સરકારે સંસદમાં કર્યો ખુલાસો; 2019 પછી કેન્દ્રે વકફ બોર્ડને કોઈ જમીન આપી નથી; રાજયોએ કરેલી ફાળવણી વિશે અજાણ
સૌથી વધુ 734 ગેરકાયદે કબ્જો તામીલનાડુમાં: તમામ રાજયો પાસાથી વકફની વિવાદીત સંપતિઓની માહિતી મંગાવતી પેનલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં વકફ બોર્ડની સંપતિઓ વિશે ચાલતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં એમ જાહેર કર્યુ હતું કે દેશમાં 994 સંપતિઓ પર વકફ બોર્ડનો ગેરકાયદે કબ્જો છે.
સંસદમાં માર્કસવાદી નેતા જોન બ્રિટાસના સવાલના લેખિત જવાબમાં લઘુમતી બાબતોના મંત્રાલયે કહ્યું કે વકફ અધિનિયમ હેઠળ દેશમાં 872352 સ્થાવર તથા 16713 જંગમ મિલ્કતો છે. 994 મિલ્કતો પર ગેરકાયદે કબ્જો છે.
તેમાંથી માત્ર તામીલનાડુમાં જ 734 સંપતિનો સમાવેશ થાય છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉતરાખંડમાં 11 તથા જમ્મુ-કાશ્મીરમાં 10 સંપતિ પરનો વકફ બોર્ડનો કબ્જો ગેરકાયદે છે.અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં વકફ સુધારા વિધેયક રજુ કર્યુ હતું તેમાં ઉગ્ર ચર્ચા બાદ સંયુક્ત સંસદીય સમીતીને હવાલે કરી દેવામાં આવ્યું હતું. સરકારે એવી ચોખવટ કરી હતી કે સૂચિત કાયદો મસ્જીદોના કામકાજમાં હસ્તક્ષેપ કરવા માટે નથી પરંતુ વિપક્ષોએ મુસલમાનોને નિશાન બનાવવાનો તથા બંધારણ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.
ગત સપ્તાહમાં જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાસે રહ્યું હતું કે સમીતીએ રાજય સરકારો પાસેથી વિવાદીત વકફ સંપતિઓની વિગત માંગી છે. મહારાષ્ટ્રમાં ખેડુતોએ એનો આરોપ મુકયો હતો કે વકફ બોર્ડ ખેડુતોની જમીન આંચકી લેવા પ્રયત્નશીલ છે. 300 એકર જમીન પર ખેડુતો દાયકાઓથી ખેતી કરે છે પરંતુ વકફ બોર્ડે 103 ખેડુતોને નોટીસ મોકલી છે.બીજી તરફ કેન્દ્રીય શહેરી બાબતો તથા આવાસ મંત્રાલય દ્વારા રાજયસભામાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે 2019 પછી કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડને કોઈ જમીન ફાળવવામાં આવી નથી. જો કે, 2019 પછી રાજયોની સરકારોએ જમીન ફાળવી હોય તો તેનો ડેટા કેન્દ્ર સરકાર પાસે નથી. કેન્દ્ર સરકારે 2019 પછી કોઈ જમીન આપી નથી. જમીન એ રાજયોનો વિષય છે અને રાજય સરકારો વકફ બોર્ડને જમીન આપતી હોય છે.