28 પ્રશ્ર્નો સામે માત્ર શૈક્ષણિક સંસ્થાઓ મુદ્દે ચર્ચા: અન્ય નગરસેવકોના પ્રશ્ર્નો હવામાં ઉડી ગયા
રસ્તાઓ પર પડતાં મસમોટા ગાબડાં, લોકોને હાલાકી થઇ જેવા પ્રશ્ર્નો પર કોઈ જ ચર્ચા નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ શાળા અને શિક્ષણ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને શાસક-વિપક્ષ વચ્ચે સતત જનરલ બોર્ડમાં બોલાચાલી અને દેકારો મચી ગયો હતો. આજની જનરલ બોર્ડમાં 28 પ્રશ્ર્નોને બદલે માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચા કરવામાં આવતાં વિવાદ થયો હતો.
આજની બેઠકમાં 28 પ્રશ્ર્નો રજૂ કરવામાં આવનાર હતા, જેની જગ્યાએ માત્ર એક જ પ્રશ્ર્ન શિક્ષણ મુદ્દે 1 કલાક અને 10 મિનિટ સુધી ચર્ચાઓ ચાલી હતી. જ્યારે અન્ય નગરસેવકોના પ્રશ્ર્નો હવામાં જ ઉડી ગયા હતા. ગત વખતની જેમ આ સભામાં પણ શૈક્ષણિક સંસ્થાઓના પ્રશ્ર્ન જ રજૂ કરાયા હતા. શાળા-કોલેજોના બાંધકામથી માંડી ટેક્સની વિગતો, ખાનગી શાળા-કોલેજો, સરકારી કે મનપાની કેટલી શિક્ષણ સંસ્થાઓ સરકારી ખરાબા કે સૂચિતમાં આવેલી છે? કેટલા વર્ષથી મંજૂરી મળી છે? ત્યાંનો મિલ્કત વેરો ક્યાં સુધીનો ભરાયો છે? પાર્કિંગ સુવિધા ઉપરાંત કોર્પો. સંચાલિત શાળાઓની સંખ્યા કેટલી, સ્કૂલ ખાનગી જગ્યા પર છે? સૂચિતમાં છે અને મંજૂરી મળી છે કે કેમ, શિક્ષણ સમિતિમાં પટ્ટાવાળાથી પ્રિન્સીપાલની ખાલી જગ્યા સહિતના વિવિધ પ્રશ્ર્નો સાગઠીયાએ કર્યા હતા. જેમાં 40 સૂચિત સોસાયટીમાં સ્કૂલના બિલ્ડિંગો ઉભા છે તેને મંજૂરી ક્યારે આપી તેની માહિતી નથી તેવું સાગઠીયાએ મેયરને કહ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો. આમ આજે 28 પ્રશ્ર્ન સામે માત્ર એક જ સવાલમાં બોર્ડ પૂરૂં થયું હતું અને ખાસ અત્યારે ચોમાસા દરમિયાન માર્ગો પર મસમોટા ખાડા પડવા સહિતના પ્રશ્ર્નો હવામાં જ ઉડી ગયા હતા.
વધુમાં અન્ય 9 દરખાસ્તો પૈકી એક વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ, વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની પેન્ડિંગ રહી હતી અને અન્ય 8 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ મનપાની હદમાં આવેલી શાળા-કોલેજો
રાજકોટ મનપાની હદમાં ટોટલ 454 શાળા, 35 કોલેજો, ઈમ્પેક્ટ હેઠળ રેગ્યુલાઈઝ કરાયેલી શાળા કુલ 25 અને કોલેજ 1, સૂચિત વિસ્તારમાં ઈમ્પેક્ટ હેઠળ રેગ્યુલાઈઝ કરવામાં આવેલી ન હોય તેવી શાળા કુલ 51 અને કોલેજનો સમાવેશ નહીં સૂચિત વિસ્તારમાં આવેલા શાળા ટોટલ 77, કોલેજ 1, આર.એમ.સી. અને રૂડા દ્વારા મંજૂર થયેલી ખાનગી શાળા ટોટલ 202, કોલેજ 21 અને મંજૂરી વિનાની શાળા 114, અને ઈમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલાઈઝ કરવામાં આવેલી શાળા ટોટલ 153, કોલેજ 7, પાર્કિંગની વ્યવસ્થા સાથેની શાળા ટોટલ 155, કોલેજ 26 અને રાજકોટ મનપાની ટોટલ 88 શાળાનો સમાવેશ થાય છે.
વીનુ ધવાએ સાગઠિયાને કહ્યું, તમારા મગજમાં જ ખરાબો આવી ગયો છે !
નગરસેવક વશરામ સાગઠીયાએ સરકારી ખરાબામાં બે સ્કૂલ વર્ષોથી ચાલે છે એવો પ્રશ્ર્ન કર્યો હતો ત્યારે વોર્ડ નં. 17ના કોર્પોરેટર વીનુ ધવાએ કહ્યું કે તમારા મગજમાં જ ખરાબો આવી ગયો છે. શાળાઓ પાડીને બાળકોને ક્યાં ભણવા મોકલવા? આમ શાસક-વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.