ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના બીજા નંબરના મહાકાય ડેમ ભાદર-1માંથી શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું છે જેના લીધે કેનાલ તરબતર બની ગઇ છે. આ વર્ષે ખુબ સારા વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસમાં અનેકવાર ઓવરફલો થયો હતો.
ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સિંચાઇ વિભાગ દ્વારા શિયાળુ પાક પણ પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો જેમાં ભાદર કેનાલમાં પાણી છોડાયું હતું.
ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા ઘણો વધુ વરસાદ પડયો હતો. જેના કારણે ખેડુતોનો મોટા ભાગનો પાક ધોવાઇ ગયો હતો. જેને લઇને ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડુતો શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે.
ત્યારે ભાદર ડેમ-1 કે જેની 78 કિ.મી.ની લંબાઇ ધરાવતી કેનાલ દ્વારા રાજકોટ, જુનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાઓના 48 ગામોની 5000 હેકટર ખેતીની જમીનને સિંચાઇનું પાણી પુરૂ પાડવામાં આવશે.
રાજકોટ, જુનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના 47 ગામોની 5હજાર હેકટર જેટલી ખેતીની ગામોના 4700 જેટલા ખેડુતોએ શિયાળુ પાક માટે ફોર્મ ભરતા તેઓ કેનાલમાંથી પાણીનો લાભ મેળવી શકશે.
ભાદર ડેમ-1ની કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે ડેપ્યુટી ઇજનેર એમ.વી.મોવલીયાની હાજરીમાં છોડવામાં આવ્યું હતું. ડેમના સેકશન ઓફિસરે જણાવ્યું હતું કે ખેડુતોને શિયાળુ પાક માટે પિયતના છ પાણ આપવામાં આવશે અને ડેમમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ કેનાલ મારફત પાણી છોડવામાં આવશે.