા હતા. બીજી તરફ ચીને કહ્યુ હતુ કે, આ વિસ્તાર ચીનનો હિસ્સો છે. ફિલિપાઈન્સ જે પણ કરી રહ્યુ છે તે ગફલતમાં કરી રહ્યુ છે. ચીન આ તમામ જળ વિસ્તારોની સુરક્ષા કરવાનુ ચાલુ રાખશે.