રાજકોટમાં ગંભીર પાણી સમસ્યા: રહીશોમાં ભારે રોષ
કાળા કણો અને ગંદકી સાથે પાણી આવતા રહીશોમાં રોષ; RMCમાં તાત્કાલિક ફરિયાદ, પાઇપલાઇનમાં લીકેજની આશંકા
- Advertisement -
રાજકોટના ન્યુ જાગનાથ પ્લોટ (39-A)માં RMCનું પીવાનું પાણી ગટર જેટલું ગંદુ!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના ન્યૂ જાગનાથ પ્લોટ (39-A) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રહીશો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સપ્લાય થતું પાણી ગટર જેવા રંગ અને તીવ્ર દુર્ગંધ સાથે આવવા લાગ્યું છે, જેમાં ગંદકી અને કાળા કણો સ્પષ્ટ દેખાતા હતા. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાં હળવી ગંદકી જોવા મળતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. આ પાણી પીવા તો દૂર, ન્હાવા કે રસોઈ માટે પણ ઉપયોગ કરી શકાય તેમ નથી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનું મોજું ફેલાયું છે. રહીશોએ RMCના પાણી વિભાગમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે અને પાઇપલાઇનમાં લીકેજ, ક્રોસ-કનેક્શન અથવા અન્ય કોઈ ટેક્નિકલ ખામી હોવાની આશંકા વ્યક્ત કરી છે. રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યાં પાણી જેવી મૂળભૂત સુવિધામાં આવી બેદરકારી હોય, ત્યાં સામાન્ય નાગરિકને ન્યાય કોણ આપશે?
ઘટના અંગે છખઈના અધિકારીઓએ વિસ્તૃત તપાસ શરૂ કરવાના અને પાણીના નમૂનાઓની ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રહીશોએ તાત્કાલિક ઉકેલ અને સ્વચ્છ પાણીનો સપ્લાય પુન:સ્થાપિત કરવાની માંગ કરી છે.
- Advertisement -



