IMD અનુસાર, શ્રીલંકાના દરિયા કિનારાથી દૂર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બનીને તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે.
ભારતના મોટાભાગના રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે. અહીં સવારે, સાંજે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે, તો બપોરે તીખો તાપ પડે છે. ઘણા રાજ્યોમાં ધુમ્મસની અસર પણ દેખાવા લાગી છે. પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. તેની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વરસાદનું એલર્ટ છે. શ્રીલંકાના દરિયાકાંઠાથી દૂર બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે.
- Advertisement -
શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ
આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બનીને તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. IMD અનુસાર, ઉત્તર કોસ્ટલ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તમિલનાડુના 26 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે માછીમારોને આજે અને આવતીકાલે દક્ષિણ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, મન્નારની ખાડી અને તેની આસપાસના કોમોરિન વિસ્તારની સાથે-સાથે બંગાળની દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલ પશ્ચિમ-મધ્ય ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
આ સાથે જ IMDએ માછીમારોને 13-14 નવેમ્બર દરમિયાન દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને કેરળના કિનારા, લક્ષદ્વીપ વિસ્તાર, માલદીવના દરિયાકાંઠે ન જવાની અપીલ કરી છે. તો બીજી બાજુ હિમાલયના ઊંચા શિખરો પર છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષાની સાથે-સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું ગયું છે. IMDએ આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. તેની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે.
આ રાજ્યોમાં વધશે ઠંડીનું જોર
આગામી 4થી 5 દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, ઓડિશા સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે 12 નવેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાઈ શકે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. આ સિવાય સવારે ધુમ્મસ રહેશે. ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે, સાથે ધુમ્મસ પણ રહેશે.