લાગણીનો લગાવ અને ફરજની ફિતરત વચ્ચેનો જંગ કાયમ આકર્ષક રહ્યો છે. ભલે, તેમાં દેખીતી રીતે જીત ફરજ કે ન્યાયની થતી હોય પણ બાજીગરની જેમ વિજયી ભવ: તો મહૌબ્બત જ બને છે અને આ સુર સોની લીવ પર સ્ટ્રીમ થયેલી વેબસિરીઝ જેહાનાબાદનો રહ્યો છે. આ સિરીઝનું સૌથી મોટું જમા પાસું તેના શો-રનરનું નામ છે : સુધીર મિશ્રા.
એકદમ અલગ મિજાજ અને માટી સાથે જોડાયેલી વાસ્તવિક્તાનું ચિત્રણ કરવા માટે સુધીર મિશ્રા જાણીતા છે. તેમની ફિલ્મો (ખોયા ખોયા ચાંદ, ચમેલી, હજારો ખ્વાહીશે ઐસી, કલકત્તા મેલ, યે સાલી જિંદગી) એ સાબિત ર્ક્યું છે કે આ એક નોખી માટીનો બંદો છે. જેહાનાબાદ ઓફ લવ એન્ડ વોર જેવું સાંકેતિક ટાઈટલ ધરાવતી સિરીયલમાં પણ નામ પ્રમાણેના ઈન્ગ્રીડિએન્ટ છે.
- Advertisement -
ભારતમાં અનેક રીતે જાણીતા બિહાર રાજયના જેહાનાબાદ શહેરમાં એક જ દિવસે બે ઘટના બને છે. અન્યાય માટેની લડાઈ લડતા કોમરેડ દિપકકુમારને જેહાનાબાદની જેલમાં પકડીને લાવવામાં આવે છે અને એ જ અરસામાં શહેરની કોલેજમાં અભિમન્યુ સિંહ નામના અંગે્રજીના પ્રોફેસરની પણ નિમણૂક થાય છે. યોગાનુયોગ છે કે માથે ચૂંટણી ઝળુંબી રહી છે. બન્ને કહાણી (દિપકકુમાર અને અભિમન્યુ સિંહની) એકબીજામાં ગુંચવાયા વગર સમાંતર વિક્સતી રહે છે. દર્શક તરીકે આપણને સિરીઝનું નામ (જેહાનાબાદ ઓફ લવ એન્ડ વોર) જસ્ટીફાય થતું લાગે. આકર્ષક પ્રોફસર અભિમન્યુ સિંહ (રીત્વિક ભૌમિક) પાબ્લો નેરૂદા અને દુષ્યંતકુમારની કવિતાઓ ટાંકીને સ્ટુડન્ટને ભણાવે છે પણ શરૂઆતમાં (દેખાવ અને ક્યૂટનેશને કારણે) પ્રોફેસરને જ નવો સ્ટુડન્ટ સમજી લેનારી
જેહાનાબાદની સૌથી મોટી હાઈલાઈટસ પ્રોફેસર અને સ્ટૂડન્ટની લવસ્ટોરી
કસ્તુરી મિશ્રા (હર્ષિતા કૌર) તેના પ્રેમમાં પડી જાય છે.
- Advertisement -
બીજી તરફ જેહાનાબાદની જેલમાં રહેલો કોમરેડ દિપકકુમાર (પરમબ્રાતા ચટૃોપાધ્યાય) ચૂંટણી જીતવાનું પ્યાદું બની ગયો છે અને નક્સલ-ગેંગ તેને જેલમાંથી ભગાડી જવાના પ્રયાસમાં લાગેલી છે.
સ્વાભાવિક છે કે આ કારણે જેહાનાબાદ માં મોટું કમઠાણ સર્જાવાનું છે. પ્રોફેસર અભિમન્યુ સિંહના પટના રહેતા મામા છે તો કસ્તુરીના માતા-પિતા છે. પિતા જેહાનાબાદની જેલની કેન્ટિન અને શોપના ઈન્ચાર્જ છે. એક ચૂંટણી હારી ચુકેલા નેતા રજત કપૂર છે તો સામે લડી રહેલાં નેતા છે. રજત કપૂરને વફાદાર એવો એસપી અધિકારી છે તો કોમરેડને જેલમાંથી ભગાડી જવા માટે નક્સલીઓની ફૌજ છે. આ બધા પાત્રોના તાણાવાણા ગુંથવા એ અઘરું કામ છે પણ લેખક-ડિરેકટર રાજીવ બર્નવાલ અને સત્યાંશુ સિંહ તેમાં નિપૂણ પુરવાર થયા છે. સામાન્ય રીતે આપણને વિખવાદ, વિરોધ, લડાઈમાં રસ પડે પણ આ બધાની સાથે એક લવસ્ટોરીને પણ ચોંટાડી રાખે તેવો શેઈપ આપવો, એ અઘરું કામ છે પરંતુ પ્રોફેસર-સ્ટૂડન્ટની લવસ્ટોરી જેહાનાબાદની કદાચ, સૌથી મોટી હાઈલાઈટસ છે.
