ભારે વરસાદને પગલે સર્જાઈ દુર્ઘટના!
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના સુંદરીભવાની ગામે ગઈકાલે રવિવારે સાંજના સમયે ભારે વરસાદને પગલે દીવાલ ધરાશાયી થતાં બે સગા ભાઈ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ કરુણ દુર્ઘટનાને પગલે નાનકડા એવા સુંદરીભવાની ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
મોરબી જીલ્લાના અનેક ગામડાઓમાં ગઈકાલે રવિવારે સિઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામના દેગામા પરિવાર માટે આફત બનીને આવ્યો હતો. વાતાવરણમાં અચાનક આવેલ પલટા બાદ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ગાજવીજ સાથે એક સામટો પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા સુંદરીભવાની ગામે કેનાલ કાંઠે આવેલ ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીમાં કામ કરી રહેલા છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઈ દેગામા વરસાદથી બચવા વાડીએ ભેંસોને રાખવા માટે બનાવવામાં આવેલ ઢાળીયા પાસે દોડી ગયા હતા અને ભારે વરસાદને કારણે ઢાળીયાની દીવાલ ધસી પડતા દીવાલના કાટમાળ હેઠળ દબાઈ જવાથી ત્રણેય લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને પગલે દેગામા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
ત્રણ-ત્રણ લોકોના અકાળે મૃત્યુ બાદ પણ મામલતદાર ન દેખાયા !
- Advertisement -
સુંદરીભવાની ગામે સર્જાયેલ કરુણ દુર્ઘટનાની કલાકો બાદ સ્થાનિક અને જીલ્લા વહીવટી તંત્રને આ બાબતની જાણ થતા તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા જો કે આવી કુદરતી આપતી વેળાએ જેમને પહેલા જવાની ફરજ છે તેવા હળવદ તાલુકાના મામલતદાર ઘટનાને ખાસ્સો સમય વીત્યા બાદ પણ ઘટનાસ્થળે ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોના કમોત થયા હોવા છતાં મામલતદાર ન પહોંચતા પરિવારને સાંત્વના પાઠવવામાં વહીવટી તંત્ર વામણું પુરવાર થયું છે.