સરગમ પરિવારના દરેક સભ્યો રાજકોટ માટે અનમોલ ઘરેણાં સમાન: વજુભાઈ વાળા
ખાસ-ખબર સંવાદદાતા
સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા લોકોનું જાહેરમાં અભિવાદન કરવાની પરંપરાને જાળવી રાખી સરગમ ક્લબે તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં વિજેતા થઈને મંત્રી બનનારા રાજકીય મહાનુભાવો અને ધારાસભ્યોના સન્માનનો એક ગરિમા પૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સરગમ પરિવારના ચેરમેન અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ અને ધારાસભ્યોએ સરગમ ક્લબની પ્રવૃત્તિને એકી અવાજે વખાણી હતી.
આ પ્રસંગે બોલતા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરગમ પરિવારના દરેક સભ્યો રાજકોટ માટે અનમોલ ઘરેણા સમાન છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરગમ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓ સરકારી પ્રવૃત્તિઓની સમાંતર ચાલે છે. સેવાનું એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં સરગમ પરિવારની હાજરી ન હોય સરગમના માધ્યમથી સેકડો લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળે છે. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત ધારાસભ્યો કિરીટસિંહ રાણા, રમેશભાઈ ટીલાળા, ડોક્ટર દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ તરીકે છેલ્લી ચાર અલગ અલગ ચૂંટણીઓમાં સુંદર નેતૃત્વ પૂરું પાડનાર કમલેશભાઈ મીરાણીનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા,મેયર પ્રદીપભાઈ ડવ, બિલ્ડર જગદીશભાઈ ડોબરીયા, ડો. ચંદાબેન શાહ વગેરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.