દર્દીઓ લાખોમાં, પરંતુ બૅડ માત્ર 4-5 હજાર, કુલ 25 AIMSમાંથી માત્ર 12 કાર્યરત
દેશમાં દર વર્ષે 14.6 લાખ કેન્સરના નવા દર્દીઓ પરંતુ તેની સામે માત્ર 286 નવા ઑન્કોલોજિસ્ટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
રોજ સૂર્યના કિરણો પહેલાં દિલ્હી એઈમ્સ અને અન્ય હોસ્પિટલોમાં કેન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓની લાઈન લાગી જાય છે. આ લાઇન તો પૂરી થઈ જાય છે પરંતુ એક સવાલ યથાવત્ રહે છે, સરકારી હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નથી વધતું? દર વર્ષે કેન્સરના 70 હજાર દર્દીઓમાંથી માત્ર 37 હજારને જ દિલ્હી એમ્સમાં સારવાર મળે છે. ડબલ્યૂએચઓ મુજબ, વિશ્વમાં કેન્સરના દર્દીઓના 10% મૃત્યુ ભારતમાં થાય છે. જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજીના અભ્યાસ મુજબ, દેશમાં કેન્સર મૃત્યુ દર વિકસિત દેશો કરતા લગભગ બમણો છે. અહીં દર 10માંથી 7 મૃત્યુ પામે છે, જ્યારે વિકસિત દેશોમાં આ સંખ્યા 3 અથવા 4 છે. કારણ એ છે કે દેશમાં દર 2000 કેન્સરના દર્દીઓ સામે માત્ર એક જ ડોક્ટર છે. જ્યારે અમેરિકામાં દર 100 માટે એક છે. દેશમાં કેન્સર કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર 100 શહેરો સુધી મર્યાદિત છે. 40% ઇન્ફ્રા માત્ર આઠ મેટ્રો સુધી છે. દેશમાં 30% દર્દીઓને સરકારી સારવાર મળે છે. બાકીના 70%માંથી અડધા ખાનગી હોસ્પિટલોના ભરોસે છે.
દેશમાં 25 એઈમ્સ છે, તેમાંથી માત્ર 12 જ કાર્યરત છે. આઝાદી પછી 2012 સુધી દિલ્હીમાં એકમાત્ર એઈમ્સ હતી.
દિલ્હી એઈમ્સ અને એક્સટેન્શન સેન્ટર ઝજ્જર (હરિયાણા) પાસે 710 બેડ છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં પણ આટલા જ બેડ છે.
એઈમ્સના સર્જિકલ ઓન્કોલોજી વિભાગમાં 46 સર્જિકલ બેડ, 6 બેડવાળું આઈસીયુ, 3 મુખ્ય ઓપરેશન થિયેટર.
ભોપાલ (મધ્યપ્રદેશ), રાયપુર (છત્તીસગઢ), જોધપુર (રાજસ્થાન), પટના (બિહાર) અને ભુવનેશ્વર (ઓડિશા) એઈમ્સમાં કેન્સરના દર્દીઓ માટે બેડની કોઈ નિશ્ચિત સંખ્યા નથી.એઈમ્સ ઋષિકેશમાં 26 બેડ સાથેનો સંયુક્ત મેડિકલ ઓન્કોલોજી અને હેમેટોલોજી ઇનપેશન્ટ વિભાગ છે.
તમામ નાની ખાનગી હોસ્પિટલોમાં કુલ મળીને લગભગ 2,500 બેડ છે.
દેશભરમાં ફેલાયેલી મેક્સ અને અપોલો જેવી બે મોટી ખાનગી હોસ્પિટલોની શાખાઓમાં પણ કેન્સર દર્દીઓ માટે માત્ર હજારોમાં બેડ છે.
