ધ્રાંગધ્રામાં જર્જરિત પાણી પુરવઠાની કચેરીનો સ્ટાફ પણ ભયના ઓથા હેઠળ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
એક તરફ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રોડ પરના ખાડા અને જર્જરિત બ્રીજના સમારકામ માટે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ આ રોડ અને બ્રીજનું સમારકામ કરવા માટે જે તે જવાબદાર વિભાગની કચેરી જર્જરિત હાલતમાં છે તેનું શું ? ધ્રાંગધ્રા માર્ગ મકાન પંચાયત વિભાગની કચેરી પણ આ પ્રકારે જર્જરિત હાલતમાં હોવાના લીધે ગત શનિવારે આ કચેરીની છતનો કેટલોક હિસ્સો ઉપરથી પટકાયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારની અનેક કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતે જ ભયના ઓથ હેઠળ કામ કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક આવેલી પાણી પુરવઠા વિભાગની કચેરી પણ છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાનું નજરે પડે છે. આ કચેરીમાં છત પરના પોપડા પડી ગયા છે જેના લીધે છત પરના સળિયા નારી આખે દેખાય છે વળી વર્તમાન સમયમાં પણ અવર નવાર છત પરથી પોપડા પડવાનો બનાવ બને છે ત્યારે આ પ્રકારની સ્થિતિમાં છેલ્લા દોઢેક વર્ષથી પાણી પુરવઠા વિભાગના અધિકારી સહિત સાતેક જેટલા કર્મચારીનો સ્ટાફ ભયના ઓથ હેઠળ પોતાની ફરજ બજાવે છે. જ્યારે પાણી પુરવઠાની કચેરી બનાવવા માટેની મંજૂરી મળી ચૂકી હોવાનું પણ સામે આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર હજુસુધી કામ શરૂ થયું નથી જેના લીધે અહીં ફરજ બજાવ્યા કર્મચારીઓ પોતાનો જીવ હથેળીમાં લઈ ફરજ બજાવતા હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે.