રશિયાને ઇરાન પાસેથી ડ્રોનના પુરવઠાની આશા
રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને છેવટે કબૂલ્યું છે કે યુક્રેન સાથેનું યુદ્ધ અપેક્ષા કરતાં વધુ ચાલ્યુ છે. આ યુદ્ધને નવ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. રશિયાએ 24 ફેબુ્રઆરીએ શરૂ કરેલા યુદ્ધનો હજી પણ અંત આવતો દેખાઈ રહ્યો નથી. જો કે તેની સાથે પુતિને યુક્રેનના કબ્જે કરેલા વિસ્તારને મોટી સિદ્ધિ ગણાવ્યા હતા. તની સાથે તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ લંબાવવાની સાથે-સાથે પરમાણુ યુદ્ધની સંભાવનામાં પણ વધારો થતો જાય છે તેમ કહીને ફરીથી પરમાણુ યુદ્ધની વાત દોહરાવી હતી.
પુતિને જણાવ્યું હતું કે આ યુદ્ધ બહુ લાંબી પ્રક્રિયા નીવડયુ છે, તેના લીધે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને હજારો લોકો માર્યા ગયા છે. આમ છતાં પણ પુતિને જણાવ્યું હતું કે રશિયાના હિતો માટે તે લડવાનું જારી રાખશે. તેણે જણાવ્યું હતું કે કોઈપણ ભોગે તે રશિયાના હિતોનું રક્ષણ કરશે.
તેમણે ટીવી પર રશિયાના માનવ અધિકાર પરિષદના સભ્યો સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે આ યુદ્ધમાં રશિયાએ ઘણુ બધુ મેળવ્યુ છે. આજે એઝોવનો સમુદ્ર રશિયાનો થઈ ગયો છે. તેમણ ઐતિહાસિક સંદર્ભો પણ ટાંક્યા હતા.
યુક્રેનના જબરજસ્ત પ્રતિકારના લીધે કીવ લેવામાં નિષ્ફળતા મળ્યા પછી પણ રશિયાએ યુક્રેનના દક્ષિણે નોંધપાત્ર હિસ્સો કબ્જે કર્યો હતો. તેમા એઝોવના દરિયાકિનારે આવેલુ મારિયુપોલ બંદર ત્રણ મહિનાના યુદ્ધ પછી કબ્જે કરાયુ હતુ. સપ્ટેમ્બરમાં પુતિને યુક્રેનના ચાર પ્રાંત ખેરસન, ઝાપોરિઝઝિયા, ડોનેત્સ્ક અને લુહાંત્સ્કને રશિયા સાથે જોડવાની જાહેરાત કરી હતી. પુતિને 2014માં ગેરકાયદેસર રીતે ક્રીમિયાને રશિયા સાથે જોડી દીધું હતું.