વક્ફ બોર્ડનો વાયરસ રાજકોટ પહોંચ્યો
25 લોકોએ ત્રણ દુકાનોના તાળાં તોડી સામાન રોડ પર ફેંક્યો, કારણ પૂછતાં કહ્યું- ઓર્ડર મુજબ કબજો લઈએ છીએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરનાં જૂના દાણાપીઠ વિસ્તારમાં ગઈકાલે રાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. 25 લોકોના ટોળાએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી ત્રણ દુકાનોનાં તાળાં તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી. વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનો ખાલી કરાવાતા વેપારીઓમાં રોષની લાગણી હતી. જોકે, સમગ્ર મામલે તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ગઈકાલે મોડી સાંજે જૂના દાણાપીઠ વિસ્તારની મસ્જિદમાં આવેલી અને વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાન ખાલી કરાવવા ફારુકભાઈ મુસાણી સહિત 25 જેટલા લોકો પહોંચ્યા હતા અને ત્રણ જેટલી દુકાનોનાં તાળાં તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનોને ખાલી કરાવી હતી. જેને લઈ દુકાનો ભાડે રાખનાર વેપારીઓએ જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ત્યારબાદ દુકાનો ખાલી કરાવનાર ફારુકભાઈ મુસાણીએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો અને ભાડુઆતો દુકાનોનું ભાડું ચૂકવતા નહીં હોવાનો અને ખાલી પણ ન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. દુકાનો જર્જરિત થઈ ગઈ હોવાથી વકફ બોર્ડના ઓર્ડર મુજબ આ દુકાનો ખાલી કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ભોગ બનનાર વેપારી વીરેન્દ્રભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, આ મસ્જિદ નીચે 1965થી અમારી દુકાન છે. આજે અચાનક ફારુકભાઈ સહિત 25 લોકોએ દુકાનનાં તાળાં તોડ્યાં હતાં. જેને પગલે હું દોડી ગયો હતો. ત્યારે તેઓએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો. વર્ષો જૂની અમારી દુકાનનાં તાળા તોડી ખાલી કરવામાં આવી છે અને આ માટેની અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નથી.
- Advertisement -
દુકાનો નિયમ મુજબ ખાલી નથી કરાવી: DCP ઝોન-2 બાંગરવા
આ દુકાનો ખાલી કરાવવા મામલે રાજકોટ શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આમાં વક્ફ બોર્ડના આદેશ બાદ ખાલી કરાવી હોવાનો લેટર છે, તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યો છે. વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે જેના નિયમ મુજબમાં નોટિસ આપવાની હોઈ અને પોલીસને સાથે રાખી ખાલી કરાવવાની રહેતી હોય છે. દુકાનો નિયમ મુજબ ખાલી કરાવવામાં આવી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.