શો રનર, લેખક અને ડિરેકટરોને ન્યાય કરવા માટે ઉમેરવું જોઈએ કે આ લવસ્ટોરી અને નક્સલોની લડાઈ અલગ ચાલતી રહે છે પણ અડધેથી એ બન્ને ક્રોસ થાય છે ત્યારે ખરતાં તણખાં તમને દઝાડે છે. દર્શક તરીકે આપણને અડધા રસ્તે પહોંચ્યા પછી ખબર પડે છે કે વેબસિરીઝની અલગ અલગ આગળ વધતી બધી કેડીઓ એક જ ધોરી માર્ગ પર એકઠી થઈ જાય છે અને જેહાનબાદ – ઓફ લવ એન્ડ વોર આ મુદ્દે જ બીજી વેબસિરીઝથી અલગ પડે છે. સહજ છે કે પોતાના ઉદ્દેશ માટે નીકળેલો માણસ હઠપૂર્વક તેની મંઝિલે તો પહોંચે જ છે પણ માર્ગમાં આવતા પડાવ સાથે થતાં લગાવ પણ તેની કમજોરી બનતાં જાય છે. સામે પક્ષ્ો પ્રેમ કેવી પ્રચંડ ઈચ્છાશક્તિ ધરાવતાં પરિણામો આપણી સમક્ષ્ા ધરી દે છે, એ જેહાનાબાદ – ઓફ લવ એન્ડ વોર વેબસિરીઝની છેલ્લી પાંચ સેક્ધડમાં તમે જોવા મળે છે અને તમે એક વિચિત્ર લાગણી સાથે વિસ્ફારિત નજરે સ્તબ્ધ થઈ જાવ છો.
યુ-ટયૂબ પર અનોખા ઈન્ટરવ્યૂનું ઠેકાણું
જરૂરી નથી કે મનોરંજન માટે ફિલ્મો, ગીતો કે વેબસિરીઝનું જ શરણું લેવું. આપણી ચેતનામાં ચિનગારી ચાંપી દે અને મરક-મરક કરતી મજેદાર વાત લાઈફની ગુંચવણો ઉકેલી દે તેવી તાકાત અલગ રીતે લેવાયેલાં ઈન્ટરવ્યૂમાં હોય છે. બેશક, એ ટિપિકલ રીતે લેવાયેલાં ન હોય તો વધુ મજા આવે અને એવા બે સરનામાં યુ ટયૂબ પર અવેલેબલ છે. એક સ્લો ઈન્ટરવ્યૂ અને બે, અનફિલ્ટર્ડ બાય સમદીશ.
સ્લો ઈન્ટરવ્યૂ રેડિયો પર વાર્તા સંભળાવનારા (અને ફિલ્મના ગીતો લખનારા) નિલેશ મિશ્રા લેતા હોય છે પણ આ ઈન્ટરવ્યૂ વેગળાં છે. પરેશ રાવલ જેવી હસ્તીઓને એ પોતાના લખનઉ નજીકના વિરાટ સ્કૂલ કેમ્પસમાં બોલાવીને એકદમ સહજપણે વાત કરતાં હોય છે. નિલેષ મિશ્રા વાત કરતાં કરતાં જ લગભગ બધાને પૂછી લે છે : જિંદગીમાં કોઈ અફસોસ થાય છે ખરો ? અનફિલ્ટર્ડ બાય સમદીશના ઈન્ટરવ્યૂ (સ્લો ઈન્ટરવ્યૂના) તન સામા છેડાના છે. સમદીશ જે તે સેલીબ્રિટી પાસે પહોંચી જઈને ઈન્ટરવ્યૂ કરે છે. મળનારા તમામ સમક્ષ્ા આદર અને અજ્ઞાન નિખાલસપણે વ્યક્ત કરતાં સમદીશ એક તાકિદ શરૂઆતમાં જ કરી દે છે : હું કંઈ ન પૂછવાનું પૂછી લઉં કે ન બોલવાનું બોલી જાઉં તો બેધડક મને તમાચો મારી લેજો.
બન્ને ચેનલ યુ ટયૂબ પર મફતમાં જોવા મળે છે.