કેન્સરની સારવારની 3 મુખ્ય પદ્ધતિ છે. પ્રથમ- સર્જરી, બીજી- કીમોથેરાપી અને ત્રીજી- રેડિયોથેરાપી. જેમાં રેડિયોથેરાપી સૌથી સચોટ માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના દર્દીઓ તેનો આર્થિક બોજ ઉઠાવી શકતા નથી. તેના મશીનો અને દવાઓ આયાત કરવામાં આવે છે અને ખૂબ ખર્ચાળ છે.
ડબલ્યૂએચઓના ધોરણો અનુસાર, 10 લાખની વસ્તીએ એક ટેલિ-રેડિયોથેરાપી મશીનની જરૂર છે. ભારતને 1300ની જરૂર છે, પરંતુ હાલમાં માત્ર 700 છે.
70% કેસની સારવાર રેડિયોથેરાપીથી કરી શકાય છે. સારવાર મોંઘી હોવાને લીધે માત્ર 20% કરતા ઓછા દર્દીઓ તેનો લાભ મેળવી શકે છે. તેની સતત વધી રહેલી કિંમતોને રોકવા માટે સરકાર પાસે કોઈ અસરકારક ઉપાય નથી.
જ્યારે કેન્સર મેનેજમેન્ટ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ આ અંગે ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવને બોલાવ્યા ત્યારે તેમણે દલીલ કરી હતી કે રેડિયોથેરાપીમાં દવા ઉપરાંત સર્વિસ ચાર્જ પણ લાગે છે.
- Advertisement -
એઈમ્સ જેવી મોટી હોસ્પિટલોમાં લાંબા વેઇટિંગ માટે નવી સિસ્ટમ બનાવવાની જરૂર છે. દર્દીઓને તેમની સ્થિતિની ગંભીરતાના આધારે પ્રાથમિકતા આપવા માટે કાર્યક્ષમ ટ્રાયજ સિસ્ટમ્સ હોવી જોઈએ. બેડ, બહારના દર્દીઓના દવાખાના અને ઓપરેશન થિયેટરની સંખ્યા વધારવી જોઈએ. જૂના દર્દીઓ માટે ટેલીમેડિસિન સુવિધા સાથે હોસ્પિટલમાં કતારો ઘટાડી શકાશે અને દર્દીઓને આવવા-જવાની પરેશાની દૂર થશે. એપોઈન્ટમેન્ટ શેડ્યુલિંગથી દર્દીના પેશન્ટ ફ્લોમાં સુધારો થઈ શકે છે. આ માટે હેલ્થ કેર પ્રોફેશનલ્સને તાલીમ આપવી જોઈએ. લોકોના આરોગ્ય સંભાળ જરૂરિયાતોને સંતોષવા માટે સતત રોકાણ, નીતિ સુધારણા અને નવા અભિગમોની જરૂર છે. હોસ્પિટલોમાં બેડથી લઈને સારવાર સુધીના દર સરકારે નક્કી કરવા જોઈએ.
કેન્સરની સારવાર માટે માનવ સંસાધનોને એકત્ર કરવા પણ એક મોટો પડકાર બની ગયો છે. 10 વર્ષમાં ઓન્કોલોજિસ્ટની ઉપલબ્ધતાના ગુણોત્તરમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. દેશમાં ઓન્કોલોજીમાં પીજીના અભ્યાસ માટે મર્યાદિત તકો છે. દર વર્ષે પીજી અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમોમાં 38,314 બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં હોય છે. તેમાંથી માત્ર 286 બેઠકો ઓન્કોલોજી અને રેડિયો ઓન્કોલોજીના ખાતામાં જાય છે. આ કુલ કર્મચારીઓના માત્ર 0.76% છે. બજારમાં ભારે માગને કારણે ઓન્કોલોજિસ્ટ્સ જાહેર હોસ્પિટલોને બદલે ખાનગી હોસ્પિટલો તરફ વળે છે, જ્યાં તેમને સારી સુવિધાઓ અને પૈસા મળે છે. પરંતુ વાર્ષિક 14.6 લાખ નવા દર્દીઓની સરખામણીમાં આ ઘણું ઓછું છે.