ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વાંકાનેર બાયપાસ રોડ પર મચ્છુ નદી પર આવેલા મેજર બ્રિજનો અમુક ભાગ ડેમેજ થતાં છેલ્લા એક વર્ષથી વાહનોની અવરજવર બંધ છે, જેના કારણે શહેરમાં ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે.
રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના પ્રયાસોથી આ પુલના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે તેમાં વિલંબ થયો હતો. કામગીરી શરૂ થતાંની સાથે જ ભારે વરસાદ અને વાવાઝોડું આવતાં નદીમાં પાણી ફરી વળ્યા હતા અને પુલનું સેન્ટિંગનો માંચડો તૂટી પડ્યો હતો. આ કારણે કામગીરી અટકી પડી હતી.
હવે ફરીથી હવામાન સાનુકૂળ બનતા અને કામ આગળ વધારી શકાય તેવા સંજોગો ઊભા થતાં, પુલનું બાકીનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. વાંકાનેરના વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે કે આ કામ ઝડપથી પૂર્ણ થાય અને તેમને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે. જોકે, પુલનું કામ ક્યારે પૂરું થશે અને વાહનચાલકો ફરી અવરજવર કરી શકશે તે તો આવનારો સમય જ બતાવશે.