ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્રનો વક્ફ બિલ કાયદો પશ્ર્ચિમ બંગાળમાં લાગુ કરવામાં નહીં આવે. હું લઘુમતી લોકો અને તેમની સંપત્તિનું રક્ષણ કરીશ.’ કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ કહ્યું કે, ‘મને ખબર છે કે તમે વક્ફ કાયદાના અમલીકરણથી દુ:ખી છો. પરંતુ વિશ્ર્વાસ રાખો બંગાળમાં એવું કંઈ નહીં થાય જેનાથી કોઈ ભાગલા પાડીને શાસન કરી શકે. બાંગ્લાદેશની પરિસ્થિતિ જુઓ. વક્ફ સુધારા બિલ હમણાં પાસ નહોતું કરવાનું. પશ્ર્ચિમ બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય.’
વક્ફ સુધારા બિલ ગત ગુરુવારે લોકસભામાં અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થયું હતું. શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને પોતાની સંમતિ આપી હતી તેથી હવે તે કાયદો બની ગયો છે. કાયદાની તરફેણમાં સરકારે દલીલ એ છે કે તેનાથી જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે. વક્ફ બોર્ડનું કામ કાર્યક્ષમ, પારદર્શક અને જવાબદાર રહેશે.
બીજી તરફ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે.