મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મોટુ નિવેદન આપ્યું છે. અને આ તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં મુંબઈ પાછા ફરશે તેવો પણ દાવો કર્યો છે.
- Advertisement -
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ આજે કહ્યું કે, તેઓ મુંબઈ જશે અને બાલાસાહેબ ઠાકરેની વિરાસતને આગળ લઈ જશે. શિંદેએ ગુવાહટીની એક હોટલ બહારથી મીડિયાને જણાવ્યું હતું કે, મારી સાથે 50 લોકો છે. તે પોતાની મરજીથી અને હિન્દુત્વને આગળ લઈ જવા માગે છે. અમે ટૂંક સમયમાં મુંબઈ જવા રવાના થઈશું. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશમાં શિંદે જૂથને અયોગ્ય ઠેરવતી નોટિસ પર જવાબ દાખલ કરવા માટે 12 જૂલાઈ સુધીનો સમય આપી દીધો છે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો એવો દાવો કરી રહ્યા છે કે, ગુવાહટીમાં રહેલા ધારાસભ્યોમાંથી બે ડઝન જેટલા અમારા સંપર્કમાં છે, તો પછી તેમના નામની યાદી જાહેર કેમ કરતા નથી. શિંદેએ દાવો કર્યો છે કે, કુલ 50 ધારાસભ્યો તેમની સાથે છે, તેમણે ગુવાહટીમાં રહેલા તમામ ધારાસભ્યો તેમની સાથે ખુશ છે. શિંદેએ કહ્યું કે, ટૂંક સમયમાં અમે આગળની રણનીતિ વિશે બધાને જણાવીશું અને મુંબઈ પાછા ફરીશું.
એકનાથ શિંદેએ કહ્યું કે, અમે લોકો શિવસેનાને આગળ લઈ જઈશું અને અમે શિવસેનામાં જ છીએ. તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્ય પોતાની મરજીથી ગુવાહટી આવ્યા છે. શિંદેએ કહ્યું કે, અમે હિન્દુત્વના મુદ્દાને લઈને આગળ આવી રહ્યા છીએ.