રૂ.4.91 કરોડનાં ખર્ચે નિર્માણ પામનારા સ્લેબને લઇ ફેઈઝ 2માં ચોક પાસેનો યાજ્ઞિક રોડ 2 માસ બંધ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં ડો. યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં નવા વોંકળાનું કામ સંપૂર્ણ વિસ્તાર બંધ કરીને કરવામાં આવી રહ્યું છે અને યાજ્ઞિક રોડ સુધી ખોદકામ પણ થઇ ગયું છે. વહેલાસર મુખ્ય રોડ બંધ કરીને નીચેથી પાઇપ પસાર કરવાનું કામ શરૂ કરવા અધિકારીઓએ સૂચના આપી છે. જુદા જુદા પ્રોજેકટ સાથે આ કામના પણ રીવ્યુમાં વોંકળાનું કામ સમયસર પુરૂ કરવા જણાવાયું છે. સર્વેશ્વર ચોક ખાતે આવેલ વોંકળા ઉપર રૂ.4.91 કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયાને ત્રણ માસ જેવો સમય વિતી ગયો છે. હાલ ચોકમાં ખોદકામ ચાલુ હોવાથી બેરીકેડિંગ કરી સમગ્ર ચોક બંધ કરાયો છે. તાજેતરમાં યોજાયેલી ચાલુ વિકાસ કામોની સ્થિતિ અંગેની રિવ્યુ મિટિંગમાં વોંકળાનું કામ ઉનાળો પુરો થાય ત્યાં સુધીમાં પૂર્ણ કરવા તાકિદ કરાઇ હતી. ફેઇઝ 1નું કામ પુર્ણ થયા બાદ ફેઇઝ 2નું કામ શરૂ થતા ચોક પાસેથી પસાર થતો યાજ્ઞિક રોડ 2 માસ માટે બંધ કરાશે.
સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ સુધીનું ખોદકામ પૂર્ણ થઇ ગયું છે, 40 વર્ષ જુના વોંકળાનો સ્લેબ એટલો મજબૂત હતો કે તેને કટરથી તોડવામાં પણ ઘણો સમય વિતી ગયો હતો, હાલ પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાકટર એજન્સીને કામ માટેની સમય મર્યાદા 12 મહિનાની અપાઇ છે, પરંતુ શક્ય તેટલું વહેલું અને ખાસ કરીને ચોમાસા પહેલા કામ પૂર્ણ થઇ જાય તે માટે સૂચના આપી છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાથી વરસાદી પાણીના નિકાલમાં પણ મુશ્કેલી ન પડે તેવો હેતુ છે. નવા વોંકળામાં 990 ચોરસ મીટર ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઇ 110 રનિંગ મીટર, પહોળાઇ નવ રનિંગ મીટર તેમજ ઉંચાઇ ત્રણ રનિંગ મીટર રહેશે. સર્વેશ્વર ચોકનો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ નીચેથી પસાર થતો હોવાથી વોંકળા સફાઇમાં મુશ્કેલી થતી હોય છે. હાલમાં નિર્માણાધિન નવા સ્લેબયુક્ત વોંકળાનું વહેણ ડાયવર્ટ કરાઇ રહ્યું છે. નવો વોંકળો ચોક વચ્ચેથી અને રસ્તા નીચેથી પસાર થશે. આથી કોઇ મિલકત પર જોખમ નહીં રહે. ફેબ્રુઆરી માસમાં લાઇન પસાર કરવા યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવે તેવી તૈયારી થઇ છે.