ચૂંટણીના મન દુ:ખને કારણે ગામના 60% લોકોને સરપંચે પાણી આપવાનું બંધ કર્યું હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી ગામ લોકોને મળતું ન હોવાની બૂમરાણ ઉઠી છે ત્યારે હળવદ શહેર અને આસપાસના ગામોમાં પીવાનું પાણી ન મળતા લોકોનો ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે હળવદ તાલુકાના ડુંગરપુર ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન મળતાં ગામના 60 ટકા લોકો તરસ્યા છે જ્યારે અવેડા ખાલીખમ થઈ જતાં પશુધનની હાલત પણ કફોડી બની છે જેથી ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને જો હળવદના ડુંગરપુર ગામે પાણી પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. હળવદના ડુંગરપુર ગામના લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ડુંગરપુરમાં છેલ્લા બે માસથી ગામના 60 ટકા લોકોને પીવાનું પાણી મળતું નથી. આ અંગે ગામના સરપંચને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જો કે ચૂંટણીના મનદુ:ખને કારણે 60 ટકા લોકોને પાણી આપવાનું બંધ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે જો કે લોકો તો પાણી વિના ટળવળી રહ્યા છે ઉપરાંત અવેડા પણ ખાલીખમ હોવાથી પશુધનની ખરાબ હાલત થઈ ગઈ છે જેથી આ પાણી પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી છે તેમજ 15 દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો સરપંચને હોદા પરથી દૂર કરી વહીવટીદારને નિમવાની માંગણી કરવામાં આવી છે.