ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે 10 થી સવારે 8 સુધી અમલમાં છે. આ રાત્રિ કરફયુની મુદત તા.ર0 જુલાઇ ર0ર1 મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે 31 જુલાઇ ર0ર1 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે તા.1 ઓગસ્ટ સવારે 6 કલાકે પૂરી થશે.
- Advertisement -
કોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર0 જુલાઇથી તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.31 જુલાઇ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ. રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.ર0 જુલાઇ-ર0ર1થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.
તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના 7પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે.